લાલબત્તી સમાન ઘટના : મોરબી નજીક સ્કૂલ વેનમાં આગથી અફડાતફડી

- text


જોકે ડ્રાયવરની સમય સુચકતાથી તમામ બાળકોનો ચમત્કારિક બચાવ

મોરબી : સુરતમાં સર્જાયેલી દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ અને ટ્યુશન કલાસીસમાં ફાયર એન.ઓ.સી. ઝુંબેશ ચાલી હતી. જોકે બાળકોના ટ્રાન્સપોર્ટશન મામલે કોઈ પગલાં ના ઉઠાવાયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આજે હાઈવે પરથી જઈ રહેલી ખાનગી સ્કૂલની વેનમાં અચાનક આગ લાગી હતી. જેમાં ડ્રાયવરની સમય સુચકતાથી તમામ બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો.

મોરબી-રાજકોટ હાઈવે પર અજંતા ફેકટરી નજીક એક સ્કૂલ વેનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે ડ્રાઈવરે સમય સુચકતા વાપરીને વેનમાં સવાર તમામ ૧૦ બાળકોને સમયસર વાહનમાંથી નીચે ઉતારી લીધા હતા. જેથી કોઈ જાનહાની થવા પામી નથી. પરંતુ વેનમાં લાગેલી આગને પગલે વાલીઓના જીવ પડીકે બંધાઈ ગયા હતા. જોકે આ ઘટનાની ક્યાંય સરકારી ચોપડે નોંધ થઇ નથી. અને સ્કૂલવાનમાં કઈ સ્કૂલના બાળકો હતા તે અંગેની કોઈ વિગતો મળેલ નથી. મોરબી પંથકની શાળાઓમાં અસંખ્ય વેનમાં હજારો બાળકો શાળાએ જતા હોય છે, ત્યારે આવી દુર્ઘટના રોકવા તંત્ર ક્યારે પગલાં ઉઠાવશે તેવા સવાલો પણ ઉપસ્થિત થયા છે. ટ્યુશન કલાસીસ અને શાળાઓને ફાયર એન.ઓ.સીના રાગ આલાપતી સરકારના આર.ટી.ઓ. વિભાગ દ્વારા વાહનોના ચેકિંગ કરવામાં આવશે કે કેમ તેવું પણ વાલીઓ પૂછી રહ્યા છે.

- text

ઉલ્લેખનીય છે કે ગઈ કાલથી અમદાવાદમાં સ્કૂલ વાહનોના ચેકીંગ દરમ્યાન મોટી સ્કૂલોની બસો પરમીટ અને ફિટનેસ સર્ટિફિકેટ વિના ઝડપાઇ હતી. જે તમામ બસ સહિત વેન અને રિક્ષાઓને જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. સ્કૂલ વેન, બસો અને રિક્ષામાં ઘેંટા બકરાની જેમ ભરાતા વિદ્યાર્થીઓ સામે નિયમ મુજબ મોરબી પોલીસ અને આર.ટી.ઓ પગલાં ભરે એવું વાલીઓમાં ચર્ચાઈ રહ્યું છે.

- text