ઉદ્યોગપતિઓ ધારે તો મોરબી શહેર એક અઠવાડિયામાં જ સ્વચ્છ થઈ જાય :પૂ. જ્ઞાનવત્સલ સ્વામી

- text


 મોરબી યુવા જ્ઞાનોત્સવ સફળતા પૂર્વક સંપન્ન : અંતિમ સેશનમાં અધધધ 12 હજારથી વધુની જનમેદની ઉમટી, ડોમ અને બહારનું ગ્રાઉન્ડ હાઉસફુલ : પૂ. જ્ઞાનવત્સલ સ્વામી અને જય વસાવડાના વક્તવ્ય ઉપર શહેરીજનો થયા આફરીન

મોરબી : મોરબી યુવા જ્ઞાનોત્સવ સફળતા પૂર્વક સંપન્ન થયો છે. જેમાં અંતિમ સેશનનું ઉદ્ઘાટન શહેરના પ્રશ્નોને વાચા આપતા તમામ પત્રકારોના હસ્તે કરવામાં આવ્યું હતું. અંતિમ સેશનને માણવા 12 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ ડોમની સાથોસાથ બહારનું ગ્રાઉન્ડ પણ હાઉસફુલ થઈ ગયું હતું. આ સેશનમાં પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ મોરબીની સમસ્યાને આવરી લઈને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ જાણીતા લેખક જય વસાવડાએ ટેનશન વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું.

પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ લાઈવ લિવિંગ વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ઇતિહાસ કરતા અત્યારે વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષિત વર્ગની સંખ્યા વધી છે. તેમ છતાં હિંસાખોરી વધી છે. મિસાઈલ અને બોંબ બનાવનારા પણ ભણેલા જ હોય છે. માટે માત્ર શિક્ષણ નહિ સંસ્કાર જરૂરી છે. સંસ્કાર અને સદગુણ વગરનું જીવન ડોગ લાઈફ જેવું છે. જીવંત જીવન જીવવા માટે જે વ્યવસાય કરો તેમાં હમેશા પ્રામાણિકતા અને નીતિમત્તા જરૂર રાખજો. વ્યવસાય કરતા લોકોમાં ખાનદાની હોવી જ જોઈએ કે હું જે દેશમાં મોટો થયો, કમાણો તે દેશ માટે ટેક્સ તો ભરવો જ જોઈએ. ખોટું કરશો તો આજે નહીં તો કાલે પકડાઈ જશો. કારણકે કાયદાના હાથ લાંબા છે અને સોશિયલ મીડિયાના હાથ તેનાથી પણ લાંબા છે.

વધુમાં મોરબી વિશે પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ કહ્યું કે સીરામીક અને ક્લોક ઉદ્યોગે મોરબીને વિશ્વવિખ્યાત બનાવ્યું છે. તમારા પુરુષાર્થને ધન્યવાદ છે. પણ હું આજે મોરબીમાં આવ્યો અહીં ખૂબ ગંદકી છે. તેમ કહીને પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ ઉપસ્થિત તમામ લોકોને પ્રણ લેવડાવ્યા હતા કે વર્ષ 2020માં મોરબી શહેરને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવીશું. વધુમાં ઉદ્યોગકારોને સંબોધીને કહ્યું હતું કે તમારા કારખાનાઓમાં તો હજારોની સંખ્યામાં કર્મચારીઓ છે. માત્ર એક અઠવાડિયા માટે તમારા કર્મચારીઓને એક – એક કલાક માટે સાફ સફાઈ કરવા માટે મોકલો એટલે એક જ અઠવાડિયામાં મોરબી સંપૂર્ણ સ્વચ્છ બની જશે. અંતમાં તેઓએ કહ્યું કે 1979 મોરબી હોનારતની જાણ થતા વેંત જ પ્રમુખ સ્વામી મહારાજના આહવાનથી બીએપીએસના 1500 સ્વયંસેવકો બચાવકાર્યમાં મોરબી આવ્યા હતા. ત્યારે મુસ્લિમ સમાજના લોકોએ કહ્યું હતુ કે સ્વામીજી ઇદને 3 દિવસ બાકી છે. મસ્જિદમાં કાદવ ભર્યા છે. ત્યારે પ્રમુખ સ્વામીએ 100 સ્વયંસેવકોને સૂચના આપીને 3 દિવસમાં મસ્જિદને ચોખ્ખી કરાવી નાખી હતી. અને ઈદના દિવસે ગુંદીના લાડુ બનાવડાવીને મુસ્લિમ ભાઈઓને ભાવપૂર્વક ખવડાવ્યા હતા. આમ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનથી ખૂબ ઉજાશ ફેલાવી છે.

- text

જાણીતા લેખક જય વસાવડાએ ટેનશન નહિ લેને કા વિષય ઉપર વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે લોકોને ટેનશન એટલા માટે છે કે તેઓ જિંદગી આપી દેવા તૈયાર થઈ જાય છે પણ મોહ માયા મુકવી નથી. આપણા દેશની પ્રજા ખૂબ અઘરી છે. અહીંના લોકો જ્યા લખ્યું હોય કે જેને કોઈક કહે કે કલર ભીનો એટલે કે તાજો લગાવેલો છે તો તે વસ્તુને અડકીને ચેક કરે. તેઓએ ઉમેર્યું કે પતંગો ઉડે તે ફાટે બાકી જે ઉડે જ નહીં તે ક્યારેય ફાટે નહિ. પણ ફાટયા વગરની પતંગને શુ સોકેશમાં રાખવી છે ? આજના માણસો રિયલને ભૂલીને આર્ટિફિશિયલમા ખોવાતા જઇ રહ્યા છે માટે ટેનશન વધતું જઇ રહ્યું છે. આપણે આપણા જ એન્ગલ જોઈએ રાખીએ છીએ માટે ટેનશન વધતું જાય છે. જે છે તેને સ્વીકારી લેશો તો ટેનશન નહિ રહે.

- text