બારોબાર ચૂંટણી યોજાઈ જતા વિફરેલા ગ્રામજનોએ લજાઈ ગ્રામ પંચાયતને તાળાબંધી કરી

- text


રાત્રી ગ્રામસભામાં ગેરહાજર રહેલા મહિલા સરપંચ પાસે મોબાઈલ જ ન હોવાનો હાસ્યાસ્પદ ખુલાસો ઘણું કહી જાય છે 

ટંકારા : લજાઈ ગ્રામપંચાયતના સભ્યોને અંધારામાં રાખી બે સભ્યોએ એ ખાલી રહેલા સભ્યોની બિનહરીફ ચૂંટણી બારોબાર કર્યાનો આરોપ લગાવી ગ્રામજનોએ ગ્રામપંચાયતની ઓફિસને અલીગઢી તાળા મારી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

લજાઈ ગ્રામપંચાયતમાં ખાલી પડેલા સ્થાન માટે અન્યોને અંધારામાં રાખી “હું, તું અને રતનિયો” ઉક્તિને સાર્થક કરતા બિનહરીફ ચૂંટણી કરી ખાલી સ્થાનમાં લાગતા વળગતા લોકો ગોઠવાઈ ગયા હોવાની જાણ થતાં
લજાઈના નગરજનોએ રાત્રી સભા કર્યા બાદ ગ્રામ પંચાયતને તાળા મારી આ મામલે વિરોધ પ્રદશન કરતા સ્થાનીય રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ બાબતે પુછાણ થતા બધુ નિયમોનુસાર થયું હોવાનું તલાટીએ રટણ કર્યું હતું. મહિલા સરપંચ પાસે ફોન ન હોય તેઓનો સંપર્ક થઇ શક્યો ન હતો.

- text

ટંકારાના લજાઈ ગામે કોઈને જાણ કર્યા વગર ખાલી સભ્યોની બે જણાએ બેઠી ચૂંટણી કરી હોવાની રાવ સાથે લજાઈના નગરજનો રાત્રી સભામાં મળ્યા હતા જેમાં સરપંચને અને સભ્યોને બોલાવી આ બાબતની ચર્ચા અર્થે મિટિંગ કરી હતી. જો કે આ મિટિંગમાં મહિલા સરપંચ હાજર રહ્યા ન હોય અને વિકાસ કામોમાં મામકાવાદ સાથે ભ્રષ્ટાચાર થતો હોવાની વાતને લઈને કોઈ જવાબ ન મળતાં ગ્રામ પંચાયતને તાળા બંધી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ટંકારાનો ઉદ્યોગ જગત લજાઈના સીમાડા સુધી વિસ્તરેલો છે. આથી પંચાયતની ચૂંટણી અને પંચાયતની બોડીનુ અહીં વિશેષ મહત્વ છે. વિકાસ કામોને લઈને ઘણી વખત ભ્રષ્ટચારની રાવ પણ ઉઠતી રહી છે. ગ્રામપંચાયતને તાળા બંધી દરમ્યાન ગામના મહિલા સરપંચ પ્રભાબેનનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ સરપંચ ફોન નથી રાખતાનો ચોંકાવનારો તેમજ હાસ્યાસ્પદ જવાબ મળ્યો હતો. જોકે તલાટી કમ મંત્રી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ચુટણીની પ્રક્રિયા નિયમોનુસાર અને યોગ્ય રીતે જ થઈ છે. ગ્રામપંચાયતની કચેરીને મારવામાં આવેલા તાળા હવે ક્યાં સંજોગોમાં ખુલે છે અને કોણ ખોલે છે તે જાણવું રસપ્રદ રહેશે.

- text