મોરબી ગેંગવોરની તપાસમાં ઝંપલાવતું એટીએસ

- text


કાલિકા પ્લોટમાં પરપ્રાંતીય શખ્સો દ્વારા ફાયરિંગ કેસની તપાસ માટે એટીએસની ચુનંદા ટીમ મોરબી પોલીસની મદદમાં

મોરબી : શનિવારની સાંજે મોરબીના કાલિકા પ્લોટમાં ગેંગવોરમાં થયેલ અંધાધૂંધ ફાયરિંગ પ્રકરણમાં અચાનક જ એટીએસ (એન્ટી ટેરેરિસ્ટ સ્કવોડ) અમદાવાદની ટીમે તપાસમાં ઝુકાવતા નવાજુનીના એંધાણો મળી રહ્યા છે, આ મામલે આજે એટીએસની ટીમે ઘટનાસ્થળની પણ મુલાકાત લીધી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં શનિવારની સાંજે જૂની અદાવતમાં સરાજાહેર ધાણીફૂટ ગોળીબાર થતા એક માસુમ બાળકનું મોત નીપજ્યું હતું અને એક કિશોરી સહિત ત્રણને ઇજાઓ પહોંચતા આ ઘટનામાં શનાળાના હિતુભા ઝાલા જૂથના ઈશારે હિન્દીભાષી શખ્સોએ અંધાધૂંધ ફાયરિંગ કરાવ્યું હોવાના ગંભીર આરોપ સાથે આ ઘટનામાં ઘાયલ થયેલા આરીફ મીરે કુલ સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સમગ્ર રાજ્યમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

- text

બીજી તરફ ઔધોગિક અને શાંત નગરી મોરબીની શાંતિ ડહોળી નાખનાર આ ઘટનાના તીવ્ર પડઘા પડ્યા છે આ ઘટનામાં હિન્દીભાષી પરપ્રાંતીય ગેંગની સંડોવણી ખુલવાની સાથે આધુનિક હથિયારનો ઉપયોગ થતા ગૃહ વિભાગ ચોકયો છે અને ખુદ જિલ્લા ભાજપ પ્રમુખ અને ઔધોગિક સંગઠનો અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજ્ય સરકારને ગંભીર રજુઆત કરતા ગૃહવિભાગ દ્વારા મોરબીના આ ચકચારી બનાવમાં એટીએસની ચુનંદા ટીમને મેંદાનમાં ઉતારવામાં આવી છે.

દરમિયામ મોરબીના પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગેંગવોરની આ ઘટનામાં એટીએસની ચૂનંદા ટીમને મોરબી પોલીસની મદદમાં ઉતારવામાં આવતા આજે એટીએસના અધિકારીઓ મોરબી તપાસ માટે આવી પહોંચ્યા હતા અને તપાસનીશ અધિકારીઓ સાથે કો – ઓર્ડિનેશન કરી ઘટનાના અંકોડા મેળવવા ઘટના સ્થળની મુલાકાત લઈ ભૌગોલિક સ્થિતિનો તાગ મેળવવાની સાથે સાથે બન્ને પક્ષેની કુંડળીનો ક્યાસ મેળવવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

આમ, સિરામિક સીટી મોરબીની શાંતિ ડહોળી શાંત વાતાવરણને અશાંત બનાવવના આ અંધાધૂંધ ગોળીબાર પ્રકરણમાં એટીએસે તપાસમાં ઝુકાવતા નવાજુનીના એંધાણો મળી રહ્યા છે.

- text