મોરબી : શાળા, ગામો અને વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વતંત્રતા પર્વ અને રક્ષાબંધનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબી તાલુકામાં આવેલી શાળાઓ, ગ્રામપંચાયતો, વિવિધ સંસ્થાઓ સહિત સરકારી કચેરીઓમાં 73માં સ્વતંત્ર દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ હતી. સાથો સાથ આ જ દિવસે ભાઈ-બહેનના પ્રેમ અને વિશ્વાસને દ્રઢ બનાવતા રક્ષાબંધનના તહેવારની ઉજવણી પણ કરવામાં આવી હતી. ત્યારે મોરબી શહેર અને તાલુકામાં વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી રક્ષાબંધન અને સ્વતંત્ર પર્વની ઉજવણીનો વિશેષ અહેવાલ

ABVP મોરબી દ્વારા સ્વતંત્રતા પર્વની નગર દરવાજા ઉપર ત્રિરંગો લહેરાવી શાનદાર ઉજવણી કરાઈ

15મી ઑગસ્ટે ABVP મોરબી દ્વારા મોરબીની આન,બાન અને શાન સમા નગર દરવાજા ચોકને રાષ્ટ્રીય ગૌરવ આપીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા નગર દરવાજે ત્રિરંગો લહેરાવ્યો હતો. આ તકે રાષ્ટ્રગીત ગાઈને ત્રિરંગાને ગૌરવપૂર્ણ સલામી અપાઈ હતી. જેમાં ABVPના પૂર્વ કાર્યકર્તા શક્તિસિંહ જાડેજા, સુખદેવભાઈ દેલવાણીયા, ધ્યાનેશભાઈ રાવલ, સુખદેવસિંહ જાડેજા, પ્રતાપસિંહ જાડેજા ઉપરાંત હાલ મોરબી નગરમંત્રી મંદિપસિંહ ઝાલા, સહમંત્રી સંદીપસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ જાડેજા, મયુર સોલંકી, દિવ્યરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ ઝાલા સહીતના કાર્યકર્તાઓ તેમજ અન્ય લોકોએ ઉપસ્થિત રહી રાષ્ટધ્વજને સલામી આપી હતી.


શ્રી માં મંગલમુર્તી દિવ્યાંગ બાળકોની શાળામાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ

“શ્રી માં મંગલમુર્તી” દિવ્યાંગ બાળકોની શાળામા રક્ષાબંધન દિવસની ભવનાપૂર્ણ ઉજવણી ભાઈઓને રાખડી બાંધીને કરવામાં આવી હતી. આ પ્રસંગે દિવ્યાબેન તરફથી બાળકોને નાસ્તામાં વેફર અને બિસ્કિટ આપ્યા. કાર્યક્રમમાં તમામ દિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


નારણકા ગામે સ્વતંત્રતા પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી

મોરબીના નારણકા ગામની પ્રાથમિક શાળા ખાતે સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.આ તકે નારણકા ગામના સંરપંચ ભગવતીબેન રમેશભાઇ મેરજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નારણકા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા નૃત્ય, દેશભક્તિ ગીત, વકતૃત્વ વ્યક્તવ્ય રજુ કરવામાં આવેલ હતું. નારણકા ગામ સમસ્ત તેમજ દાતા દ્વારા 1.70 લાખનું દાન સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે શાળાને અપાયું હતું. જેમાં હાલ મોરબી રહેતા અને મુળ નારણકા ગામના બે ભાઇઓએ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિદ્યાથીઓને અનોખી ભેટ આપી હતી. જેમાં રાજેન્દ્રભાઇ (હકાભાઇ) વશરામભાઇ મોરડીયા દ્વારા પ્રાથમિક શાળાના તમામ વિદ્યાથીઓને યુનિફોર્મ, બુટ, મોજા વિતરણ કરવામાં આવેલ. જ્યારે રજનીશભાઇ વશરામભાઇ મોરડીયા દ્વારા વિદ્યાથીઓને નિઃશુલ્ક સ્કુલ પ્રવાસની જાહેરાત કરવામાં આવી હતી. જે આવનારા દિવસોમાં આયોજિત થશે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે વિદ્યાથીઓને અનોખી ભેટ અપતા વિદ્યાથીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. આ તકે નારણકા ગામના સંરપંચ ભગવતીબેન રમેશભાઇ મેરજા, ઉપસંરપંચ યોગેશભાઇ મેરજા, માજી સંરપંચ ભીખાભાઇ મેરજા, દેવરાજભાઇ મેરજા, પ્રવિણભાઇ મોરડીયા, દિલિપભાઇ દાવા, મોહનભાઇ બોખાણી, ધીરૂભાઇ દાવા, પુર્વ આચાર્ય દેવરાજભાઇ કારોલિયા તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો, આચાર્ય પ્રાણલાલ પૈજા, નુતનબેન શેરશીયા, દક્ષાબેન સહિતનો શિક્ષકગણ, આગેવાનો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


દેવ પેટ્રોલિયમ દ્વારા સ્વતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરાઈ

જેતપર રોડ, મહેન્દ્રનગર ચોંકડી સ્થિત દેવ પેટ્રોલિયમ ખાતે 73માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. દેવ પેટ્રોલિયમ દ્વારા સ્વતંત્ર પર્વની શાનદાર ઉજવણીતકે બહોળી સંખ્યામાં મિત્રો, વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સહુએ સાથે મળીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.


મોરબી સિવિલ હોસ્પિટલમાં ધ્વજવંદન કરાયું : સગર્ભા મહિલાઓને રાખડી બંધાઈ

મોરબી સિવીલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં સરકારની સુચના અન્વયે સગર્ભા સ્ત્રીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઊજવણી કરવામાં આવી હતી. મહિલાઓના તેમજ આવનારા બાળકના સ્વાસ્થ્ય અને સુરક્ષા હેતુ આ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. ત્યાર બાદ મોરબી સિવીલ હોસ્પિટલના પટાંગણમાં આરએમઓ ડો. કે. આર. સરડવાના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જેમાં હોસ્પિટલના કર્મચારીગણ સાથે દર્દીઓના સગા-સબંધીઓ પણ જોડાયા હતા.


સ્લોગન ગ્રુપ દ્વારા 15મી ઓગસ્ટની શાનદાર ઉજવણી કરાઈ

સ્લોગન ગ્રુપ તરફથી દર વર્ષે ૧૫મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાય છે. જેમાં વર્કરોને કેવી રીતે કામગીરી કરવી તથા સ્વચ્છતા કેવી રીતે જાળવવી તે બાબતની માહિતી કંપનીના એમડી બેચરભાઈ દ્વારા આપવામાં આવેછે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી. આ ગ્રુપ દ્વારા 26મી જાન્યુઆરીએ બેસ્ટ વર્કર એવોર્ડ આપવાનું પણ આજ રોજ જાહેર કરાયુ હતું. કર્મચારીગણમાં રાષ્ટ્ર ભાવના વિકસે અને પ્રબળ બને એ માટે બન્ને રાષ્ટ્રીય તહેવારોની ધામધૂમથી અસ્થભેર ઉજવણી કરવામાં આવે છે.


સાર્થક વિદ્યામંદિરમાં 15મી ઓગસ્ટ નિમિત્તે ત્રિવિધ કાર્યકમ યોજાયો

તા.15 ઓગષ્ટના રોજ સાર્થક વિદ્યામંદિરમાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે યોગાનુયોગ સ્વાતંત્ર્ય પર્વ, રક્ષાબંધન તથા સંસ્કૃત દિવસ પણ હોય ત્રણેય કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 15 ઓગસ્ટની ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કરાઈ હતી, અને તમામ કૃતિઓ સંસ્કૃતમાં રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત સંપૂર્ણ સંસ્કૃત ભાષામાં ગરબા, નાટક, વક્તૃત્વ, પ્રશ્નોતરી, ગીત, એકપાત્રિય અભિનય, સુભાષિત, સમૂહ ગાન, વાર્તા, દિનચર્યા વગેરે કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી. આ તકે રક્ષાબંધનના વિષયને પણ આવરી લેવામાં આવ્યો હતો.


રોટરી કલબ મોરબી દ્વારા 73માં સ્વતંત્રતા પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ

મોરબી રોટરી કલબ  દ્વારા 73માં  સ્વતંત્ર દિવસ નિમિતે ધ્વજવંદનનો કાર્યક્રમ  લાયન્સ ઇંગ્લિશ સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં મોરબી રોટરી કલબના પ્રેસિડન્ટ, સેક્રેટરી, તેમજ રોટેરીયન સભ્યો તેમજ  લાયન્સ કલબના પ્રેસિડન્ટ, સેક્રેટરી, તથા શાળાના આચાર્ય, શાળાના શિક્ષકગણ સહિત શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


જય વેલનાથ ગ્રુપ ધુંટુ દ્વારા 15મી ઓગસ્ટ અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

- text

જય વેલનાથ ગ્રુપ દ્વારા ૧૫મી ઓગસ્ટ અને રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ ધ્વવંદન કર્યા બાદ ‘જન જાગૃતિ અભિયાન’, ‘બેટી બચાવો-બેટી પઢાઓ’, ‘પાણી બચાવો’, ‘વૃક્ષ વાવો-વરસાદ લાવો’ જેવા અલગ અલગ બેનરો સાથે ઘૂટું ગામમાં બાઈક રેલી યોજાઈ હતી. ત્યાર બાદ વૃક્ષરોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા આશરે ૧૫૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જય વેલનાથ ગ્રુપના કાર્યકર્તા, સચિનભાઈ સાંતલપરા, ધીરુભાઈ ડાભી, ભરતભાઈ આત્રેસા, દેવજીભાઈ આત્રેશા, માનસિંગભાઈ આત્રેશા, સંજયભાઈ સુરેલા, તથા જય વેલનાથ ગ્રુપના તમામ સભ્યોએ હાજરી આપી હતી.


૭૩માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીએ “વિવિધતા માં એકતા” ઉક્તિને સાર્થક કરતા દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ

મોરબી સ્થિત દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ સ્વતંત્રતા દિવસ સમારોહની ધમાકેદાર ઉજવણી કરી હતી. આ તકે શાળાના બાળકોએ વિવિધ રંગારંગ કાર્યક્રમો રજુ કાર્ય હતા. આ પ્રસંગે નર્સરી અને પ્રેપના વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય વીરોનાં ડ્રેસ પહેરીને વેશભૂષા રજુ કરી હતી. શાળાના શિક્ષકોએ પણ એક દેશભક્તિ ગીત રજુ કરીને ઉજવણીની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ એક જ કૃતિને દેશની ૧૨ અલગ અલગ રાજ્યોની ભાષામાં રજુ કરી હતી. આ કૃતિ સહુના આકર્ષણનું કેન્દ્રબિંદુ બની રહી હતી. શાળાના આચાર્ય મિલિન્દ કાલુસ્કરે તમામ વિદ્યાર્થીઓ તથા તમામ શિક્ષકોની મહેનતને બિરદાવી હતી.


નીચીમાંડલ ગામે શાળામાં 73માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ

નીચીમાંડલની તાલુકા શાળા અને શ્રીમતિ કુંવરબેન ગોવિંદભાઈ કુંડારિયા વિધાલયના સંયુકત ઉપક્રમે 73માં સ્વતંત્રતા ૫ર્વની ધામધૂમથી ઉજવણી કરવામા આવી હતી. જેમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશ ભક્તિના ગીતો ગાઈ સહું રાષ્ટ્રપ્રેમમાં રંગાયા હતા.


નીલકંઠ વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

નીલકંઠ વિદ્યાલય ખાતે 15મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય તહેવાની ઉજવણીની સાથોસાથ રક્ષાબંધન પર્વની પણ વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. આ તકે બાળકીઓએ શાળાના બાળકોને રાખડી બાંધી સામુહિક બંધુત્વ ભાવનાના દર્શન કરાવ્યા હતા. આ તકે શાળાના કર્મચારીગણ દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી.


ખાનપર ગામે 73માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે  ભવ્ય રેલીનું આયોજન થયું

73 સ્વાતંત્ર પર્વ નિમિત્તે ખાનપર ગામે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં દેશભક્તિની ભાવના સાથે જ પાણી બચાવો, પર્યાવરણ બચાવો, પ્લાસ્ટિકનો ઉપીયોગ ન કરો, સ્વચ્છતા જાળવોના નારાઓ સાથેના બેનરો પ્રદર્શિત કરાયા હતા. રેલી બાદ સામુહિક ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધ્વજવંદન બાદ વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ તકે વૃક્ષારોપણ જાગૃતિ માટે મનનીય પ્રવચન આપવામાં આવ્યું હતું. ખાનપર ગ્રામપંચાયત અને ત્રણેય શાળાઓના પરિવાર દ્વારા સંયુક્તરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં ચાલતી શિવાજી રાત્રી શાખા અને એમના સ્વંયસેવકો દ્વારા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.


પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને રાખડી બાંધતી રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો

મોરબીના લક્ષ્મીનગર સ્થિત પ્રજ્ઞચક્ષુ પુનર્વસન કેન્દના પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો દ્વારા રક્ષાબંધનના પવિત્ર દિવસે રાખડી બાંધવામાં આવી હતી. આ સમિતિની 25 બહેનોએ કેન્દ્રમાં જઈને પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને કાંડે રાખડી બાંધતા અદભુત દ્રશ્યો સર્જાયા હતા. પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ આ પ્રસંગે ભાવવિભોર બન્યા હતા. મંજુલાબેન દેત્રોજા, જ્યોતિબેન બુદ્ધદેવ, તૃપ્તિબેન દવેની આગેવાની તેમજ ગીતાબેન સોમૈયાના માર્ગદર્શન હેઠળ 25 બહેનો આ કેન્દ્રમાં ભાઈઓને રક્ષા બાંધવા પહોંચ્યા હતા.


ભારતી વિદ્યાલયમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી સાથે રક્ષાબંધનનો તહેવાર પણ ઉજવાયો

ભારતી વિદ્યાલય શાળામાં ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી હતી. જેમાં બહેનોએ ભાઈઓને રાખડી બાંધી તેમની પ્રગતિ માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરી હતી. આ તકે ભાઈઓએ સદાય તેની રક્ષા કરવાનું અને સાથે રહેવાનું વચન આપ્યું હતું. સાથો સાથ રક્ષાબંધન નિમિતે “વેસ્ટ માંથી બેસ્ટ” રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાખડી સ્પર્ધામાં શાળાના ધોરણ ૧થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, તેમજ વિદ્યાર્થીઓએ તેમની આવડત અને બુદ્ધિક્ષમતા પ્રમાણે વેસ્ટ માંથી બેસ્ટ રાખડી બનાવી હતી. રક્ષાબંધનના આ કાર્યક્રમમાં શાળાના તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો એ બદલ શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાએ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા અને રક્ષાબંધન તેમજ રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટની શુભકામના પાઠવી હતી.


શ્રી મહાત્મા ગાંધી ઉ.બુ.માધ્યમિક વિદ્યાલય જોધપર (નદી) ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

શ્રી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ મોરબી સંચાલિત શ્રી મહાત્મા ગાંધી ઉ.બુ.માધ્યમિક વિદ્યાલય જોધપર (નદી) ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી સાથે 1998-1999 બૅચનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ પૈકીના ઘણા વિદ્યાર્થીઓ આજે ડોક્ટર, શિક્ષકો, વકીલ, નામાંકિત ઉદ્યોગપતિઓ બની ગયા છે. આ ભૂતપૂર્વ વિદ્યાર્થી પૈકીના પરેશભાઈ કુંડારીયાના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ શાળાના શિક્ષક અંદરપા સાહેબે મનનીય આધ્યાત્મિક પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ડૉ. મનીષભાઈ સનારીયાએ વિદ્યાર્થીઓને મોબાઈલ ગેમથી દૂર રહેવાંની સલાહ આપી હતી. કાર્યક્રમના અંતે તમામ લોકો પરસ્પર એકબીજાને કાયમી મદદરૂપ બની રહે અને સંસ્થા પ્રત્યે લાગણીથી જોડાઈ રહે એવી પ્રબળ ભાવના સાથે છુટા પડ્યા ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.


ખોડાપીપર ગામે માધ્યમિક શાળામાં રક્ષાબંધન પર્વ ઉજવાયું

ખોડાપીપર ગામની માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ દ્વારા રક્ષાબંધન પર્વની ભાવનાત્મક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વિદ્યાર્થીઓને રાખડી બાંધીને એમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરવામાં આવી હતી. ત્યારે વિદ્યાર્થી યુવકો દ્વારા બહેનોની સુરક્ષાનું વચન આપવામાં આવ્યું હતું, ભાઈઓએ આ તકે રાખી બહેનોને અલગ અલગ ભેટ આપવામાં આવી હતી. જેમાં રોનક ગોગરા નામના વિદ્યાર્થીએ રાખી બહેનને ભેટમાં વૃક્ષ આપ્યું ત્યારે સહુએ એમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.


 

- text