મોરબીમાં ૨૫મીથી ૧૦૮ કુંડી મહારુદ્ર યજ્ઞ : ૧ કરોડ મહામૃત્યુંજયના જાપ કરાશે

- text


રામોજી ફાર્મ ખાતે ૨૦ દિવસ ચાલશે કથા: ૨૦ હજાર સ્ક્વેર ફૂટ ની યજ્ઞશાળા તૈયાર કરાશે : ભાગવત કથા, શિવ કથા અને હનુમાન કથા પણ યોજાશે

મોરબી : મોરબીમાં સૌપ્રથમ વખત આગામી ૨૫મી થી ૧૦૮ કુંડી મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ થનાર છે હરિદ્વારની ગૌરક્ષા સંસ્થા દ્વારા ગાયોના લાભાર્થે તથા માનવ કલ્યાણની સાથે ઋષિ યજ્ઞપરંપરા પુનર્જીવિત કરવાના ઉદ્દેશ સાથે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.આ યજ્ઞ રામનવમીથી પ્રારંભ થઇને ૨૦ દિવસ સુધી ચાલશે. યજ્ઞમાં દરરોજ પાંચ લાખ મહામૃત્યુંજયના જાપ કરાશે. હાલ ૨૦ હજાર સ્ક્વેર ફૂટની દેશી પદ્ધતિથી યજ્ઞશાળા બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે

મોરબીમાં રવાપર કેનાલ રોડ પર રામોજી ફાર્મ ખાતે તા. ૨૫ માર્ચ થી ૧૦૮ કુંડી મહા રુદ્ર યજ્ઞનો પ્રારંભ થશે. આ યજ્ઞની વિશેષતા વિશે માહિતી આપતા હરિદ્વારની ગૌરક્ષા શાળા સાથે સંકળાયેલા અમૃતાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા મોરબીમાં જ નહીં સમગ્ર ગુજરાતમાં કદાચ પ્રથમ વખત આ મહારુદ્રયજ્ઞ નું આયોજન કરાયું છે. હરિદ્વાર સંસ્થાના લાભાર્થે તથા ખાસ કરીને દરેકની મનોકામનાઓ પૂર્ણ કરવા અને ઋષિ યજ્ઞ પરંપરાને જીવંત રાખવી એ યજ્ઞ નો મુખ્ય ઉદ્દેશ છે. હાલ ૨૩ હજાર સ્ક્વેર ફૂટની જગ્યામાં યજ્ઞશાળા બનાવવામાં આવી રહી છે.

હિમાલય ભાગવત વિદ્યાપીઠ સોલા તથા સૌરાષ્ટ્રમાંથી નિર્વ્યસની અને પૂર્ણ વૈદિક હોય તેવા ૧૩૦ ભૂદેવો દ્વારા આ વિધિ કરાશે. યજ્ઞમાં ૨૨૦૦ કિલો શુદ્ધ ઘી, ૫૦૦૦ કિલો તલ, ૧૦૦ કિલો જવ ,૧૨૫૦ કિલો ચોખા, ૨૫૦ કિલો ડ્રાયફુટ , ૧૦૦ કિલો કપૂર અને ૨૫ ટન લાકડાનો હવન કરાશે. વીસ દિવસ સુધી ચાલનારા આ યજ્ઞમાં કુલ ૧કરોડ મહામૃત્યુંજયના જાપ કરાશે. યજ્ઞ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમૃતાનંદજી એ વધુમાં ઉમેર્યુ હતુ કે ઋષિ યજ્ઞ પરંપરા મુજબ શુદ્ધ ભાવથી યજ્ઞ કરાય તો તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દેવો પ્રસન્ન થાય છે

- text

યજ્ઞ દરમિયાન ત્રણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાકાર લંકેશ બાપુ ની શિવકથા તા. ૨૫ થી ૩૧ ઉપરાંત નિખિલ જોષી ની ભાગવત કથા તા. ૧ થી ૭ તેમજ પ્રથમ વખત અવધ કિશોરદાસ ની હનુમાન કથા તા.૯ થી ૧૩ સુધી યોજાશે. યજ્ઞનો સમય સવારના ૭ થી બપોરના ૨ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.

આ યજ્ઞમાં ઉદ્યોગપતિઓનો સહિયારો સાંપડી રહ્યો છે ખાસ કરીને યજ્ઞશાળા વૈદિક પરંપરા પ્રમાણે ગાયના છાણથી લીપણ થી બનાવવામાં આવી રહી છે ત્યારે ઉદ્યોગપતિઓના પરિવારના મહિલા સદસ્યો દ્વારા આ યજ્ઞમાં ગાયના છાણનું લીંપણ કરવામાં આવી રહ્યું છે. કુલ ૨૦ ટન ગાયના છાણ નાં લીપણ થી આ યજ્ઞ શાળા તૈયાર થશે.

- text