મોરબી જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવા જી.પં. પ્રમુખ ની માંગ

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા આ વર્ષે વધુ પ્રમાણમાં વરસાદ પડ્યો હોવાથી લીલો દુષ્કાળ જાહેર કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અરજી કરવામાં આવી હતી.

આ અરજીમાં જણાવ્યા અનુસાર ચાલુ વર્ષ 2019માં ચોમાસા દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સરેરાશ વરસાદથી અંદાજે 150% જેવો ભારે વરસાદ પડેલ છે. જયારે મોરબી જિલ્લા માં મોરબી તાલુકમાં 45.5 ઇંચ, ટંકારામાં 53 ઇંચ, વાંકાનેરમાં 40 ઇંચ, માળીયા (મી.) 27 ઇંચ તથા હળવદમાં 27 ઇંચ થઈને સમગ્ર જિલ્લામાં કુલ 192.5 ઇંચ વરસાદ પડેલ છે.

ઘણી વખત એવું બનેલું છે કેએક દિવસમાં જ 5 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડેલ છે. જેથી, તેના પરિણામે પાક ઉપરખુબ જ વિપરીત અસર પડેલ છે અને જમીનનું પુષ્કળ ધોવાણ થયેલ છે. જેથી, ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવી છે. જાણે ખેડૂતોના મોં પાસે આવેલો કોળિયો છીનવાય ગયો છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોનો જીવન નિર્વાહનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે. ત્યારે સરકાર ખેડૂતોને યથા યોગ્ય રીતે મદદરૂપ થાય તે જરૂરી છે.

- text

આ ઉપરાંત, હવામાન વિભાગ દ્વારા ‘મહા’ વાવાઝોડાની અસરના કારણે અતિભારે વરસાદ અને તીવ્ર ગતિએ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી. જેના કારણે નુકશાન થવાની સંભાવના રહેલી છે. જેથી, ગુજરાતમાં તથા ખાસ કરીને મોરબી જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરી તમામ ખેડૂતોને પાકવીમો તથા આર્થિક સહાય મળી રહે તેવા પ્રયત્નો કરવાની માંગ મોરબી જિલ્લા પંચાયત કિશોરભાઈ ચીખલીયા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરવામાં આવી હતી.

- text