શાકભાજી અને ફ્રૂટના ભાવમાં ધરખમ ઘટાડો ! શ્રીમતીજી રાજીના રેડ

- text


શિયાળામાં શાકભાજીના ભાવોમાં 80થી90 ટકા ભાવનો ઘટાડો : ફળોના ભાવમાં પણ 50 ટકાની રાહત

મોરબી : મોરબીમાં શિયાળાની સારી અસર શાકભાજીના ભાવો પર પડી છે, શાકભાજીના ભાવોમાં સામાન્ય નહિ પણ 80 થી 90 ટકા જેવો ઘરખમ ઘટાડો થયો છે જેથી બટેટા, ફ્લાવર, કોબીચ, ટમેટા, દૂધી, મેથી, ગવાર, રીંગણાં સહિતના શાકભાજી સસ્તા થયા છે.અને ફળોના ભાવોમાં પણ 50 ટકા ઘટી જતાં શ્રીમતીજી રાજી – રાજીના રેડ થઇ ગયા છે. મહિનાના બજેટમાં ખાસ્સી બચત થતા પાકિટ ભરતા શ્રીમતીજી પતિદેવોને સારા – સારા શાક બનાવી આપતા હોય પતિદેવો પણ ખુશખુશાલ થઇ ગયા છે.

સામાન્ય રીતે વર્ષ દરમિયાન મોટાભાગે શાકભાજીના ભાવો ભડકે બળતા હોવાથી ગૃહણીઓમાં કાળો કકળાટ મચી જતો હોય છે. પરંતુ અત્યારે ગૃહણીઓના ચહેરા પર અનેરો મલકાટ જોવા મળે છે. તેનું કારણ એ છે કે શિયાળાની સીઝન જામતાની સાથે જ જાજો નહિ તો થોડો શાકભાજીના ભાવમાં 80 થી 90 ટકા જેટલો ઘટાડો થતા દરેક ઘરના શ્રીમતીજી ખુશખુશાલ બન્યા છે.

મોરબીમાં શાકભાજીના ભાવ જોઈએ તો એક માસ પહેલા બટેકાના કિલોના ભાવ રૂ.15 હતા, જેમાંથી ઘટીને માત્ર રૂ.5 ના ભાવે કિલો બટાટા મળે છે. આજ રીતે, ફ્લાવર ના રૂ.70 માંથી ઘટીને રૂ.25, કોબીચના રૂ.50 માંથી ઘટીને રૂ.10, ટામેટા ના રૂ.50 માંથી ઘટીને રૂ.15, દૂધીના રૂ.45 માંથી ઘટીને રૂ.20, મેથીના રૂ. 200 માંથી ઘટીને રૂ.10, લીંબુના રૂ.80 માંથી ઘટીને રૂ.30, શકરિયાના રૂ.60માંથી ઘટીને રૂ.30, ગવારના રૂ.75માંથી ઘટીને રૂ.30, રીંગણ ના રૂ.60 માંથી ઘટીને 10, મરચાના રૂ.65 માંથી ઘટી ને રૂ.20, ગિસોડાના રૂ.100માંથી ઘટીને રૂ.60, ગાજરના રૂ. 40 માંથી ઘટી ને રૂ.10, વટાણા ના રૂ.100 માંથી ઘટીને રૂ.30, લીલી ચોળીના રૂ.80માંથી ઘટીને રૂ.40 તથા લીલી ડુંગળીના કિલોના રૂ.50 માંથી ઘટીને રૂ.20 થયા છે.

શિયાળો આવતાની સાથે ઋતુ પ્રમાણે 60 પ્રકારના શાકભાજી બજારોમાં જોવા મળે છે.એક મહિના પહેલા બટેટા ની ગુણીના રૂ.700 હતા.જે હવે ઘટી ને રૂ.250 થી 300 થયા છે આજ રીતે ફાળોના ભાવો પણ ઘટ્યા છે. જેમાં સફરજનના રૂ.200માંથી ઘટીને રૂ.80, દાડમના રૂ.100 માંથી ઘટીને રૂ.50 અને ચીકુના રૂ.100 માંથી ઘટીને રૂ.60 થયા છે જેને પગલે શ્રીમતીજીના દરરોજના ખાસ્સા એવા નાણાં બચી રહ્યા છે જે નોટબંધી વખતની જેમ કબાટમાં ગોઠવાયેલ સાડીની થપ્પીની વચ્ચે છુપાઈ રહ્યા છે !!!!

- text

- text