ટંકારા જમીન કૌભાંડમાં પૂર્વ કલેકટર પ્રદીપ શર્માના આગોતરા જામીન ફગાવતી મોરબી કોર્ટ

- text


લંડનમાં રહેતા પરિવારને કરોડોની કિંમતી જમીનની ખૈરાત કરવાના કેસમાં પ્રદીપ શર્માની મુશ્કેલીમાં વધારો : સ્પે.પી.પી.અભય ભારદ્વાજ અને ડીજીપી વિજય જાનીની ધારદાર દલીલોને કારણે આગોતરા ફગાવાયા

મોરબી : સરકારની સામે બાયો ચડાવનાર પૂર્વ કલેકટર પ્રદીપ શર્માની મુશ્કેલીમાં વધારો થયો છે, રાજકોટ કલેકટર તરીકેના કાર્યકાળ દરમિયાન ટંકારાના આણંદપર ગામે શરતભંગ થયેલી જમીન લંડનમાં વસવાટ કરતા પરિવારને લ્હાણી કરવાના કેસમાં પ્રદીપ શર્મા દ્વારા મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવતા સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો ધ્યાને લઇ કોર્ટે આગોતરા જામીન ફગાવી દેતા પોલીસને ધરપકડનો માર્ગ મોકળો બન્યો છે.

આ કેસની વિગત જોઈએ તો ટંકારા પોલીસ સ્ટેશન ગુના રજી.નં.૩૩/૧૧થી આરોપી રાજકોટના પુર્વ કલેકટર પ્રદિપ શર્મા વિરુદ્ધ આણંદપર ગામની સીમા સર્વે નં.૨ પૈકી ૬૫ એકર જમીનનો નાયબ કલેકટર મોરબીનો હુકમ સામે અરજદાર ડી.જે.મહેતા વિગેરે-૬ વ્યકિત રહે. લંડનવાળાની તરફેણ કરી આડકતરી રીતે જમીનના મુળ અરજદારોને લાભ થાય તે રીતે પોતાની સતાનો ઉપયોગ કરી જમીનનો કબ્જો સોપી કરોડોની કિંમતી મિલ્કતનો કાયદાથી વીપરીત હુકમ કરી સરકાર સાથે વિશ્વાસઘાત કરતાગુનો નોંધાયેલ હતો.

આ કેસમાં તત્કાલીન કલેકટર પ્રદિપ શર્માએ મોરબી એડી.સેશન્સ જજ શ્રીની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ હતી, જેની તપાસ વાંકાનેર સીપીઆઈ બ્રહમભટ્ટ દ્વારા કરવામાં આવેલ અને કોર્ટમાં આરોપી શર્મા વિરૂધ્ધનું ૧૨ પાનાનું સોગંદનામું રજુ કરી આરોપીના આગોતરા જામીન રદ કરવાનું જણાવેલ હતું. આ કામમાં સરકારી કિંમતી જમીન કૌભાંડ પુર્વ કલેકટર દ્વારા થયેલ હોય, ગુન્હાની ગંભીરતા ધ્યાને લઈ સરકારે રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજની સ્પે.પી.પી.તરીકે નિમણુંક કરેલ અને જીલ્લા સરકારી વકીલ વિજય જાનીને મદદમાં રાખેલ હતા.

- text

આ કામના સ્પે.પી.પી. ભારદ્વાજે કોર્ટ સમક્ષ દલીલમાં જણાવેલ કે, અરજદાર લંડન રહે છે, ૨૦ વર્ષથી ગામમાં આવેલ નથી, તો દેખરેખનો પ્રશ્ન કયાંથી આવે મુળ કબ્જેદારને તપાસેલ નથી કે જેના નામે એન્ટ્રી પડી છે, તે કબ્જેદારને તપાસવા જરૂરી હતા આમ છતાં ટંકારા સર્કલ ઓફીસરે પંચોની હાજરીમાં સને ૨૦૦૦માં જામીનનો કબ્જો સરકાર હસ્તક લીધેલ હોય, જેની હકક પત્રકમાં નોંધ પણ પડેલ હોય તો પણ શરતભંગ બદલ સાત વર્ષ બાદ પુર્વ કલેકટર પ્રદીપ શર્માએ જમીન ખાલસા કરતો હુકમ રદ કરી સામાવાળાની તરફેણમાં ગેરકાયદેસર હુકમ કરેલ છે.

વધુમાં પ્રદિપ શર્માનો ભુતકાળ ક્રિમીનલ હોવાનું અને જુદા જુદા ૬ ગુનાઓ દાખલ થયેલ હોવાની ધારદાર દલીલો સ્પે.પી.પી. અભય ભારદ્વાજે કરી હતી ઉપરાંત હાલના આરોપી પુર્વ કલેકટર છે અને પુરાવાનો નાશ કરે તેવી પુરેપુરી શકયતા રહેલી છે,જેથી નામદાર હાઈકોર્ટમાં કવોશીગ પીટીશન અરજદારે કરેલ તેમા પણ હાઈકોર્ટે આરોપી સામે પ્રથમ દર્શનીય કેઈસ હોવાનું તથા તેનું ગુન્હાહીત માનસ છતુ થતુ હોવાનું તારણ આપી પીટીશન રદ કરેલ છે. સરકારી મોટી પોસ્ટ ઉપર હોવા છતાં પબ્લીક અને સરકાર સાથે વિશ્વાસઘાત, છેંતરપીડી કરેલ છે, સરકારી મિલ્કતના ટ્રસ્ટ તરીકે કામ કરવાનો બદલે પોતાના અગંત ઉપયોગમાં મીલકત લીધેલ છે, વિવિધ સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી આરોપીની આગોતરા જામીન અરજી રદ કરવા રજુઆત કરેલ હતી.

આરોપી પુર્વ કલેકટર પ્રદિપ શર્માના એડવોકેટ તથા સ્પે.પી.પી. અભય ભારદ્વાજ, ડી.જી.પી.વિજય જાનીની દલીલો, પુરાવા તથા ચુકાદાને ધ્યાને લઈ આ કામના પુર્વ કલેકટર પ્રદિપ શર્માની આગોતરા જામીન અરજી મોરબીના મહે.એડી.સેશન્સ જજશ્રી ઉપાધ્યાયે ફગાવી દેતા હવે આ ચકચારી કેસમાં નવાજુનીના એંધાણો મળી રહ્યા છે.

- text