નર્મદાની મુખ્યલાઈનમાં ભંગાણ બાદ પાણી ચોરી અટકાવવા તંત્ર મેદાને : ૨૦ મશીનો ઉપાડી નોટિસ ફટકારાઈ

- text


વાધરવા અને માણાબા ગામે પાઇપલાઇન તોડી પાણીચોરી કરનારા અસામાજિક તત્વો સામે પોલીસને સાથે રાખી કાર્યવાહી

માળીયા : કચ્છ, જામનગર અને મોરબીને પાણી પૂરું પાડતી નર્મદા યોજનાની મુખ્યલાઈનમાં માળિયાના માણાબા ગામ નજીક ભંગાણ કરવાના ગંભીર મામલે પાણી પુરવઠા બોર્ડના ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા માળીયા પોલીસને સાથે રાખી પાણી ચોરી કરવા માટે મુકાયેલા ૨૦ મશીનો ઉપડાવી જવાબદારીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી મોરબી, જામનગર અને કચ્છને પાણી પૂરું પાડવા માટે નાખવામાં આવેલી નર્મદા યોજનાની મુખ્યલાઈનમાં માણાબા ગામ નજીક અસામાજિક તત્વો દ્વારા ભંગાણ કરી મુખ્ય વાલ્વ તોડી નાંખતા ૫૦ લાખ લીટર જેટલું પાણી વેડફાયું હતું એ મામલે જીડબ્લ્યુઆઈએલના એસ.કે.અગ્રાવતે જિલ્લા કલેકટરને લેખિત અરજી આપી જણાવ્યું હતું કે અત્યારે કેનાલ બંધ હોવાથી મોરબી, જામનગર અને કચ્છ માટે પીવાના પાણીનો આ એક માત્ર સ્ત્રોત છે જો અસામાજિક તત્વો પાણી ચૉરી ચાલુ રાખે તો મુશ્કેલી સર્જાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી.

- text

વધુમાં પાણીની કટોકટી સમયે સિંચાઈ હેતુ માટે પાણી ચોરવાના આ ગંભીર બનાવ મામલે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના અધિકારીઓ દ્વારા માણાબા અને વાધરવા ગામના અસામાજિક તત્વો વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાયા બાદ આ વિસ્તારમાં સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું અને પાણી ચોરી કરતા ૨૦ ઇસમોના મશીનો ઉપડાવી લઈ નોટિસ પણ ફટકારવામાં આવી હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યુ હતું.

- text