મોરબીમાં ૧૮૧ અને તાલુકા પોલીસની મદદથી ભૂલી પડેલી પરિણીતાનું પતિ સાથે મિલન થયું

- text


તાલુકા પોલીસ મથકમાં પીએસઆઇ ગોહિલ અને સ્ટાફની ત્વરિત કામગીરી

મોરબી : મોરબીના પાવડીયારી વિસ્તારમાં ભૂલી પડેલી પરપ્રાંતીય પરિણીતાને જાગૃત નાગરિકની સજાગતા અને ૧૮૧ અભયમ અને મોરબી તાલુકા પોલીસની મદદથી પતિ સાથે મિલન થયું હતું અને આ ખુશીની ઘડીનું મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સાક્ષી બન્યું હતું.

જાણવા મળ્યા મુજબ મોરબીના પાવડીયારી વિસ્તારમાં ઉત્તરપ્રદેશની એક મહિલા ભૂલી પડી હોવાનો કોલ ૧૮૧ અભયમને મળતા તુરત જ ૧૮૧ ની ટીમ મહિલા પાસે પહોંચી હતી, ત્યારબાદ ૧૮૧ ના કાઉન્સિલર રિપલ પ્રજાપતિએ સમગ્ર હકીકત અંગે તાલુકા પોલીસને જાણ કરતા પીએસઆઇ ગોહિલે મામલો હાથમાં લીધો હતો.

વધુમાં ભૂલી પડેલી પરણીતાનું નામ જ્યોતિબેન રામપ્રવેશ હોવાનુ અને ઉત્તરપ્રદેશના મહુ જિલ્લાની વતની હોવાનું તેમજ પતિ સાથે અહીં રહેતી હતી પરંતુ બહાર નીકળતા ભૂલી પડી હતી અને તેમના પતિ ક્યાં કારખાનામાં કામ કરે છે તેની જાણકારી મ હોવાનું પરિણીતાએ જણાવ્યું હતું.

- text

જો કે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એસ.એ.ગોહિલ સહિતના સ્ટાફે આ પરપ્રાંતીય પરિણીતાને દિલાસો આપી ચા-પાણી નાસ્તો અને ભોજન કરાવ્યુ હતું અને જેતપર ઓપીના પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ પ્રેમજીભાઈ ચાવડા, પો.કો જશપાલસિંહ જાડેજા, અરવિંદભાઈ મકવાણા તથા મહિલા કોન્સ્ટેબલ હેતલબેન ભીમાણીને સાથે રાખી મહિલાના પતિની અલગ અલગ કારખાનામાં તપાસ કરી હતી.

દરમિયાન આ મહિલાના પતિ લખધીરપુર રોડ પર કેનાલ નજીક આવેલ કોરલગોલ્ડ સીરામીકમાં કામ કરતા હોવાનું માલુમ પડતા રામપ્રવેશ ફુલચંદભાઈ રાજભર પાસે જઈ તેમના પત્ની જ્યોતિબેન ઉ.૨૦ ની મુલાકાત કરાવી હતી.

આમ, મોરબી તાલુકા પોલોસ અને અભયમ સ્ટાફની જાગૃતતા અને ત્વરિત કામગીરીને કારણે ભૂલી પડેલી પરપ્રાંતીય મહિલાનું તેમના પતિ સાથે મિલાન કરાવી સરાહનીય કામગીરી કરી હતી.

- text