ટંકારાના કોટન આધારિત ઉદ્યોગ પર ઘેરાયા સંકટના વાદળો : સેંકડો યુનિટો બંધ

- text


નોટબંધી બાદ આવેલી મંદી, બેન્કોએ આપેલી અમર્યાદિત લોન, કુદરતી આફતો સહિતના કારણે કપાસ આધારિત ઉદ્યોગ મરણ પથારીએ

ટંકારા : મોરબી-રાજકોટ જેવા શહેરોની વચ્ચે આવેલા ટંકારાએ પોતાનું એક અલગ અસ્તિત્વ સાબિત કર્યું છે. કોટન ઇન્ડસ્ટ્રીઝનો ટંકારામાં ખૂબ વિકાસ થયો અને મોરબી જિલ્લાના તમામ તાલુકામાં ટંકારાનું અર્થતંત્ર સહુથી વધુ વિકસિત બની રહ્યું. પણ નોટબંધી બાદ જાણે કે ટંકારા પર માઠી બેઠી હોય એમ એક પછી એક ફટકાઓ પડ્યા પછી હાલ ટંકારા વિસ્તાર આર્થિક રીતે પડી ભાંગ્યો છે જે ખાસ પગલાંઓ સિવાય બેઠો થઈ શકે એવું લાગતું નથી.

નોટબંધી બાદ ઉદ્દભવેલી પરિસ્થિતિમાંથી કોટન ઇન્ડસ્ટ્રીઝને હજુ કળ પણ વળી ન હતી ત્યાં જીએસટીની અણઘડ પ્રક્રિયામાં ઉદ્યોગ અટવાઈ ગયો. ગત વર્ષે ઓછા વરસાદનો અને ચાલુ નાણાકીય વર્ષમાં માવઠાના માર વચ્ચે સંપૂર્ણ પણે ખેતી આધારિત કોટન ઇન્સ્ટ્રીઝને પડ્યા પર પાટું વાગ્યું.

- text

આવી પરિસ્થિતિમાંથી ઉગરવા માટે જિન-મિલ માલિકોએ બેંકોમાંથી આડેધડ લોનો લીધી. અગાઉની શાખ પર આધાર રાખીને બેન્કોએ પણ મિલ માલિકોને આંખ બંધ કરી, ઘણા કિસ્સાઓમાં નિયમોને નેવે મૂકીને અઢળક લોનો આપી દીધી. ઓછી કિંમતની મિલકતો પર વધુ જામીનગીરીની આકરણી કરીને લોનો આપી. પરિસ્થિતિ સુધરી જશેના આશાવાદમાં મિલ માલિકોએ લીધેલી લોનો હવે તેઓ ચૂકવી શકે એવી સ્થિતિમાં ન રહેતા ઘણા યુનિટો બંધ થઈ ગયા અને ઘણા બંધ થવાની અણી પર છે. આને કારણે વિસ્તારમાં બેરોજગારીની સમસ્યા રાતો-રાત વધી ગઈ. જેની સીધી અસર સ્થાનિક બજારોમાં દેખાઈ રહી છે.

ટંકારાનું પૂરું અર્થતંત્ર જાણે મૃતપાય અવસ્થામાં આવી ગયું હોય એવો સન્નાટો માર્કેટમાં દેખાઈ રહ્યો છે. ખેડૂતોની ખરીદી શક્તિ લગભગ ઝીરો ટકાના સ્તરે પહોંચી ગઈ છે. બેંકો પણ આડેધડ લોન આપીને હવે જાણે “સાપે છછુંદર ગળ્યું” હોય એવી અનુભુતી કરી રહી છે. બેંકોને NPA વધવાનો ડર પેસી ગયો છે. આપેલી લોનો સમયસર પરત નહીં આવે એવી ફડક પેસી જતા ટંકારામાં બેન્કિંગ ક્ષેત્રમાં ગભરાટનો માહોલ છવાયો છે.

કુલ મળીને હાલની દરેક પરિસ્થિતિ ટંકારા તાલુકાની પ્રગતિ માટે વિષમ દેખાઈ રહી છે. આ અંગે ત્વરિત પગલાં ભરવામાં નહિ આવે તો ટંકારા તાલુકાનો વિકાસ પાછળ ધકેલાઈ જશે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

- text