પોલીસની ઢીલી નીતિના પાપે સીરામીક નગરી મોરબી બન્યું ક્રાઇમ હબ

- text


પરપ્રાંતીય શ્રમિકો સાથે પરપ્રાંતીય ગુન્હેગારો પણ મોરબીમાં આવતા ગુન્હાખોરી વધી : દેશી – વિદેશી દારૂના દુષણના પાપે સાંજ પડેને મારામારી,લૂંટ, મર્ડરની ઘટનાઓ રોજિંદી : આર્થિક સમૃદ્ધ મોરબીની શાંતિનું વસ્ત્રાહરણ ! પોલીસેની ઢીલી નીતિની સાથે ગુંડાતત્વોને રાજકીય ઓથ કાયદો અને વ્યવસ્થા જાળવણીમાં આડખીલી

મોરબી : સમગ્ર વિશ્વમાં સીરામીક હબ તરીકે જાણીતા અને શાંત શહેર તરીકે ઓળખાતા મોરબી શહેરની જાણે માંઠી બેઠી હોય તેમ છેલ્લા મહિનાઓમાં મોરબીની શાંતિનું રીતસર વસ્ત્રાહરણ થયું હોય તેમ દેશી – વિદેશી દારૂના ખુલમ ખુલ્લા વેપારથી લઈ નાની-નાની બાબતમાં ખૂન, લૂંટ, મારામારીના બનાવો પણ સામાન્ય બન્યા છે ત્યારે હ્હદ તો ત્યારે થાય છે કે એક બીજાને ભારીપીવા મેદાને પડેલા તત્વો પોલીસના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ કરી ભાડુતી મારાઓને મેદાને ઉતારી રહી છે અને આવી ગંભીર ઘટનાઓ બન્યા બાદ કલાકો નહીં પરંતુ દિવસો વીતવા છતાં મોરબી પોલીસ અહી તહી દોડધામ કરવા છતાં ઘટનાઓના અંકોડા મેળવવામાં પણ થાપ ખાઈ ગઈ છે અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે મોરબી જિલ્લો બન્યા બાદ પોલીસનું સંખ્યાબળ વધવાની સાથે ઉચ્ચ અધિકારીનું હેડ ક્વાર્ટર હોવા છતાં ગુન્હેગારોમાં પોલીસની ધાક વધવાને બદલે ઘટી છે અને સીરામીક સીટી હવે ક્રાઇમ નગરીમાં પરિવર્તિત થી રહ્યું છે.

વેપાર, ઉઘોગ અને ખનીજ સંપદાથી છલોછલ મોરબી જિલ્લો શાંતિપ્રિય છે અહીં કોમ-કોમ વચ્ચે સોહાદપુર્ણ માહોલને કારણે કોમી રમખાણો વખતે પણ સીરામીક સીટી મોરબીની પ્રજાએ વૈમનસ્યને જાકારો આપી પોતાની આગવી છબી જાળવી રાખી છે પરંતુ છેલ્લા થોડા મહિનાઓમાં મોરબી શહેર – જિલ્લાને બુરી નજર લાગી હોય તેમ એક પછી એક એવી ઘટનાઓ ઘટી રહી છે કે લોકો અસલામતીના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને હદ તો ત્યારે થાય છે કે સામાન્ય સડકછાપ ગુંડાઓ હવે ખુંખાર બની પોલીસને પડકાર ફેંકી રહ્યા છે, અનડિટેકટ નિખિલ હત્યાકેસથી લઈ રવાપર રોડ ઉપર ઉદ્યોગપતિના બાળકનું સરાજાહેર અપહરણની ઘટના હોય કે પછી લીલાપર નજીક ત્રિપલ મર્ડરનો કેસ હોય કે માળિયામાં મધદરિયે ડીઝલ ચોરી હોય કે પછી યુવાનને નજીવી બાબતે ટ્રેકટર સાથે બાંધી ઢોર મારમારી વિડીયો વાયરલ કરવાની ઘટના હોય દરેક બાબતોમાં ક્યાંકને ક્યાંક પોલીસની ધાક ઓસરી હોવાના પુરાવા મળી રહ્યા છે.

જો કે આશ્ચર્ય તો એ વાતનું છે કે મોરબી જિલ્લમાં ક્રાઈમરેટનો ગ્રાફ સડસડાટ ઉપર જી રહ્યો હોવા છતાં પણ કેટલાક કિસ્સાઓમાં મોરબી પોલીસની કામગીરી નોંધપાત્ર રહી છે જેમકે વાંકાનેર રાજવી મહેલની ચોરીની ઘટના, ફેસબુકમાં ફેક આઈડી બનાવી વાંકાનેરની યુવતી સાથે સાયબર ક્રાઇમ હોય કે પછી તળાવ કબહન્દ જેવી ઘટના હોય મોરબી જિલ્લા પોલીસે ધારાસભ્યને પણ જેલમાં ધકેલ્યા છે પરંતુ ગુન્હેગારોમાં પોલીસનો જે ડર,ધાક હોવી જોઈએ તે રહ્યું નથી. બીજી તરફ મોરબી જિલ્લાની હદમાંથી રેકોર્ડબ્રેક વિદેશી દારૂ ઝડપવાની ઘટનાઓ રોજિંદી છે અને દેશીદારૂનો વેપલો તો જાણે ગૃહ ઉદ્યોગની જેમ વિકસ્યો છે ત્યારે શાંત શહેર મોરબીની શાંતિ હણવામાં દારૂના વેપલાનો પણ સિંહ ફાળો ગણાય રહ્યો છે.


કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ મામલે આગેવાનો શું કહે છે ??

મોરબીમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ મામલે જિલ્લા ભાજપ પ્રમુખથી લઈ ચેમ્બર પ્રમુખ, સીરામીક એસોશિએશન, ક્લોક એસોશિએશન અને મહિલા આગેવાને વધતો જતો ક્રાઈમરેટ મોરબી માટે ચિંતાજનક હોવાનું જણાવી સત્વરે કાળ અધિકારીઓની નિમણુંક કરી પરિસ્થિતિને કાબુમાં લેવાની તાતી જરૂર હોવાનું ભાર પૂર્વક જણાવ્યું હતું.

વધતી જતી ગુન્હાખોરી મોરબી માટે ચિંતા જનક : શશાંક દંગી

મોરબી ક્લોક એન્ડ ગિફ્ટ આર્ટિકલ એસોસીએશનના પ્રમુખ શશાંકભાઈ દંગીએ મોરબીમાં દિનપ્રતિદિન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોવાનું જણાવ્યું જણાવ્યું હતું કે મોરબીને રાજકોટનો ચેપ લાગી ગયો છે, મોરબીની પ્રજા શાંતિપ્રિય અને હળીમળીને રહેવા વળી છે આ સંજોગોમાં અવધતી જતી ગુન્હાખોરી આવનાર દિવસોમાં ઉદ્યોગો માટે ખતરારૂપ હોવાનું જણાવી સરકાર અને પોલીસ સમયસર જાગૃત બને તેવી લાગણી વ્યક્ત કરી હતી.


રાજકીય ઓથે મોરબીની શાંતિ હણી : બેચરભાઈ હોથી

- text

મોરબી ચેમ્બર પ્રમુખ બેચરભાઈ હોથીએ જણાવ્યું હતું કે શાંત અને સરળ મોરબી શહેરમાં છેલ્લા દિવસોમાં ન જોયા હોય તેવા અને ન સાંભળ્યા હોય તેવા ગુન્હા બની રહ્યા છે અસામાજિક તત્વોને પોલીસની બીક ન રહેતા હવે આર્થિક સધ્ધર લોકો પાસે ખુલ્લે આમ ખંડણી માંગવી, લૂંટ, ખૂન મારામારી સાવ સામાન્ય બની છે ત્યારે આ બધી ઘટનાઓમાં ક્યાંકને ક્યાંક રાજકીય ઓથ ગુન્હેગારને છાવરી રહી છે ત્યારે પોલીસ કડક બની રાજકીય શેહ શ્રમ છોડી કડક હાથે કામગીરી કરે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.


મોરબીમાં ગુન્હાખોરી વધી : મુકેશ ઉઘરેજા

ઔધોગિક નગરીમાં ગુન્હાખોરી વધી હોવાનું જણાવી મોરબી સીરામીક એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજાએ જણાવ્યું હતું કે બિઝનેશ હબ મોરબીમાં વધી રહેલી ગુનાખોરી ઉદ્યોગો માટે ખતરારૂપ છે આ મામલે એસોશિએશન દ્વારા જિલ્લા પોલીસવડાને રજુઆત પણ કરવામાં આવી હોવાનું જણાવી તેઓએ ઉમેર્યું હતું કે, નાના-મોટા ગુન્હાઓ ડામવા પોલીસે કડક બનવું જ રહ્યું.


મોરબીમાં કડક અધિકારીની જરૂર : જિલ્લા ભાજપ પ્રમુખ

મોરબી : શાંતિપ્રિય મોરબી શહેરની શાંતિ હણાતાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા ચિંતિત બન્યા છે, ઉપરા-છાપરી બની રહેલ ગંભીર ઘટનાઓથી વ્યથિત બની તેઓએ રાજ્યના ગૃહ વિભાગને લેખિત રજુઆત કરી હોવાનું જણાવી ઊમેર્યુંમોરબીમાં વધતી ગુન્હાખોરી માટે પરપ્રાંતીય મજૂરો જવાબદાર હોવાનું કહ્યું હતું હાલ મોરબીમાં ત્રણ લાખથી વધુ શ્રમિકો કામ કરી રહ્યા છે ત્યારે અનેક ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા લોકો પણ ગુન્હામાં સંડોવાયેલ હોય રાત્રી બંદોબસ્ત વધારી કડક પીઆઇ,પીએસઆઇની નિમણુંક કરવા ગૃહવિભાગને રજુઆત કરી ગુન્હેગારોને ઉગતા જ ડામવા ભાર પૂર્વક જણાવ્યું હતું.


લોકોને અસલામતીનો અહેસાસ : મંજુલાબેન દેત્રોજા

મોરબીમાં ખૂન, લૂંટ,મારામારી જેવી ઘટનાઓ સામાન્ય બની છે ત્યારે હવે ભાડુતી મારો પણ મેદાને આવી રહ્યા હોય મોરબીના લોકો અસલામતીનો અહેસાસ કરી રહ્યા છે ત્યારે પોલીસે સજાગ બની વહેલી તકે લોકોને સલામતીનો અહેસાસ થાય તેવા પગલાં ભરવા જ જોઈએ તેવું મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મંજુલાબેન દેત્રોજાએ જણાવ્યુ હતું.


 

ક્રાઇમનગરી મોરબીની આંકડાકીય માહિતી

મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં ખૂન,લૂંટ,મારામારી જેવા ગુન્હાઓનું પ્રમાણ વધ્યું છે.આંકડાકીય વિગતો જોઈએ તો વર્ષ 2015માં ખૂનના 19 ગુન્હા બન્યા હતા જયારે 2016માં 26 અને 2017માં 25 તો 2018માં નવેમ્બર માસના અંત સુધીમાં જ 23 ખૂનના બનાવ બન્યા છે, એ રીતે ખૂનની કોશિશની ઘટનાઓ વર્ષ મુજબ જોઈએ તો, 2015માં 23, 2016માં 11, 2017માં 25 તો 2018માં 22 કિસ્સા નોંધાઈ ચુક્યા છે, ડેકોઈટીના કિસ્સામાં 2015માં 1, 2016માં 4, 2017માં 2 અને 2018ના નવેમ્બર માસ સુધીમાં 4 કિસ્સા નોંધાયા હોવાનું પોલીસના સત્તાવાર આંકડા જણાવી રહ્યા છે. ઘરફોડ ચોરી અને અન્ય ચોરી જોઈએ તે વર્ષ 2015માં 249, 2016માં 174, 2017માં 166 અને 2918માં અત્યાર સુધીમાં 131 ઘટનાઓ બની છે.

સામાપક્ષે પોલીસનું સંખ્યાબળ જોઈએ તો મોરબી જિલ્લામાં મંજુર મહેકમની તુલનાએ ગ્રાસરુટ લેવલે જે અસરકારક કામગીરી કરતા હોય છે તેવા પોલીસ કોન્સ્ટેબલોની સંખ્યા ખુબ જ ઓછી છે. બિન હથિયારધારી પીએસઆઇ 27 સામે હાજર 25 છે, જયારે હથિયારધારી પીએસઆઇ 7 જગ્યાની સામે ફક્ત 4 જ છે, અને પીઆઇની 11 જગ્યાઓ સામે 7 પીઆઇ હાજર છે અને 2 જગ્યાઓ ખાલી હોવાનું સતાવર આંકડા જણાવી રહ્યા છે.ઉ એજ રીતે યુએએસઆઈ, યુએચસી, યુપીસી, એ એએસઆઈ, એ એચસી અને એપીસી મંજુર 995 જગ્યા સામે 825 જગ્યા ભરાયેલી છે અને કુલ 170 જગ્યાઓ ખાલી હોવાનું સતાવર આંકડા જણાવી રહ્યા છે.

- text