મોરબી : ઉમિયા સર્કલે ખાડાઓનું અણધડ બુરાણ અને ઉભરાતી ગટરની સમસ્યાના કારણે વાહનચાલકોને હાલાકી

- text


ખાડાઓની યોગ્ય મરમત્ત કરવાને બદલે માત્ર થુંકના સાંધા : લાઈન તૂટવાથી પાણી ભરાવવાની સમસ્યા અંગે તંત્રની ધોર લાપરવાહી

મોરબી : મોરબી શહેરના પ્રવેશદ્વાર સમાં ઉમિયા સર્કલે છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકોને વિવિધ ત્રાસદાયી પીડા ભોગવવી પડી રહી છે. જેમાં ઉમિયા સર્કલનો રોડ ખાડાનો અખાડો બની ગયો છે. ગટરના ગંદા પાણી અને પાણીની લાઈન તૂટવાથી પાણી ભરાઈ રહે છે. ત્યારે ઉમિયા સર્કલે ખાડાઓની યોગ્ય મરમત્ત કરવાને બદલે થુંકના સાંધા કરાયા હતા અને રોડ પર કાટમાળનો સામાન નખાતા વાહન ચાલકોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે.મોરબીના હાર્દ સમાન ઉમિયા સર્કલ વિસ્તાર છેલ્લા ઘણા સમયથી તંત્રના પાપે વિવિધ સમસ્યાગ્રસ્ત બની ગયો છે. ઉમિયા સર્કલનો રોડ ચોમાસામાં જ ધોવાઈ ગયો હતો. આ રોડ ખાડાના અખાડાઓમાં ફેરવાઈ ગયો છે. વરસાદમાં ઉમિયા સર્કલે રોડ ઉપર ઠેરઠેર ખાડા પડી જતા વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઘણી વખત વાહન ચાલકો અહીં ખાડામાં પડી જતા નાની મોટી ઈજાઓ પહોંચી હતી. એકંદરે ઉમિયા સર્કલ વાહન ચાલકી માટે કષ્ટદાયક બની ગયો છે. આટલું ઓછું હોય તેમ અહીં વારંવાર ગટર ઉભરાઈ છે. ગટરના ગંદા પાણી રોડ પરના ખાડામાં ભરાઈ છે. જયારે ગઈકાલે અહીંની લાઈન તૂટી જતા પાણીના સરોવર ભરાયા હતા. જેથી, વગર વરસાદે અહીં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી ખાડામાં પાણી ભરાવવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. દરમિયાન આજે અહીં ખાડાની મરમત કરવાની તંત્રએ કામગીરી હાથ ધરી હતી. જેના માટે બાંધકામનો કાટમાળ નાખ્યો હતો. જેમાં પથ્થર અને ઈટોને કારણે ખાડાઓનું બુરાણ થવાની જગ્યાએ ઉટ જેવા ટેકરા થતા વાહન ચાલકોને બેવડી હાલાકી થઈ હતી.

- text