રાજ્યના બજેટમાં મોરબી-માળિયા વિસ્તારની અવગણના : મેરજા

- text


ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આપેલ ઉગ્ર પ્રતિક્રિયા

મોરબી : ગુજરાત સરકારના બજેટમાં મોરબી-માળિયા વિસ્તાર માટે કોઈ ખાસ આર્થિક ફાળવણી ન કરીને આ વિસ્તારની અવગણના કરવામાં આવતા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ઉગરપ્રતિક્રિયા વ્યક્ત કરી સરકારની નીતિને ખેદ જનક ગણાવી હતી, મોરબી જિલ્લો મેડિકલ કોલેજ વિહોણો છે. લાંબા સમયથી મોરબીને મેડિકલ કોલેજ મળે તેવી માંગણી કરવામાં આવી રહી છે પરંતુ આ બજેટમાં મોરબીને મેડિકલ કોલેજ તો ના આપી પણ જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલ પણ અપગ્રેડ ન કરીને અન્યાય કરાયો છે.

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે મોરબી શહેરની ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે નટરાજ ફાટક પાસે, કંડલા બાયપાસના નવલખી ફાટક પાસે તેમજ ભક્તિનગર સર્કલ પાસે ઓવર બ્રિજ બાંધવાની માંગણી અંગે પણ બજેટમાં કોઈ પ્રાવધાન ન કરીને મોરબીને વધુ એક અન્યાય કરેલ છે.

મોરબી માળિયા તાલુકાના 54 જેટલા ગામોને નર્મદાનું પાણી મચ્છું -2માં ઠાલવીને આ મચ્છું-2 સિંચાઈ યોજનાની હાલની કેનાલનો કમાન્ડ એરિયા વધારીને તેમજ કેનાલનું વિસ્તૃતીકરણ કરીને સિંચાઇનું પાણી આપવાની માંગણી ઉપર ભાજપ સરકારે પાણી ફેરવી દીધું છે.

- text

સીરામીકનું હબ ગણાતા મોરબીના આ ઉદ્યોગ માટે આંતર માળખાકીય સુવિધાઓ જેવી કે રસ્તા,પાણી,ટ્રાન્સપોર્ટ નગર,મજૂરો માટે હોસ્પિટલ સુવિધા અંગે પણ કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી. નર્મદાની હાલની ધ્રાંગધ્રા,માળીયા(મી) અને મોરબી બ્રાંન્ચ કેનાલની માઈનોર અને સબમાઇનોર માટે જરૂરી એવું આર્થિક ફંડ ન ફાળવીને ખેડુતોને હળાહળ અન્યાય કરાયો છે. મોરબી જિલ્લાના એક માત્ર બંદર એવા નવલખીને વિકસાવવા કોઈ ખાસ લક્ષ અપાયું નથી.

માળીયા(મી)ના મીઠા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા તેમજ અગરિયાઓના આર્થિક ઉપાર્જન અને મજૂરોની આર્થિક સુરક્ષા પરત્વે દુર્લક્ષ સેવાયું છે જે કમ નસીબ છે. ખેડુતોને પાક વીમા મળવા બાબતની ફાણવણીમાં પણ અન્યાય કરીને ખેડૂતોને નારાજ કરવામાં આવ્યા છે.

- text