ભરતનગર ગામને શુદ્ધ પાણી આપવા સેવાભાવી અગ્રણીએ વસાવ્યો ફિલ્ટર પ્લાન્ટ

- text


સરકારી શાળા, ધાર્મિક-સામાજિક કાર્યો તથા જરૂરિયાતમંદોને વિનામૂલ્યે અને ગ્રામજનોને નોમીનલ ચાર્જમાં શુદ્ધ પાણીનું વિતરણ

મોરબી : હાલના સમયમાં તંત્ર દ્વારા આપવામાં આવતું પાણી પીવાલાયક હોતું નથી ત્યારે લોકોને નાછૂટકે ફિલ્ટર પાણી ના કેરબા ખરીદવાની ફરજ પડતી હોય છે આવા સમયે મોરબી નજીક આવેલા ભરતનગર ગામના એક અગ્રણીએ લોકોને શુદ્ધ પાણી આપવાની ઝુંબેશ ઉપાડી સ્વખર્ચે મિનરલ ફિલ્ટર પ્લાન્ટ વસાવ્યો છે અગ્રણી સરકારી શાળા, ધાર્મિક અને સામાજિક કાર્યો ઉપરાંત જરૂરિયાતમંદોને મફત તથા ગ્રામજનોને નોમિનલ ચાર્જથી શુદ્ધ પાણી આપીને ગ્રામજનોના આરોગ્યનું જતન કરી રહ્યા છે.

ભરતનગર ગામે રહેતા અને ગામમાં જ પટેલ એગ્રો સેન્ટર નામની દુકાન ચલાવતા ગામના અગ્રણી રજનીકાંતભાઈ દેવજીભાઈ અઘારાએ આઠ વર્ષ પહેલા એક લાખના ખર્ચે મિનરલ ફિલ્ટર પ્લાન્ટ વરસાવ્યો હતો. જોકે તેમને શુદ્ધ પાણી વિતરણ નો વ્યવસાય ન બનાવી ને માત્ર ગ્રામજનોને શુદ્ધ પાણી મળે તેવા આશયથી આ ફિલ્ટર પ્લાન્ટ નાખ્યો હતો. તેઓ કહે છે કે સીદસરથી પ્રસિદ્ધ થતું સામયિક ઉમિયા પરીવારનો અંક વાંચ્યો તેમાં ઓછા ખર્ચે શુદ્ધ પાણી મળે તેવા ફિલ્ટર પ્લાન્ટ ની વાત હતી તેમાંથી પ્રેરાઇને તેમણે ગ્રામજનોના હિતની ચિંતા કરીને શુદ્ધ પાણી આપવા માટે ફિલ્ટર પ્લાન્ટ વસાવ્યો હતો.

- text

હાલ ગામના ૧૧૦ પરિવારોને આ શુદ્ધ પાણી ૫ રૂ. પ્રતિ ૨૫ લિટરના ભાવે આપવામાં આવે છે ઉપરાંત ગામની સરકારી શાળા તેમજ ગામ કે ગામની આજુબાજુ માં ધાર્મિક કે સામાજિક કાર્યો હોય અથવા કોઈ જરૂરિયાતમંદ હોય તો તેને મફતમાં શુદ્ધ પાણી આપવામાં આવે છે શુદ્ધ પાણી પીવાથી ગામલોકો બીમારીથી દૂર રહે છે અને ગામ લોકોના આરોગ્યને તંદુરસ્ત રાખવા તેઓ મદદરૂપ થઇ રહ્યા છે તે વાતની તેઓએ ખુશી વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રજનીકાંતભાઇ અઘારાએ ગામમાં લાયબ્રેરી શરુ કરવાની પણ પહેલ કરી હતી. ૨૦૦૧ના ભૂકંપ સમયે ડેમો માટે મકાન બનાવ્યું હતું બાદમાં એ મકાન બંધ હાલતમાં રહેતું અને સરપંચની મંજૂરીથી ખુલ્લા જેવા મકાનમાં લાયબ્રેરી શરૂ કરી હતી. હાલ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લાયબ્રેરી અદ્યતન બની ગઈ છે. આ લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના તેમજ ધાર્મિક સામાજિક સહિતના પાંચ હજાર પુસ્તકો છે ગામના વરિષ્ઠ નાગરિક વલ્લભભાઈ મોરસાણીયા લાઇબ્રેરીમાં ગ્રંથાલય તરીકે સેવા આપે છે અને તેઓ પેપર વિતરણમાં જે આવક થાય તે લાયબ્રેરીમાં વાપરે છે.

- text