મોરબી સબજેલના કેદીઓને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાથી માહિતગાર કરાયા

- text


સમાજ સુરક્ષા કચેરી તેમજ મહિલા અને બાળ કચેરીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબી સબ જેલમાં કેદીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવા માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી સબ જેલના જેલર એલ.વી. પરમારની વિશેષ ઉપસ્થિતિમાં સોમવારે જેલમાં કાચા તેમજ પાકા કામના કેદીઓને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમના પ્રારંભે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી શૈલેષ અંબારીયાએ સરકારની બાળકો તેમજ મહિલાઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ચાલી રહેલી યોજનાઓ અંગે માહિતી આપી યોજનાઓનો વધુને વધુ લાભ લેવા માટે તમામ પ્રકારની સહાયતા આપવાની ખાતરી આપી હતી.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપલીયાએ સમાજ સુરક્ષા કચેરી અંતર્ગત આવતી તમામ સરકારી યોજનાઓની માહિતી આપી હતી. કેદીઓએ પણ પોતાના પરિવારના બાળકો અને મહિલાઓને મળતી સહાય અંગે પ્રશ્નો પૂછી તેઓ કઇ સહાય મેળવવા પાત્ર છે તે અંગેના પ્રશ્નોના સમાધાન કરવામાં આવ્યા હતા.

જિલ્લા માહિતી અધિકારી ઘનશ્યામ પેડવાએ રાજ્ય સરકાર દ્વારા બાળકના જન્મથી લઇને મૃત્યુ સુધી વ્યક્તિના જીવનમાં તમામ તબક્કે સરકાર કોઇને કોઇ સ્વરૂપે વિવિધ સહાય યોજનાઓ થકી મદદરૂપ થાય છે તેમ જણાવી કેદીઓને પણ પોતાના પરિવાર અને બાળકોની યોજનાઓનો લાભ લેવા વિનંતી કરી હતી અને માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી વિવિધ યોજનાકીય માહિતી પુસ્તીકાઓનું પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

સબજેલના જેલર એલ. વી. પરમારે આગામી સમયમાં કેદીઓ માટે જેલમાં મુખ્યમંત્રી મા અમૃતમ યોજનાનો લાભ લઇ શકે તે હેતુથી વિશેષ કેમ્પ યોજવાની જાહેરાત કરી હતી જેને કેદીઓએ વધાવી લીધી હતી. આ કાર્યક્રમમાં સબજેલના જેલર એલ.વી. પરમાર, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી શૈલેષ અંબારીયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપલીયા, જિલ્લા માહિતી અધિકારી ઘનશ્યામ પેડવા, સામાજિક કાર્યકર રંજનબેન મકવાણા, જિલ્લા કાઉન્સેલર રેખાબેન પરમાર અને પિયુતાબેન પટેલે ઉપસ્થિત રહી કેદીઓને વિવિધ રીતે માહિતગાર કર્યા હતા.

- text