મોરબીમાં વૃદ્ધની નજર ચૂકવી પળવારમાં ત્રણ લાખની ઉઠાંતરી

- text


બાઈકનો પ્લગ કાઢી નાખી બે ગઠિયા કળા કરી ગયા : ઘટના સીસીટીવીમાં કેદ : પોલીસે અરજી લઈ સંતોષ માન્યો

મોરબી : મોરબીના નહેરુગેટ વિસ્તારમાં આજે સરાજાહેર છડે ચોક બે ગઠિયા વૃદ્ધની નજર ચૂકવી રૂપિયા ત્રણ લાખની રોકડ લઈ છુમંતર થઈ જતા ચકચાર જાગી છે જો કે આટલી મોટી ઘટના છતાં પોલીસે ફરિયાદ લેવાને બદલે માત્ર સિનિયર સિટીઝનની સાદા કાગળ ઉપર અરજી જ લેતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માનસર ગામે રહેતા ખેડૂત મનજીભાઈ માલુભાઈ સીતાપરા ઉ.૬૨ પરાબજાર વિસ્તારમાં આવેલ એસ.બી. આઈ. બેન્કમાંથી રૂપિયા ત્રણ લાખ ઉપાડી નહેરુગેટ વિસ્તારમાં આવેલ તેમના સંબંધીની એગ્રોની દુકાને ગયા હતા જ્યાં થોડી વાર બેસી પોતાના બાઈકના હેન્ડલમાં નાણાં ભરેલી થેલી ટીંગાડી બાઇક ચાલુ કરતા હતા.

- text

પરંતુ અગાઉથી જ વૃદ્ધનો શિકાર કરવાની ફિરાકમાં રહેલા ગઠિયાઓએ વૃદ્ધના બાઇકમાં પ્લગની ટોપી કાઢી નાખી હોવાથી વૃદ્ધ મોટર સાયકલમાં નીચે જોવા જતા જ ગઠિયાઓ નજર ચૂકવી ત્રણ લાખની રોકડ લઈ છુંમંતર થઈ ગયા હતા.

બીજી તરફ સિનિયર સિટીજન એવા ખેડૂતની ત્રણ લાખની રકમ જતા તેઓ પોલીસ મથકે દોડી ગયા હતા પરંતુ ભારે આશ્ચર્ય વચ્ચે પોલીસે આટલી મોટી ઘટનામાં માત્ર વૃદ્ધની સાદા કાગળ ઉપર અરજી લઇ સંતોષ માન્યો હતો.

ઉલ્લેખનિય છે કે વૃદ્ધના ત્રણ લાખ રોકડા લઈ છુંમંતર થયેલા ગઠિયાઓની સમગ્ર કળા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને ગઠિયાઓ વૃદ્ધના બાઈકમાંથી નાણાં લાઇ બસ સ્ટેન્ડ તરફ ભાગ્યા હોવાનું કેમેરામાં કેદ થયું હોવા છતાં પોલીસ શા માટે આ પ્રકરણમાં સાદી અરજી લીધી તે આશ્ચર્ય જનક બાબત છે.

- text