સરકારના કમાઉ દીકરા જેવી મોરબી પોસ્ટ ઓફિસમાં સુવિધાના નામે મીંડું

- text


મોરબી પોસ્ટ ઓફિસની માહિતી અધિકારના કાયદાથી પોલ ખોલતા એજન્ટ : ઉચ્ચકક્ષાએ ફરિયાદ

મોરબી : કેન્દ્ર સરકારના કમાઉ દીકરા જેવી મોરબીની પોસ્ટ ઓફીસ પ્રત્યે રાજકોટ અને મોરબી પોસ્ટ વિભાગના સત્તાધિકારીઓ ધ્યાન આપતા ન હોવાથી સુવિધાઓના અભાવ વચ્ચે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ મામલે મોરબીના બચત એજન્ટ પોસ્ટ વિભાગની પોલ માહિતી અધિકારના કાયદા વડે ખોલી ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરતા ચકચાર જાગી છે.

મોરબીના બચત એજન્ટ હિમાંશુભાઈ વ્યાસે માહિતી અધિકારના કાયદા હેઠળ વિગતો મેળવી સત્ય બહાર લાવ્યા છે તેમના જણાવ્યા મુજબ રાજકોટ પોસ્ટલ ડિવિઝનમાં સૌથી વધુ આવક મોરબી જિલ્લો કમાવી આપે છે છતાં મોરબી એમડીજીને રાજકોટ હેડ ઓફીસ તરફથી જરૂરી સુવિધા આપવામાં આવતી નથી.

વધુમાં માહિતી અધિકારના કાયદા મુજબ બહાર આવેલા આંકડાની વિગતો આપતા હીમાંશુભાઈએ જણાવ્યું હતું કે, રાજકોટ હેડ ઓફિસમાં સેવિંગ્સ બેંકની કામગીરી માટે ૧૨ કાઉન્ટર છે અને ૨૧,૫૨૧ ખાતાઓ ખુલ્યા અને બંધ થયા છે ત્યારે મોરબીમાં એ જ સમયગાળામાં ફક્ત ત્રણ કાઉન્ટર હોવા છતાં ૩૬,૯૦૮ ખાતા ખુલ્યા છે અને બંધ થાય છે, જે દર્શાવે છે કે મોરબીમાં જો વધુ સુવિધા હોય તો આંકડો આથી પણ વધુ હોય શકે.

- text

આ ઉપરાંત રાજકોટની હેડ પોસ્ટઓફિસમાં ત્રણ સુપરવાઈઝર અને ૨૦ પાસબૂક પ્રિન્ટર છે જયારે મોરબીમાં એક જ પાસબૂક પ્રિન્ટર છે તેથી મશીનમાં ખામી સર્જાય ત્યારે એજન્ટો અને પોસ્ટ ગ્રાહકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
મોરબી એમડીજી માટે એસપીએમ ગ્રેડ થ્રી ગણાય પરંતુ બે કે ત્રણ વર્ષથી ઇન્ચાર્જ પોસ્ટ માસ્તરથી જ પોસ્ટઓફીસ ઓફિસનો વહીવટ રગશિયા ગાડાની જેમ ચલાવવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે મોરબી પોસ્ટ ઓફિસમાં મંજુર મહેકમ ૨૪ સામે ૨૨ પોસ્ટલ આસીસટન્ટ છે નવ થી વધુપોસ્ટલ આસિસ્ટન્ટ બબ્બે કે ત્રણ ત્રણ ફરજ બજાવી રહ્યા છે.

રજૂઆતના અંતે જાગૃત નાગરિક હીમાંશુભાઈ દ્વારા મોરબીમાં કાયમી પોસ્ટમાસ્તરની નિમણુંક કરવી, પુરતા પ્રમાણમાં કોમ્પ્યુટર સીસ્ટમ અને પાસબૂક પ્રિન્ટર ફાળવવા, નિષ્ણાંત સ્ટાફની નિમણુક કરવી, સીસીટીવી કેમેરા તેમજ સિક્યુરીટી ગાર્ડ સહિતની સિવિધા આપવા માંગ ઉઠાવી હતી.

- text