મોરબી-રાજકોટ વચ્ચે ચાલતી ફોરલેન કામગીરીમાં BSNLનો કેબલ કપાતા આરટીઓની કામગીરી ઠપ્પ

- text


મોરબી RTO કચેરીમાં 5 દિવસથી ઓનલાઈન કામગીરી ઠપ્પ થતા અરજદારોમાં દેકારો 

મોરબી : દેશની પ્રગતિ અને પારદર્શક વહીવટી પ્રક્રિયા માટે દરેક સરકારી કચેરીઓને ઓનલાઈન કરી પેપરલેસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ વારંવાર નેટ કનેક્ટિવિટી ન મળવાથી ઘણા સરકારી વિભાગોમાં રોજિંદી કાર્યવાહી ખોરંભે પડતી હોવાના બનાવો સામે આવતા રહે છે. ત્યારે મોરબી આરટીઓ કચેરીમાં પણ ગત 5 તારીખથી કનેક્ટિવિટીના અભાવે અરજદારોને મુશ્કેલી પડી રહી છે.

મોરબી આરટીઓ કચેરીમાં તમામ પ્રકારની કાર્યવાહી ઓનલાઈન થઈ રહી છે. ત્યારે ગત 5 તારીખથી કનેક્ટિવિટીની ઉદ્દભવેલી સમસ્યાનું આજે 10 તારીખ સુધી નિરાકરણ ન આવતા દૂર દૂરથી આવતા લોકોને ધરમ ધક્કા થઈ રહ્યા છે. ગત 7 તારીખના રોજ કચેરીની બહાર એક ચોપનિયામાં આ અંગેની જાણકારી પણ ચોંટાડવામાં આવી છે. જેમાં જણાવ્યા પ્રમાણે 10 તારીખથી ઓનલાઈન પ્રક્રિયા સુચારુરૂપથી ચાલવા લાગશેનો દાવો કરાયો હતો. જો કે આજે પણ ઓનલાઈન કામગીરી ઠપ્પ જોવા મળતા સોમવારે સમય કાઢીને દૂર દૂરથી આવતા નાગરિકોને ધક્કો થયો હોય લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે.

- text

આ બાબતે આરટીઓ અધિકારી જે.કે. કાપટેલ સાથે વાતચીત દરમ્યાન જાણવા મળ્યું છે કે પાછલા એક અઠવાડિયાથી આ સમસ્યા ઉદ્દભવી છે જેનું મુખ્ય કારણ મોરબી-રાજકોટ વચ્ચે ચાલી રહેલી હાઈવેની કામગીરી દરમ્યાન ઓપ્ટિકલ ફાયબરની લાઈનને થયેલું નુકશાન જવાબદાર છે. અમદાવાદથી વાયા રાજકોટ થઈ મોરબી સુધી આવતી ઓપ્ટિકલ ફાયબરની લાઈનમાં ભંગાણ પડ્યું હોવાથી બીએસએનએલની સર્વિસને માઠી અસર પહોંચી છે. જેના કારણે મોરબી આરટીઓ કચેરીની ઓનલાઈન સેવા પણ પ્રભાવિત થઈ છે. રાજકોટ બીએસએનએલ ઓફિસે આ બાબતની જાણ કરવામાં આવી હોવા છતાં આજ કાલ કરતા એક અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે પણ હજુ કોઈ યોગ્ય કાર્યવાહી થઈ હોવાના એંધાણ ન વર્તાતા મોરબી આરટીઓ કચેરી સહિત ઘણી સરકારી કચેરીઓમાં ઓનલાઈન સેવામાં હાલ ધાંધિયા જોવા મળી રહ્યા છે.

- text