મોરબી – નવલખી હાઇવે ઉપર ઓવરલોડેડ ટ્રકમાંથી ઊડતી કોલસાની રજથી વાહનચાલકો પરેશાન

- text


બંદર પર કોલ કાર્ગો પરિવહનમાં ઓવરલોડ બંધ કરાવવા RTI એક્ટિવિસ્ટની તંત્રને રજુઆત

મોરબી : મોરબી-નવલખી હાઇવે ઉપર બંદરેથી કોલસો ભરીને નીકળતા ઓવરલોડેડ ટ્રકમાંથી ઊડતી રજથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. વધુમાં વચ્ચે આવતા ગામોમાં પણ આ રજ આરોગ્ય સામે જોખમ ઉભું કરી રહી છે. આ મુદ્દે RTI (રાઈટ ટુ ઇન્ફર્મેશન) એક્ટિવિસ્ટ હરેશભાઇ બાલાસરાએ નવલખી બંદરના મુખ્ય અધિકારીને રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવાયું હતું કે સુપ્રીમ કોર્ટએ આપેલા આદેશ મુજબ કોલ કાર્ગો પરિવહનમાં ઓવરલોડ કાર્ગો ભરવા તેમજ પરિવહન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવેલ છે. તેમજ આ ઓર્ડરનું તમામ જવાબદાર ઓથોરિટીએ ચુસ્તપણે પાલન કરવા જણાવેલ છે. છતાં નિયમોનું પાલન થતું નથી. અને પોર્ટ પર ઓવરલોડ ડમ્પરો ખુલ્લેઆમ પરિવહન કરી રહ્યા છે. ઓવરલોડ ડમ્પરો અન્ય વાહન ચાલકો તથા પર્યાવરણ માટે ગંભીર સમસ્યા ઉભી કરે છે. તેમજ ટ્રકોમાંથી ઉડતા કોલસાના ગઠાથી અનેક અકસ્માતો સર્જાયા છે. આમ, નવલખીથી મોરબી વચ્ચેનો સ્ટેટ હાઇવે અકસ્માત ઝોન બનતો જાય છે.

વધુમાં, રજૂઆતમાં જણાવાયું હતું કે આ બાબત અંગે જવાબદાર અધિકારીઓને અગ્રણીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવેલ છે. પરંતુ હજુ સુધી યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. તેમજ અધિકારીઓની મીઠી નજર હેઠળ ખુલ્લેઆમ પરિવહન કરવા દેવામાં આવે છે. તેમજ હપ્તાઓ ચુકવવામાં આવે છે. તેથી, અધિકારીઓ જાણી જોઈને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તેથી, પર્યાવરણ માટે તથા શહેરીજનો માટે જોખમી માહોલ ના સર્જાય તે માટે આગામી 10 દિવસમાં પરિણામલક્ષી કાર્યવાહી કરવાની માંગ RTIના કાર્યકર્તા હરેશભાઇ બાલાસરાએ નવલખી બંદરના મુખ્ય અધિકારીને કરી હતી.

- text

- text