મોરબીમાં ગણેશ મહોત્સવના શ્રી ગણેશ : વિઘ્નહર્તાનું ભાવભેર સ્થાપન

- text


ઠેર ઠેર ઉભા કરવામાં આવેલા પંડાલોમા દુંદાળાદેવની વાજતે ગાજતે સ્થાપન વિધિ કરાઈ : ૧૦ દિવસ સુધી પૂજા, અર્ચના અને મહાઆરતીથી પંડાલો ધમધમશે

મોરબી : મોરબીમાં ગણેશ મહોત્સવના આજથી શ્રી ગણેશ થયા છે. શહેરમાં ઠેર ઠેર ઉભા કરવામાં આવેલ પંડાલોમા આજે ભાવભેર ભગવાન ગણેશની સ્થાપન વિધિ કરવામાં આવી હતી. આ તકે તમામ પંડાલોમાં ભાવિકો મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આજથી ૧૦ દિવસ પંડાલોમા દુંદાળાદેવનું પૂજન, અર્ચન, મહાઆરતી અને પ્રસાદી વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે.

મોરબીના અનેક વિસ્તારોમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ તમામ વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા પંડાલોમા ગણપતિ બાપા મોરિયાના જય ઘોષ અને વાજતે ગાજતે દુંદાળાદેવની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આજ થી દસ દિવસ સુધી સવાર સાંજ ભગવાન ગણેશનું પૂજન અર્ચન અને મહાઆરતી તેમજ રસ ગરબા સહિતના કાર્યક્રમો યોજી આરાધના કરવામાં આવશે.

શહેરમાં રવાપર રોડ પર એવન્યુ પાર્ક પાસે, કાયાજી પ્લોટ , કાલિકા પ્લોટ, શનાળા રોડ, મહેન્દ્રપરા, માધાપર, લખધીરવાસ, ગ્રીનચોક, દરબારગઢ, રોટરીનગર, રીલીફનગર, વર્ધમાનનગર, વિદ્યુતનગર, સો ઓરડીમાં ગોકુળ કા રાજા, મહેન્દ્રનગર ગામે, ઘૂંટુ ગામે જનકપુર કા રાજા અને રામોજી ફાર્મ સામે આવેલા સપ્તપદી લોન્સ ખાતે ભવ્ય પંડાલ નાખીને ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

લીલાપર રોડ પર હનુમાન મિત્ર મંડળ આયોજિત ગણેશોત્સવમાં દરરોજ રાત્રીના રાસગરબાની રમઝટ બોલશે જેથી ભક્તજનોએ ગણેશ દર્શન અને રાસગરબાના આયોજનનો લાભ લેવા આયોજકોએ ભાવભેર નિમંત્રણ પાઠવ્યું છે. મોરબીના ઘૂંટુ ગામે ગણેશોત્સવ મંડળ દ્વારા જનકપુર કા રાજા ગણેશોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, આજના પાવન અવસરે બાપાને પંડાલમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.

ઘૂંટુ ગામે છેલ્લા પાંચ વર્ષથી જનકપુર કા રાજા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ અદભુત શિંગાર અને અનોખા પંડાલમાં દુંદાળા દેવને હરખભેર બિરાજમાન કરવામાં આવ્યા છે, અહીં દરરોજ ભક્તિ ભાવ પૂર્વક વિઘ્નહર્તા દેવની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.

 

આ ઉપરાંત શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૨૩ સુધી દરરોજ સાંજે મહાઆરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવશે.

 

- text