માતાના મઢ જતા આઠ – આઠ યાત્રિકોના મોત નિપજાવનાર ટેન્કર ચાલકને ત્રણ વર્ષની કેદ

- text


માળીયાના દેવ સોલ્ટ નજીક ૨૦૧૬માં સર્જાયેલ અકસ્માતમાં મોરબી કોર્ટનો ચુકાદો

મોરબી : ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ માળીયા મિયાણા હાઇવે પર સુરજબારીના પુલ પાસે ખંભાતથી કચ્છ માતાના મઢે જતા બે પરિવારોની રિક્ષાને ટેન્કરે હડફેટે લઇ ૮ વ્યક્તિઓના મોત નિપજાવવા અંગેના ગમખ્વાર અકસ્માતનો કેસ આજે મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે આ કેસમાં ટેન્કર ચાલકને દોષિત ઠેરવીને ૩ વર્ષની કેદ ફટકારવા હુકમ કર્યો હતો.

વધુમાં ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ખંભાત થી કચ્છ માતાના મઢે નવરાત્રી નિમિતે દર્શનાથે નીકળેલા બે પરિવારના ૧૮ સભ્યોની રીક્ષા અને જીપ માળીયા સુરજબરીના પુલ પાસે દેવસોલ્ટ નજીક ચા – નાસ્તો કરવા રોકાયા હતા અને તેમની સાથે સેવાર્થે આવેલા જીપ મળીને ત્રણ વાહનો લાઈનમાં ઉભા હતા.તે સમયે પુરપાટ ઝડપે કાળરૂપે ધસી આવેલા ટેન્કર ચાલકે આ ત્રણેય વાહનોને કચડી નાખતા વારાફરતી ૮ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

- text

આ કરુણ અકસ્માત અંગે માળીયા પોલીસે ગુનો નોંધીને જે તે સમયે પોલીસે ટેન્કર ચાલક રમજાન હાસમને ઝડપી લીધો હતો. દરમિયાન કચ્છ માતાના મઢ જતા ૮ યાત્રાળુંના અકસ્માતમાં મોત નિપજાવવાનો કેસ આજે મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે આ કરુણ, ગમખ્વાર અકસ્માતના કેસમાં આરોપી ટેન્કર ચાલકને તકસીરવાન ઠેરવીને તેને ૩ વર્ષની સજા અને રૂ ૨૫૦૦નો દંડ ફટકાર્યો છે.

- text