મોરબીમાં આજથી મોલ-મલ્ટીપ્લેક્ષ અને શાળા-કોલેજો બંધ થયા

- text


સરકારી આદેશ મુજબ કોરોના સામે સાવચેતીના ભાગ રૂપે 29 માર્ચ સુધી ઉપરોક્ત સંસ્થાઓ બંધ

મોરબી : વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઇરસનો ચેપ ભારતમાં વધુ ન પ્રસરે એ માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોએ તકેદારીના પગલાંઓ લેવાનું શરૂ કર્યું છે. જેના ભાગ રૂપે ગુજરાતમાં પણ આવતી 29 માર્ચ સુધી ભીડભાડ વાળા સ્થાનોને બંધ કરવાનો પરિપત્ર સરકારે બહાર પાડ્યો છે. આજથી જ તેનો અમલ થતા મોરબીમાં મોલ-થિયેટર અને શાળા-કોલેજોમાં તાળા લાગી ગયા છે. જો કે બોર્ડની ચાલુ પરીક્ષાઓ યથાવત રાખવામાં આવી છે.

આજે સોમવારથી જ મોરબીમાં આવેલ સ્કાય મોલ તેમજ મલ્ટીપ્લેક્ષ દરિયાલાલ, કલબ 36 સહિતના સીનેગૃહોને અલીગઢી તાળા લાગી ગયા છે. જે શાળાઓમાં બોર્ડનું પરીક્ષા કેન્દ્ર નથી એવી તમામ શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. જો કે શાળાના શિક્ષકો સહિતના તમામ સ્ટાફને હાજર રહેવું ફરજીયાત કરાયું છે.

સ્કાયમોલના સંચાલક રમેશભાઈએ જણાવ્યું હતું કે સરકારી આદેશો મુજબ અમોએ આજ સવારથી જ મોલ ઓપન કર્યો નથી અને સરકારી પરિપત્ર મુજબ અમો આગળ ઉપર પણ પૂર્ણ સહકાર આપીશું. મોરબી શહેરમાં ટ્રાફિક પોલીસે પણ આજે માસ્ક પહેરીને ફરજ બજાવવાનું શરૂ કર્યું છે. હજારો વાહન ચાલકોની વચ્ચે રહીને ફરજ બજાવતા પોલીસકર્મીઓએ પણ માસ્ક ધારણ કરતા લોકોમાં કોરોના વાઇરસને લઈને જાગૃતિ આવશે. સ્વચ્છતા અને સફાઈ જાળવવાથી કોરોના વાઇરસથી સંક્રમિત થવાની સંભાવના સાવ ઘટી જાય છે. આથી કોઈએ નાહકનો ભય ન રાખી અફવાઓ ફેલાવવાથી દૂર રહેવું અને અફવાઓ પર ધ્યાન ન આપવા તંત્ર તરફથી અપીલ કરાઈ છે.

- text

ઉલ્લેખનીય છે કે 130 કરોડ ઉપરની જનસંખ્યા ધરાવતા ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના માત્ર 112 કોરોનાના કનફર્મ કેસો નોંધાયા છે જે પૈકી 4 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે જ્યારે માત્ર 2 લોકોના જ મોત થયા છે આમ છતાં સરકાર કોઈ જોખમ લેવા માંગતી ન હોવાથી હાલ સાવચેતીના તમામ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

- text