મોરબીની બજારોમાં દિવાળીની રોનક ખીલી ઉઠી : ધનતેરેસે રૂ. 4 કરોડના સોનાની ખરીદી

- text


લોકો મોંઘવારી અને મંદીના બેવડા મારને ભૂલીને બજારોમાં દિવાળીની ખરીદી કરવા ઉમટ્યા : સોનાની સાથે મીઠાઈ, ફરસાણ, રંગોળીના કલર, ફટાકડા,કપડાં, કટલેરી સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરી

મોરબી : મોરબીની બજારોમાં આજે ધનતેરસના દિવસે દિવાળીની રોનક ખીલી ઉઠી છે. બજારોમાં ફિવાળીની ખરીદી માટે ભીડ ઉમટી પડી હતી. જેમાં આજે ધનતેરસે પરચુરણ સોનાની ખરીદી થઈ છે. એક અંદાજ મુજબ રૂ.4 કરોડના સોનાની ખરીદી થઈ છે. સોના ઉપરાંત રંગોળીના કલરો, ફટાકડા, ફૂટવેર, કપડાં,કટલેરી,ફરસાણ અને મીઠાઈ સહિતની ચીજવસ્તુઓની ભારે ખરીદી થઈ હતી. લોકોએ મંદી અને મોંઘવારીના બેવડા મારને ભૂલીને મનમૂકીને ખરીદી કરતા વેપારીઓના ચેહરા ખીલી ઉઠ્યા હતા. જોકે હજુ કાળી ચૌદશ અને દિવાળી એમ બે દિવસ સુધી ભારે ખરીદી થવાની વેપારીઓમાં આશા છે. મોરબીમાં દીપોત્સવીના તહેવારો પહેલા બજારો ભારે શુષ્ક જોવા મળી હતી. જો કે દિવાળીને અઠવાડિયાની વાર હોય ત્યારથી જ બજારોમાં પુરબહારમાં ખરીદી નીકળતી હોય છે અને બજારોમાં ભારે ભીડ જોવા મળતી હોય છે. પણ આ વખતે સીરામીકમાં ભયંકર મંદી આવી છે. જેની અસર દિવાળીની ખરીદી પર પડી હતી. દિવાળી પહેલા બજારોમાં ક્યાંય ખરીદીનો માહોલ જોવા મળતો ન હતો, વેપારીઓ મંદી મંદી કહીને નિશાશો નાખતા હતા. જો કે દિવાળીનો પ્રારંભ થાય ત્યારે ખરીદી નીકળવાની આશા હતી ત્યારે આજે ધનતેરસથી દિવાળીનું પર્વ શરૂ થતાં લોકો મંદી અને મોંઘવારીના બેવડા માર ભૂલીને બજારોમાં ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. આથી, મોરબીની સોની બજાર, પરાબજાર, તખ્તસિંહજી રોડ પરની કપડાં બજાર સહિત બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આથી વેપારીઓના ચહેરા મલકાઈ ઉઠ્યા છે.

- text

આજે ધનતેરસે સોનાની ખરીદી કરવી શુભ મનાઈ છે. આથી, શહેરની સોની બજારમાં આવેલી 200 જેટલી ઝવેરીની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી અને પરચુરણ સોનાની ખરીદી થઈ હતી. એક અંદાજ મુજબ આજે રૂ.4 કરોડનું સોનુ વેચાયું હતું. સોનાની સામે અન્ય તમામ ચીજવસ્તુઓની પણ ભારે ડિમાન્ડ જોવા મળી હતી. જેમાં કપડાં, ઇમિટેશન જવેલરી, ફૂટવેર, ફટાકડા, રંગોળીના કલરો, ધરને સુશોભન કરતી વસ્તુઓ, ફરસાણ, મીઠાઈ સહિતની ચીજવસ્તુઓની ભારે ખરીદી થઈ હતી. જો કે ગઈકાલ બપોરથી બજારોમાં રોનક ખીલી ઉઠી હતી અને આજે બજારોમાં લોકોની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી .જ્યારે હજુ કાળી ચૌદશ અને દિવાળીના દિવસે છેલ્લી ઘડી સુધી બજારોમાં ભારે ભીડ રહેવાની વેપારીઓને આશા છે.

- text