મોરબી : વીજ ધાંધીયાથી ત્રસ્ત સોઓરડીના લોકોનો રાત્રે વીજ કચેરીએ હલ્લાબોલ

- text


આજે રાત્રે વિજપોલમાંથી ધડાકા સાથે વિજતાર નીચે પડ્યો : વીજ કચેરીમાં ફોન પણ નીચે હોવાનું ખુલતાં લોકો વિફર્યા : સ્થાનિકોએ શહેર આખાની લાઈટો બંધ કરાવતા પોલીસને દરમ્યાનગીરી કરવી પડી : વિજતંત્રએ તાકીદે રિપેરીગની કામગીરી કરતા મામલી થાળે પડ્યો

મોરબી : મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં વારંવાર વીજ ધાંધીયાથી ત્રસ્ત થયેલા સ્થાનિક લોકોનું ટોળું આજે રાત્રે વીજ કચેરીએ પહોંચ્યું હતું. જોકે આજે રાત્રે વીજપોલમાં ધડાકા સાથે વાયર તૂટી પડતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. લોકોએ વીજ કચેરીમાં પહોચ્યા બાદ ત્યાં ફોન પણ નીચે મૂકી દીધો હોવાનું જાણાતા લોકો વિફર્યા હતા અને લોકોએ શહેર આખાની લાઈટ બંધ કરાવતા અંતે પોલીસને દરમ્યાનગીરી કરવાની ફરજ પડી હતી. પોલીસના સમજાવટના પ્રયાસો અને વીજ તંત્રએ આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવાની ખાતરી આપતા અંતે મામલો થાળે પડ્યો હતો.

મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી, વરિયાનગર અને ચામુંડાનગર સહિતના વિસ્તારમાં છેલ્લા ત્રણ માસથી વારંવાર વીજળી ગુલ થવાની ગંભીર સમસ્યા સર્જાય છે. આ વિસ્તારોમાં રહેતા મજૂર વર્ગ સાંજે મજૂરી કામ કરી થાક્યો પાક્યો ઘરે આવે ત્યારે રાત્રે લાઈટ ન હોય તો ભારે હેરાન થઈ જાય છે. જેમાં છેલ્લા બે દિવસથી રાત્રીના સમયે વીજળી ગુલ થઈ જાય છે. તેથી અસહ્ય બફારામાં લાઈટ વગર મજૂર વર્ગને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે.

જ્યારે સોઓરડી અંદર રામદેવપીરના મંદિર પાસે આવેલ પરબતબાપાની ડેરી પાસે વીજ પોલમાં સતત પાર્ક થતું હોય અને સળગતું હોવાથી મોટી ઘટના સર્જાઈ તેવી ભીતિ સેવાઇ રહી છે. આજે પણ અહીંયા વીજ સ્પાર્ક થઈને વીજ તાર નીચે પડ્યા બાદ લાઈટ ગુલ થઈ જતા રોજરોજની હલાકીથી કંટાળી ગયેલા સ્થાનિક લોકોનું મોટું ટોળું સામાકાંઠે જીઇબીની મુખ્ય કચેરીએ પહોંચ્યું હતું. જ્યાં ફોન નીચે પડ્યો હોય અને રિસીવ જ ન કરાતો હોવાનું ધ્યાને આવતા લોકો વિફર્યા હતા અને મોરબી શહેરની લાઈટો બંધ કરાવી હતી. જેના પગલે પોલીસ દોડી ગઈ હતી. પોલીસે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે વીજ તંત્રના ઉચ્ચ અધિકારીઓએ એક ટિમ મોકલીને પાવર ચાલુ કરવા અને આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવાની ખાતરી આપી સમગ્ર મામલો શાંત પાડ્યો હતો.

- text

- text