ખારચિયા ગામે 6 ટ્રેકટરોમાંથી તસ્કરો બેટરી ચોરી ગયા : વારંવાર બનતા બનાવોથી લોકોમાં રોષ

- text


મોરબી : ખારચિયા (આમરણ) ગામેથી ગત રાત્રી દરમ્યાન તસ્કરો છ ટ્રેક્ટરોમાંથી બેટરી ચોરી જતા નાના એવા ગામમાં આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે. હાલ સ્થાનિકો દ્વારા ચોરીના અંકોડા મેળવવા જાત તપાસ કરાઈ રહી છે. હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.

- text

બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ ખારચિયા (આમરણ) ગામે ગત રાત્રી દરમ્યાન બેટરી ચોરી કરતી ગેંગ ત્રાટકી હતી અને છ ટ્રેક્ટરોમાંથી બેટરી કાઢીને ઉઠાવી જવાઈ હતી. સવારે આ બનાવની જાણ થતાં ગ્રામજનો ટોળે વળ્યાં હતા અને ગામ સમસ્તમાં આ બનાવને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ટ્રેક્ટરોમાં ઉપયોગમાં લેવાતી મોંઘભાવની બેટરીઓની ચોરી થઈ જતા ટ્રેકટર માલિક એવા ખેડૂતોના કામકાજ અટકી પડ્યા હતા. આ વિસ્તારમાં પાછલા ઘણા સમયથી નિયમિત રીતે માત્ર ટ્રેક્ટરમાંથી જ બેટરી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોય એમ ઘણા બનાવો બન્યા છે. પોલીસ ચોપડે આવા બનાવોની ખાસ નોંધ લેવાતી નથી અને લેવાય છે ત્યારે ઊંડાણપૂર્વક તપાસ થતી નથી એવું છાસવારે બની રહેલા બનાવોથી સ્પષ્ટ થયું છે. ટ્રેક્ટરમાંથી ચોરી કરાયેલી બેટરી વેચવાનું કોઈ વ્યવસ્થિત નેટવર્ક ચાલતું હોય એમ એક જ પ્રકારની મોડ્સ ઓપરેન્ડીથી બનાવો બને છે. ત્યારે પોલીસ જો વ્યવસ્થિત તપાસ કરે તો આવા બનાવોનો ભેદ ઉકેલાય તેવું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.

- text