મોરબીના ખાનપર ગામે બોર ગાળવાનો ટ્રક ઓચિંતા ભડભડ સળગ્યો

- text


ડ્રાઇવરે ટ્રકને સેલ્ફ મારતા આગ ભભૂકી ઉઠી : આગમાં ટ્રકની સાથે બોર ગાળવાનું મશીન અને જેનરેટર ખાખ

મોરબી : મોરબીના ખાનપર ગામે બોરવેલની ઓફીસ પાસે પાર્ક કરેલા બોરવેલ ગાળવાનો ટ્રક આજે સવારે ઓચિંતા ભડભડ સળગી ઉઠ્યો હતો.આ આગને કારણે બોર ગાળવાનું મશીન અને જનરેટર સમેત આખો ટ્રક ભસ્મીભૂત થઈ ગયો હતો.જોકે ટ્રકનું વાયરીગ શોર્ટ સર્કિટ હોવાને કારણે ડ્રાઇવરે સેલ્ફ મારતા ટ્રકમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

- text

આ આગના બનાવની મોરબી ફાયર બ્રિગેડ વિભાગ પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના ખાનપર ગામે આવેલ બોરવેલની ઓફીસ પાસે પાર્ક થયેલા બોર ગાળવાના ટ્રકમાં આજે સવારે 10 વાગ્યાની આસપાસ કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આખો ટ્રક આગની લપેટમાં આવી ગયો હતો.આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડ વિભાગના વિનયભાઈ ભટ્ટ ,હિતેશભાઈ દવે , રતિલાલ અને વિજય પંડ્યા સહિતનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રકમાં લાગેલી આગને બુઝાવવાના સઘન પ્રયાસો હાથ ધર્યા હતા.ખાસ્સા સમયની જહેમતના અંતે આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ હતી પણ આગમાં બોરવેલ ગાળવાનું મશીન અને જનરેટર સાથે જોડાયેલો આખો ટ્રક ભસ્મીભૂત થઈ ગયો હતો.આ બનાવ અંગે ફાયર વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાઈકલે કોઈ જગ્યાએ બોર ગાળ્યા બાદ આ ટ્રકના ચાલકે ખાનપર ગામે આવેલી ઓફીસ પાસે ગતરાત્રે પાર્ક કર્યો હતો.દરમિયાન આજે સવારે અન્ય કોઈ જગ્યાએ રાબેતા મુજબ બોર ગાળવા જવાનું હોય ટ્રક ચાલકે આ ટ્રકને ચાલુ કરવાની કોશિશ કરી હતી.પણ ટ્રકમાં કદાચ વાયરીગ શોર્ટ સર્કિટ હશે તેથી સેલ્ફ મારતાની સાથે જ ટ્રકમાં આગ લાગી હોવાનું તારણ છે.જોકે આ ઘટનામાં જાનહાની થઈ નથી.

- text