હળવદમાં જાહેરનામાના ભંગ બદલ ત્રણ સામે ગુન્હો નોંધાયો

- text


લોકડાઉન હોવા છતાં શહેરમાં લટાર મારવા નિકળેલા બે શખ્સોના વાહન ડિટેઈન કરાયાં

હળવદ : લોકડાઉનના નવમા દિવસે હળવદ પોલીસ દ્વારા જાહેરનામાનો ભંગ કરનાર ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. જ્યારે વગર કામે નીકળેલા બે લોકોના વાહન ડિટેઇન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

વિશ્વભરમાં હાહાકાર મચાવતા કોરોના વાયરસને પગલે દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે લોકડાઉનનું ચુસ્તપણે અમલ થાય તે માટે પોલીસ તંત્ર ખડે પગે જોવા મળી રહ્યું છે. તેવામાં શહેરની સાથે સાથે પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડ્રોન કેમેરાની મદદથી જાહેરનામાનો ભંગ ન થાય, તે માટે સતત ચાંપતી નજર રાખી રહી છે. તેવામાં હળવદ પોલીસ દ્વારા તાલુકાના રણમલપુર, મંગળપુર, બુટવડા, ઘણાદ, નવા વેગડવાવ અને વેગડવાવ ગામે તપાસ કરવામાં આવી હતી.

- text

પી.આઈ સંદિપ ખાંભલા, યોગેશ દાન ગઢવી, મુમાભાઈ રબારી, દેવુભા ઝાલા, સી.એમ ઈન્દરીયા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા જાહેરનામાના ભંગ બદલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે શહેરમાં બિનજરૂરી કામે નીકળેલા બે શખ્સોના વાહનો ડિટેઇન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વધુમાં પીઆઇ ખાંભલા દ્વારા જણાવાયું હતું કે શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં લોકડાઉનનું ચુસ્તપણે અમલ થાય તે માટે પોલીસ સ્ટાફ સતત પેટ્રોલિંગ કરી પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યો છે. જે પણ લોકો બિનજરૂરી બહાર નીકળશે તો તેઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવી રહ્યા છે.

- text