આજે ખેડૂત દિવસ : અનાજને માત્ર કિંમતથી નહીં, મહેનતથી પણ આંકીએ..

- text


(જાગૃતિ તન્ના “જાનકી”)
જેઓ દેશના છે પોષક ને ધરતીના કહેવાય તાત,
ખેડૂત કરે પરિશ્રમ; માત્ર ખુદ માટે નહીં; સૌ કાજ,
જેમના કામથી મળે છે સૌને જીવનજરૂરી અનાજ,
દરેક ખેડૂતને ઓછા પડે વંદન પણ વારંવાર આજ…

મોરબી : આજે 23 ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય ખેડૂત દિવસ. જેને ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ખેડૂત નેતા ચૌધરી ચરણસિંહની યાદમાં ઉજવવામાં આવે છે. તેમનો જન્મ 23 ડિસેમ્બર 1902 ના રોજ ઉત્તરપ્રદેશમાં થયો હતો. તેઓ દેશના પાંચમા વડાપ્રધાન હતા. તેમનો કાર્યકાળ 28 જુલાઈ 1979 થી 14 જાન્યુઆરી 1980 સુધી રહ્યો હતો. તે કાર્યકાળ ખૂબ ઓછો હતો. છતાં તેમણે કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ ખેડૂતો ના હિતમાં ઘણાં કાર્યો કર્યા. તેમની માન્યતા હતી કે ખેડૂતએ દેશની ધરા છે અને ધરાને મજબૂતી આપવી એ સરકારનું કર્તવ્ય છે. તેમના પ્રયત્નો થી ” જમીનદારી નાબૂદી બિલ ” 1952 માં પસાર થઈ શક્યું ઈતિહાસમાં તેઓ પ્રધાનમંત્રી કરતા ખેડૂત નેતા તરીકે વધુ જાણીતા બન્યા. જીવન પર્યંત ખેડૂતોના હિત માટે કાર્ય કરતા કરતા 29 મે 1987 ના રોજ તેમનું અવસાન થયું. તેમની સ્મૃતિમાં ઈ.સ. 2001 થી 23 ડિસેમ્બર ને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરવામાં આવી.

ખેડૂત કે જેઓ માત્ર પોતાના માટે જ નહીં આપણા માટે પણ પરિશ્રમ કરે છે ને તેમના અથાગ પરિશ્રમથી આપણને જીવનજરૂરી બધી વસ્તુઓ સરળતાથી મળી રહે છે. ખેડૂત ટાઢ, તાપ, વરસાદ સહન કરે છે, ત્યારે આપણા માટે બધી વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ બને છે. આપણે રોજ જે અનાજ જમીએ છીએ તેની પાછળ માત્ર આપણી નહીં પણ ખેડૂતોની પણ આકરી મહેનત રહેલી છે, તો આજે ખેડૂત દિવસના અવસર પર દુનિયાના દરેક ખેડૂતને વંદન.

- text

આજના આધુનિક સમયમાં અનાજનો બગાડ દિવસે ને દિવસે વધતો જાય છે. આપણે ખેડૂતો માટે ભલે બીજું કંઈ ન કરી શકીએ પણ અનાજનો બગાડ ન કરીને તેમની મહેનતની કદર તો કરી જ શકીએ ને. તેમને વધુ ઉત્પાદન કરવામાં કદાચ સહાયક ન બની શકીએ પણ તેમણે મહેનતથી કરેલ ઉત્પાદનનો બગાડ તો ન જ કરીએ. અનાજને માત્ર કિંમતથી નહીં મહેનતથી પણ આંકીએ. આપણે ત્યાં એકબાજુ અનાજનો બગાડ થતો હોય છે ને બીજી બાજુ ઘણાને જીવનજરૂરી બે ટંકનું ભોજન પણ નસીબ નથી થતું. આપણને એમ થાય કે આપણા એકના અનાજનો બગાડ અટકાવાથી શું થાય? પણ જો દરેક વ્યકિત એમ જ વિચારતી હોય તો! માટે બીજાની પરવાહ કર્યા વિના આપણી જાતથી શરૂઆત કરીએ. પેલું કહેવાય છે ને કે ‘ટીપે ટીપે સરોવર ભરાય.’ તો આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસે સંકલ્પ કરીએ કે અનાજનો બગાડ ન કરીએ, ને શરૂઆત કરીએ સ્વથી સમસ્ત સુધી ની એક નવી સફર.

અંતમાં એક કવિએ લખેલ બે લાઈન યાદ આવે છે:

आखिर हम कैसे भूल गये, मेहनत किसान की,
दिन हो या रात उसने, परिश्रम तमाम की।

– જાગૃતિ તન્ના “જાનકી”

- text