“પ્રેમ એટલે કોઈનો માત્ર હ્રદયમાં સ્વીકાર નહીં પણ હ્રદયથી સ્વીકાર.”

- text


(જાગૃતિ તન્ના ‘જાનકી”)

માણસના આકાશરૂપી જીવનનું ખુશીઓરૂપી મેઘધનુષ્ય અધૂરું,
હોય ભલે બીજા અનેક રંગોથી સભર પણ પ્રેમના રંગ થકી પૂરું.

પ્રેમ એક એવો શબ્દ જેના પર આજ સુધી ઘણું બધું લખાઈ ચૂક્યું છે, અને હજુ પણ જે લખાશે એ કદાચ ઓછું જ પડે કેમ કે, પ્રેમ એટલે માણસની રોટી, કપડા અને મકાન પછીની સૌથી મહત્વની જરૂરીયાત. કદાચ એમ કહેવું પણ ખોટું નથી કે માણસની ત્રણ નહીં પણ ચાર મુખ્ય જરૂરીયાતો છે.

માણસ સંવેદનાઓથી સભર એક સામાજિક પ્રાણી એટલે જન્મથી લઈને મૃત્યુ સુધી જીવનના દરેક તબક્કે પ્રેમની ઝંખના હોય છે. દુનિયાની કોઈપણ વ્યક્તિ હોય દરેકની એવી ઈચ્છા હોય કે જિંદગીની સફરના દરેક તબક્કે કોઈ પોતાનું હોય જે કોઈપણ જાતના સ્વાર્થ વિના તેની સાથે રહે, આ સફરમાં તેનો સહકાર બને.

માણસના જીવનના મુખ્ય ત્રણ તબક્કા : બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. સામાન્ય રીતે જ્યારે બાલ્યાવસ્થા હોય ત્યારે માતા – પિતા; પરિવારનો, યુવાવસ્થામાં મિત્રો; પ્રિય વ્યક્તિ; જીવનસાથીનો અને વૃદ્ધાવસ્થામાં પોતાના બાળકોનો; પ્રેમ વધુ ઝંખાય.

જ્યારે તમે કોઈને પણ પૂછો કે પ્રેમ એટલે શું? ત્યારે દરેકની વ્યાખ્યાઓ દરેકના દ્રષ્ટિકોણ મુજબ અલગ જ હોવાની. દરેકની વિચારસરણીના પેરામીટરના માપ અલગ જ હોવાના, પણ તે પૂરતા તો ન જ હોઈ શકે કેમ કે, માત્ર અઢી અક્ષરના આ શબ્દનો અર્થ કરવા બેસીએ તો કદાચ અનંત શબ્દો મળીને પણ તેની પૂરતી વ્યાખ્યા માટે ઓછા પડે! પણ આ લાગણીને જો સમજી શકીએ ને તો પ્રેમ શબ્દ પોતે જ તેના અર્થ માટે પૂરતો લાગે.

કરો જો પ્રેમના તો અર્થ છે; અનેક,
સમજો તો તે પોતે જ અર્થ છે; એક.

કોઈપણ સંબંધમાં રહેલ પ્રેમના સેતુના પાયામાં વિશ્વાસ ખૂબ જ જરૂરી છે, કેમ કે, ” પ્રેમ એક એવો વિશ્વાસ જેનું પ્રમાણ ન તો આપી શકાય કે ન તો લઈ શકાય માત્ર માની શકાય.” વિશ્વાસના પરિબળની સાથે સાથે પ્રામાણિકતા, સ્વતંત્રતા અને સન્માનના પરિબળો પણ પ્રેમના સેતુમાં મહત્વનો ભાગ ભજવે છે, આમાંથી કોઈ એકના પણ અસ્થિર થવાથી જે તે સંબંધમાં રહેલ પ્રેમનો સેતુ જોખમમાં મુકાઈ શકે છે, જે સંબંધની જીવંતતા છીનવી શકે છે.

પ્રેમ એ એક શુદ્ધ, સહજ અને સ્વસ્થ લાગણી છે, પણ કોઈપણ બાબત ગમે તેટલી સારી હોય એ પૂરતા પ્રમાણમાં જ સારી લાગે.
વધુ પડતો અને ઓછો પ્રેમ કોઈપણ સંબંધને માત્ર નામનો બનાવીને મૂકી દેતો હોય છે. ઘણીવખત પ્રેમનો અતિરેક તે પ્રેમને મોહમાં પરિવર્તિત કરી દેતો હોય છે. માણસને પઝેસિવ બનાવી દેતો હોય છે. જે સામેની વ્યક્તિને ગુંગળામણનો અનુભવ કરાવે છે. જ્યારે ઘણી વખત માણસ કોઈના પ્રેમને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતો થઈ જાય છે. તેને ખાતરી થઈ જાય છે કે આ વ્યક્તિ હંમેશા મારી સાથે રહેશે જ. એટલે તે વ્યક્તિ ભાગ્યેજ પોતાની લાગણીઓ દર્શાવતી હોય છે. પરિણામે સંબંધમાં ઓટ આવતી હોય છે.

- text

આ લાગણીઓ કે જેના પર માણસનો અંકુશ હોવો જોઈએ એ લાગણીઓ ઘણી વખત માણસને પોતાના અંકુશમાં કરી લેતી હોય છે. અને જ્યારે પણ એવું બનતું હોય છે ત્યારે પ્રેમ નામની શુદ્ધ લાગણી પણ વિનાશ સર્જતી હોય છે. દરેક વખતે તમને કોઈના પ્રત્યેના પ્રેમના બદલામાં પ્રેમ મળે જ એવું નથી હોતું, ક્યારેક ન પણ મળે, કેમ કે પ્રેમ એ એક આંતરસ્ફૂર્ણા છે. તમારા મનમાં કોઈ પ્રત્યે પ્રેમની લાગણી છે, જેટલી સહજ આ વાત છે, એટલી જ સહજ એ વાત પણ છે કે સામેની વ્યક્તિના મનમાં તમારા માટેની પ્રેમની લાગણી નથી. પણ ઘણી વખત માણસ એ વાતને સહજતાથી સ્વીકારી શકતો નથી.

પ્રેમમાં કંઈ ફરજીયાત ન હોય,
કેમ કે, પ્રેમ પોતે જ સ્વૈચ્છિક હોય.

દુનિયાની બીજી વસ્તુઓને નફા નુકસાનના ત્રાજવે તોલતા આપણે ક્યારેક આ પ્રેમને પણ ત્રાજવે ચડાવી દેતા હોઈએ છીએ, ઘણીવખત આપણી ફરિયાદ હોય છે કે જે તે સંબંધમાં મેં જેટલો પ્રેમ આપ્યો એટલો સામેની વ્યક્તિ તરફથી મને નથી મળ્યો. પણ ત્યારે કદાચ આપણે ભૂલી જતા હોઈએ છીએ કે પ્રેમનું અસ્તિત્વ અમાપ છે.

આ પ્રેમને તોલવાના ક્યાં ત્રાજવા હોય છે?
કે જેટલો મળે તેટલો આપી શકાતો હોય છે!
જેટલો મળતો એટલો લાગતો હંમેશા ઓછો
જેટલો આપો એટલો લાગતો હંમેશા વધુ

ઘણી વખત એવું સાંભળવામાં આવતું હોય છે કે મેં તો તેને હ્રદયના ઊંડાણથી પ્રેમ કર્યો હતો, પણ મારું એવું માનવું છે કે પ્રેમ એ હ્રદયના ઊંડાણથી નહીં પણ હ્રદયના સત્યથી કરવો જોઈએ, કેમ કે, હ્રદયની ઊંડાઈનું માપ કદાચ નીકળી શકે પણ હ્રદય કે જ્યાં ઈશ્વરનો વાસ હોય છે, તેના સત્યનું માપ તો અમાપ જ હોવાનું.

આપણે આગળ વાત કરેલી કે પ્રેમ ને લઈને દરેકના વિચાર અલગ જ હોવાના, તો અહીં મારી વિચારસરણીના પેરામીટર મુજબ પ્રેમ એટલે શું? એનું વર્ણન કરવાનો નાનકડો પ્રયત્ન કરેલો છે:

સારા પાસાઓને તો સૌ કોઈ ચાહે
કોઈના નબળા પાસાને પણ ચાહી શકો તે પ્રેમ

સંપૂર્ણતાને તો સૌ કોઈ ચાહે
કોઈની કમીઓને પણ ચાહી શકો તે પ્રેમ

સફળતાને તો સૌ કોઈ ચાહે
કોઈની નિષ્ફળતાઓને પણ ચાહી શકો તે પ્રેમ

બદલાવને તો સૌ કોઈ ચાહે
કોઈની સ્થિરતાને પણ ચાહી શકો તે પ્રેમ

પ્રેમને તો સૌ કોઈ ચાહે
કોઈની નફરતને પણ ચાહી શકો તે પ્રેમ

ઈઝહારને તો સૌ કોઈ ચાહે
કોઈના ઈનકારને પણ ચાહી શકો તે પ્રેમ

પળભર માટે તો સૌ કોઈ ચાહે
કોઈને હર પળ ચાહી શકો તે પ્રેમ

મનાવી તો સૌ કોઈ જાણે
કોઈનું માન રાખી શકો તે પ્રેમ

શબ્દોને તો સૌ કોઈ સમજે
કોઈના મૌનને પણ સમજી શકો તે પ્રેમ

વાતો તો સૌ કોઈ કરી જાણે પ્રેમની
પણ જો નિભાવી શકો તો તે પ્રેમ

last but not least :

પ્રેમ એટલે કોઈનો માત્ર હ્રદયમાં સ્વીકાર નહીં
પણ પ્રેમ એટલે કોઈનો હ્રદયથી સ્વીકાર કરવો.

– જાગૃતિ તન્ના “જાનકી”

- text