મોરબીમાં ફનસ્ટ્રીટ કાર્યક્રમ હેઠળ બાળપણ જીવંત બન્યું !!

- text


વર્ષો જૂની શેરી રમતો રમવા મોરબીના અબાલ વૃદ્ધ ઉમટી પડયા : યંગ ઇન્ડિયા ગ્રુપનો નવો કોન્સેપ્ટ સફળ

મોરબી : આજના ઈન્ટરનેટના યુગમાં બચપન ખોવાઈ ગયુ છે ! બાળકો દિવસભર ભણવામાં અને નવરાશની પળોમાં મોબાઈલ કે ટીવીને જ મનોરંજનનું સાધન માની બેસી શેરી, મહોલ્લાની રમતોથી જોજનો દૂર ચાલ્યા જતા બાળકોના શારીરિક વિકાસ અને સમાજ ભાવનાના ગુણોથી દુર થઇ રહ્યા છે આ સંજોગોમાં મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે નવતર પહેલ કરી ફનસ્ટ્રીટ હેઠળ દાયકાઓ જુની શેરી રમતો જીવંત રાખવાનો પ્રયાસ કરતા સેંકડો મોરબીવાસીઓ રવિવારે ઝૂમી ઉઠ્યા હતા.

શેરી રમતો જીવંત રાખવા મોરબીમાં રવિવારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ફનસ્ટ્રીટ કાર્યક્રમ હેઠળ અબાલ વૃધ્ધોને જુદી – જુદી ૨૦ રમતો રમાડવા અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવતા વહેલી સવારથી જ બાળકો અને મોટેરાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બે થી પાંચ દાયકા જૂની રમતો નજરમાં આવતા જ આંખોમાં રીતસરની ચમક સાથે બાળકો તો ઠીક મોટેરાઓ પણ મનગમતી રમતો રમી આનંદિત થઈ ઉઠ્યા હતા.

ભુલાઈ ગયેલી શેરી રમતોને ફરી જીવન કરવાના પ્રયાસ રૂપે રવિવારની સવારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ફનસ્ટ્રીટ કાર્યક્રમ હેઠળ મોરબીના જીઆઇડીસી મેઈન રોડ મોરબી ખાતે બાળકો થી માંડી અબાલ વૃધો માટે ઝુંબા, દોરડા ખેચ, ખો- ખો, કબડ્ડી, ડાન્સ, દોરડા કુદ, સ્કેટિંગ, નાગોલ, મ્યુઝિક ચેર, કરાટે, સાયકલિંગ, લખોટી, ટાયર ફેરવવા, જમ્બો સાપસીડી, કોથળા દોડ, આર્ટ એન્ડ ક્રાફટ સહિત ૨૦ જેટલી રમતો રમાડવામાં આવી હતી અને બાળકો અને મોટેરાઓએ મન ભરીને આ રમતો રમી ચિચિયારી બોલાવી સાચા બાળપણની મજા માણી હતી.

- text

ફનસ્ટ્રીટમાં આવેલ યસ, માર્વિન, નિલય, મહર્ષિ, રાહુલ, કિશન, રવિ, પાર્થ વગેરે બાળકોએ જણાવ્યું કે અહીં કેટલીય રમતો એવી હતી કે જે અમે પહેલી વખત રમ્યા, હવે અમે નક્કી કર્યું છે કે અમે માત્ર ટીવી કે મોબાઈલ પાછળ સમય પસાર નહિ કરીએ પરંતુ આવી અવનવી રમતો રમી શરીરને કસરત પણ મળે અને આનંદ પણ આવે તેવી મજા લેશું,

એ જ રીતે ઉર્વી, માનસી, ભાર્ગવી, ખ્યાતિ, ડેનિશા સહિતની વિદ્યાર્થીનીઓએ કહ્યું કે આજે અમે મન ભરીને આનંદ માણ્યો છે, અહીં અવનવી રમતો રમવાની સાથે અમે આર્ટ ક્રાફટ શીખવાનો પણ મોકો મળ્યો છે. તો ચાલીસી વટાવી ચૂકેલા ભાઈઓ બહેનો પણ પોતાના બાળપણની રમતો યાદ કરી જૂની યાદમાં ખોવાયા હતા.

ફનસ્ટ્રીટને કારણે જીઆઇડીસી રોડ રમત ગમતના મેદાનમાં ફેરવાઈ ગયો હતો, કોઈ ભમરડા ફેરવતું હતું તો કોઈ દોરડા કુદવાનો આનંદ માણી મજા લેતા હતા તો મોટીસંખ્યામાં આવેલી માતાઓ બહેનોએ સવાર – સવારમાં ડાન્સની મજા પણ માણી હતી, તો કેટલાકે જમ્બો સાપ સીડીમાં પાસા ફેંકી સડસડાટ સીડી ચડી અને ઠેરી ( લખોટી ) ના કંચા કુંડાળા બહાર કાઢી બે દાયકા જુના પોતાના બાળપણને યાદ કર્યું હતું.

જો કે ફનસ્ટ્રીટમાં રજૂ થયેલી અવનવી જૂની શેરી રમતો જોઈ આજના નવી પેઢીના બાળકો અચંબિત બન્યા હતા અને આ રમત કેમ રમવી ? તેવા વિચાર કરતા હતા પરંતુ ફાનસ્ટ્રીટના આયોજનમાં આયોજકો દ્વારા દરેક રમત માટે સ્વયંસેવકો રાખ્યા હોય સૌને રમત – રમવા માટે માર્ગ દર્શન પુરૂ પડાયું હતું.

આમ, ફન સ્ટ્રીટ હેઠળ બાળકોને શેરી રમતો રમતા કરવાની સાથે સાથે લોકોમાં આરોગ્ય અંગે જાગૃતિ આવે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રજૂ કરાયેલ નવો કોન્સેપ્ટ ખૂબ જ સફળ રહેતા આયોજકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

- text