મોરબીમાં બી.આર.સી. કક્ષાએ મુખવાચન અને વાચન અર્થગ્રહણ સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : વિદ્યાર્થીઓ નાનપણથી જ વાચન પ્રત્યે અભિમુખ બને, સમજપૂર્વકનું વાચન કરે, અર્થગ્રહણ કરી શકે, યોગ્ય ધ્વનિ સાથે આરોહ-અવરોહપૂર્વક અને વિરામચિહ્નોને ધ્યાનમાં રાખી વાંચી શકે તે માટે સરકારના શિક્ષણ વિભાગ અને જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર દ્વારા શાળા કક્ષાથી શરૂ કરી રાજ્યકક્ષા સુધીની મુખવાચન અને વાચન અર્થગ્રહણ સ્પર્ધાઓ આયોજિત થઈ રહી છે.

આ જ આશયને સાર્થક કરવા તા. 3 માર્ચ 2020 ના રોજ બી.આર.સી.ભવન-મોરબી ખાતે બી.આર.સી. કક્ષાની મુખવાચન અને વાચન અર્થગ્રહણ સ્પર્ધા બી.આર.સી.કો.ઓ. સંદીપ બી. આદ્રોજાના આયોજન અને માર્ગદર્શન હેઠળ આયોજિત થઈ હતી. આ સ્પર્ધામાં તાલુકાના દરેક કલસ્ટરમાંથી ધોરણ 3 થી 5 માંથી 17 અને ધોરણ 6 થી 8 માંથી 18 એમ કુલ 35 વિદ્યાર્થીઓએ ક્લસ્ટર કક્ષાએ યોજાયેલ મુખવાચન અને વાચન અર્થગ્રહણ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી બી.આર.સી.કક્ષાએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શ્રી સંજયભાઈ બાપોદરિયા (સંગી), રાજેશભાઈ પરમાર અને વિજયભાઈ દલસાણીયાએ પોતાની સેવા આપી હતી.

- text

આ સ્પર્ધામાં ધોરણ 3 થી 5 માં પીલુડી પ્રા.શાળાની વિદ્યાર્થીની જાડેજા પ્રગતિબા ઉપેન્દ્રસિંહ અને ધોરણ 6 થી 8 માં વાઘપર પ્રા. શાળાની વિદ્યાર્થીની કડીવાર પીનલ ધર્મેન્દ્રભાઈએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સ્પર્ધામાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીઓને મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શર્મિલાબેન હુમલ અને કેળવણી નિરીક્ષક ડૉ. જીજ્ઞેશભાઈ વોરાના હસ્તે સન્માનપત્ર અર્પિત કરી સન્માનવામાં આવ્યા હતા. આ તમામ પ્રથમ ક્રમાંકિત સ્પર્ધકો હવે પછી જિલ્લા કક્ષાની ‘મુખ વાચન અને વાચન અર્થગ્રહણ સ્પર્ધામાં’ બીઆરસી ભવન મોરબી ખાતે તારીખ 6 માર્ચના રોજ ભાગ લેશે. તમામ સ્પર્ધક વિદ્યાર્થીઓને મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણ પરિવાર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

- text