મોરબીના કેરાળી ગામની યુવતીના આપઘાત કેસમાં પાંચ આરોપીની ધરપકડ

- text


યુવતીએ લખેલી સ્યુસાઇડ નોટને ફોરેન્સિક લેબમાં મોકલવાની તજવીજ

મોરબી : મોરબીના કેરાળી ગામમાં લગ્ન બાદ યુવતીને પજવતા કૌટુંબિક ભાઈએ અપહરણ કરી દુષ્કર્મ ગુજારી યુવતીનું જીવતર ઝેર કરી લગ્નજીવનમાં ભંગાણ પાડતા કૌટુંબિક ભાઈના ત્રાસથી કંટાળેલી યુવતીએ ઝેર પી મોતને વ્હાલું કરી લીધું હતું. આ મામલે પોલીસે પાંચ સામે ગુનો નોંધયો હતો. આજ રોજ પાંચેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના કેરાળી ગામે રહેતા ચેતનાબેન કરશનભાઇ મકવાણા નામની પરણિત યુવતીનું કૌટુંબિક ભાઈ અશોક દેવસી મકવાણા દ્વારા અપહરણ કરી દુષ્કર્મ ગુજારવામાં આવતા આ ઘટનાને પગલે ચેતનાબેનના છુટાછેડા થઈ ગયા હતા. બાદમાં આ શખ્સે ધમકી આપતા ચેતનાબેને ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતું.

- text

બનાવ સંદર્ભે ચેતનાબેનના પિતાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા અશોક દેવસી મકવાણા, તેના પિતા દેવસી રામા મકવાણા, પરસોતમ દેવસી મકવાણા, અશોકના ફુવા જીવરાજ મોહન ચાવડા અને કંચન મૂળજી મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના પગલે પોલીસે આજે પાંચેય આરોપીઓને અલગ અલગ જગ્યાએથી પકડી પાડ્યા હતા.

આ અંગે પી.એસ.આઈ. ગોહિલે જણાવ્યું કે ચેતનાબેનના પિતાએ પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પાંચેય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત ચેતનાબેને લખેલી સ્યુસાઇડ નોટને ફોરેન્સિક લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

 

- text