મોરબીના મહેન્દ્રનગર ગામે સભ્ય સાથે ઘર્ષણ થયા બાદ મહિલા તલાટીની ઓચિંતી બદલી

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે ચાલુ મિટિંગમાં ટીડીઓની હાજરીમાં ગ્રામ પંચાયતના સભ્ય સાથે ઘર્ષણ થયા બાદ મહિલા તલાટીની ઓચિંતી બદલી કરી દેવામાં આવી છે. આ મામલો આગામી દિવસોમાં વધુ ગરમી પકડે તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે ફરજ બજાવતા તલાટી મંત્રી અને ગ્રામ પંચાયતના સભ્ય વચ્ચે આજે તાલુકા પંચાયતની એક મિટિંગમાં ટીડીઓની હાજરીમા ઘર્ષણ થયા બાદ તલાટી મંત્રીની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવતા ભારે ચકચાર જાગી છે.

જાણવા મળતી વિગતો મુજબ મહિલા તલાટી મંત્રી તટસ્થ અને પ્રામાણિક કામગીરી કરી રહ્યા હતા. જેના કારણે ગ્રામજનો પણ તેઓની કામગીરીથી ખુશ હતા. તેમ છતાં ગ્રામ પંચાયતના સદસ્ય ખોટી રીતે તેઓના કામમાં અવાર નવાર ડિસ્ટર્બન્સ ઉભું કરતા અને બંને વચ્ચે ઘર્ષણ સર્જાતું હતું. ત્યારે આજે તાલુકા પંચાયતની બેઠકમાં ઉગ્ર બોલાચાલી કર્યા બાદ મહિલા તલાટી મંત્રીની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે. જેની સામે વિરોધ થવાની પુરી શકયતા છે.

- text

ઉલ્લેખનીય છે કે મહેન્દ્રનગર ખાતે આ મહિલા તલાટીની ગત ૪ જાન્યુઆરીના રોજ મહેન્દ્રનગર ગ્રામ પંચાયતમાં મુકાયા હતા. અગાઉ અઠવાડીયા પૂર્વે પણ તેઓની બદલી કરવાની હિલચાલ થતા ગ્રામજનોએ એક થઈને તેઓની બદલી રોકવા માટે રજુઆત પણ કરી હતી. જો કે આ મામલે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે ગ્રામ પંચાયતની બોડી અને તલાટી મંત્રી વચ્ચે અવાર નવાર ઘર્ષણ થતું હોવાથી તલાટી મંત્રીની નાની વાવડી ગ્રામ પંચાયતમાં બદલી કરી દેવામાં આવી છે.

- text