મોરબીમાં તળાવ કૌભાંડને પણ ટક્કર મારે તેવું મહેન્દ્રનગર ગ્રામપંચાયતનું મહાકૌભાંડ

- text


મોરબી મહેન્દ્રનગરના સરપંચ, સભ્યોએ સરકારી જમીન ઉપર બાંધકામ મંજૂરી આપતા ફોજદારી નોંધાવતા ઉપસરપંચ : બી ડિવિઝન પોલીસ દ્વારા ગુન્હો નોંધવામાં ઊહુ !

મહેન્દ્રનગર સર્વે નંબર ૯૮ ની જમીનમાં ખોટા માપ દર્શાવી બિનખેતી થયેલ જમીનથી ત્રણ ગણી સરકારી જમીન હડપ કરી લેવાઈ : લાખોના વહીવટનો આક્ષેપ

મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં ગ્રામપંચાયતના સરપંચ અને સભ્યોએ મળી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ખડકી દેવામાં આવેલા બાંધકામને મંજૂરી આપી તળાવ કૌભાંડ જેવું જ મસમોટું કૌભાંડ આચર્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ ખુદ મહેન્દ્રનગરના તત્કાલીન ઉપસરપંચ રાજાભાઈ પરમારે કરી છે જો કે, આ મામલે જિલ્લા પંચાયત અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવમા ઊહુ કરતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે સર્વે નંબર 98 ની જમીન બિનખેતી કરાવ્યા બાદ જમીનમાલિક એવા સુરેશ ઇન્ડસ્ટ્રીઝના માલિક મનસુખભાઇ પ્રભુભાઈ આદ્રોજા દ્વારા પ્લોટ નંબર 1,2,અને 3 ની વાણિજ્ય હેતુની જમીન ઉપર બિનખેતી નકશાના માપસાઇઝ કરતા પણ બે થી લઈ દસ ગણી જેટલી વધુ સરકારી ખરાબાની જમીન ઉપર તદ્દન ગેરકાદેસર રીતે દબાણ ખડકી સરકારની છ કરોડ રૂપિયાની જમીન હડપ કરી લેવાયા બાદ બાંધકામ અંગેની મંજૂરી માંગવામાં આવતા મહેન્દ્રનગર ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં તા.2-8-2017ના રોજ સરકારી જમીન ઉપર દબાણ હોવાથી ટેક્નિકલ સ્ટાફ નહોવાથી બહુમતીથી ઠરાવ પેન્ડિગ રાખવામાં આવ્યો હતો.

- text

પરંતુ બાદમાં અચાનક જ મહેન્દ્રનગર ગ્રામપંચાયતના સરપંચ હેતલબેન નરેન્દ્રભાઈ મુછડીયા, સભ્ય રાજેશ મનસુખભાઇ સેરસીયા, અશ્વિનભાઈ અંબારામ બોપલીયા, અશ્વિનભીએ દેત્રોજા, દક્ષાબેન જયસુખભાઇ સંઘાણી, હંસાબેન જયંતીલાલ ભાટિયા, નટુભાઈ મગનભાઈ સુરેલા, પંકજભાઈ ચતુરભાઈ સીપરા, મધુબેન જસમાતભાઈ ચાવડા, સવિતાબેન મુળજીભાઈ સાવલિયાએ લાખો રૂપિયાનો વહીવટ કરી સરકારી જમીનમાં દબાણ થયુ હોવાનું જાણવા છતાં તા.2-8-2017ના રોજ પેન્ડિંગ રાખેલા ઠરાવને તા.26-9-2017 ના રોજ તમામ સભ્યો અને સરપંચે મળી સુરેશ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારના આ ગેરકાયદે બાંધકામને મંજૂરી આપી દીધી હતી.

બીજી તરફ મહેન્દ્રનગરના તત્કાલીન ઉપસરપંચ રાજાભાઈ મનજીભાઇ પરમારે આ પ્રકરણમાં જણાવ્યું હતું કે બિનખેતી હુકમમાં આ જમીન માત્ર ખેતીના ગોડાઉનના હેતુ માટે ઉપયોગ કરવા મંજૂરી આપવામાં આવી હોવા છતાં મોટામાથાએ સરપંચ અને અન્ય સભ્યોને ખરીદી લઈ લખો રૂપિયાનો વહીવટ કરી સર્કલ ઓફિસરનો દબાણનો રિપોર્ટ આપ્યો હોવા છતાં બાંધકામની પરવાનગી આપતા આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી સરપંચ, જમીન માલિક અને સભ્યો વિરુદ્ધ ફોજદારી પગલાં ભરવા માંગ કરી હોવા છતાં પોલીસ દ્વારા પગલાં ભરવામાં ન આવતા હવે ઉચ્ચકક્ષાએ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text