મોરબીમાં નવી પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવસોમાં તિરાડો પડી

- text


આવાસો બન્યાના ટૂંકાગાળામાં જ તિરાડો પડતા હલકી કક્ષાનું કામ થયાની પોલ ખુલી

મોરબી : મોરબીમાં એક વર્ષ પહેલાં બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવસોમાં તિરાડો પડી ગઈ હોવાની ચોંકાવનારી બાબતો પ્રકાશમાં આવી છે. જોકે હજુ ઘણા લાભાર્થીઓ નવા આવાસોમાં રહેવા પણ ગયા નથી. ત્યાંજ આ ભોપાળુ બહાર આવતા જવાબદાર તંત્રએ આવાસોના કામમાં લોલમલોલ ચલાવી હોવાની પોલ આખે ઉડીને વળગી છે.

મોરબીના બાયપાસ પર કામધેનુ પાર્ટી પ્લોટ નજીક એક વર્ષ પહેલાં મોરબી પાલિકા તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો બનાવવામાં આવ્યા હતા અને આગાઉ આ આવાસોનો ડ્રો કર્યા બાદ થોડા સમય પહેલા લાભાર્થીઓને આવાસોની સોંપણી કરવામાં આવી હતી. આ આવાસોની સોંપણી કર્યાને માત્ર બે માસ જેવો સમય થયો છે. ત્યાંજ કેટલાક આવાંસોમાં બીજા અને ત્રીજા માળે તિરાડો પડી ગઈ છે. મોટાભાગના મકાનોમાં ધીરેધીરે તિરાડો પડવા લાગી છે. આશરે 300 જેટલા લાભાર્થીઓને મકાનો ફાળવ્યા છે અને ઘણા લાભાર્થીઓ હજુ અહીં રહેવા પણ આવ્યા નથી. જે અમુક લોકો રહેવા ગયા છે તે લોકો પ્રાથમિક સુવિધા વિના હેરાન થાય છે.જેમાં લાઈટ પાણીની હજુ સુધી આ આવાસોમાં સુવિધા જ આપવામાં આવી નથી.

- text

આ ઉપરાંત લાભાર્થીઓની ફરિયાદ પ્રમાણે તંત્રએ અગાઉ પ્રાથમિક સુવિધા આપ્યા વગર જ મકાનો ફાળવી દીધા છે. જેથી લોકો ભારે પરેશાન થાય છે. જોકે થોડા સમય પહેલા ભારે વરસાદમાં આવાસોની કંપાઉન્ડ વોલ જમીન દોસ્ત થઈ ગઈ હતી. ત્યારે હવે આવોસોમાં તિરાડો પડતા હલકી કક્ષાનું કામ થયું હોવાનું ભોપાળુ છતું થયું છે. આ અંગે ઉચ્ચકક્ષાએથી યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી છે.

- text