ભાઇ-બહેનના સંબંધના અદભુત દર્શન : દિવ્યાંગ બહેનની સેવા માટે ભાઇએ લગ્ન ન કર્યા

- text


આજીવન સેવાનો ભેખ ધારણ કરીને હસતા મુખે વર્ષોથી સેવા ચાકરી : મારો સંસાર, દુનિયા, સુખ-દુઃખ, અને સર્વસ્વ મારી બહેન : મોરબીના જૈન વાણીયા હિતેભાઇ મહેતા અને ભારતીબેન વચ્ચે ભાઇ-બહેનના સંબંધના અદ્ભૂત દર્શન

મોરબી : આ સૃસ્ટીના સર્જનકારે, સૃષ્ટિનું સર્જન કર્યું અને તેમાંય માનવીનું સર્જન કરી તેમાં તેઓને સગપણના, લોહીના સંબંધ, પિતા અને પુત્રીનો સબંધ, ભાઇ અને બહેનનો સંબંધ !
ઋણનુંબંધ અને પ્રેમના મજબૂત ધાગાઓથી બંધાયેલા આ સબંધો હરહંમેશ એકમેક પ્રત્યે કઇક ન્યોછાવર કરવાની ભાવના માટે જાણે છે (જોકે આજે ઘણી જગ્યાએ લોહીના આ સબંધો પાણી જેવા બની ગયાનું પણ જોવા મળે છે)
આજના યાંત્રિક યુગમાં સંયુકત કુટુ઼બો વેરવિખેર થઇ રહ્યા છે. પોતીકાપણાની ભાવનામાં પરાયાપણુ હાવી થઇ રહ્યું છે. સબંધોમાં સ્વાર્થે પોતાનું આધિપત્ય જમાવી લીધું છે ત્યાં જે જન્મ આપનારી માતા અને લાડકોડથી ઉછેર કરી સંતાનોને પગભર કરી આપનાર એ માતા પિતાને પણ વૃદ્ધાશ્રમે મૂકવા જતા સંતાનો અચકાતા નથી. બહેનોને પણ જયારે બહેન પોતાના ભાઇના ઘેર રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા જાય ત્યારે ભાઇને બહેનો યાદ આવે છે અને પછી કયાં બહેન અને કયાં ભાઇ…ત્યારે ભાઇ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધનના પવિત્ર દિવસેમ ોરબી શહેરમાં વસતા એક ભાઇની બહેનની સેવા કરવા માટેની ભાવના ઉજાગર કરવી છે.
મોરબીના આ ભાઇએ પોતાની દિવ્યાંગ બહેન માટે પોતાનો સંસાર માંડયો નથી, અને પોતે નાનો ભાઇ હોવા છતાં આ મોટી બહેનની મા-બાપ બની સેવા કરી રહ્યો છે. મોરબીની દફતરી શેરીમાં આવેલ ‘હિરા ભુવન’ની બાજુમાં રહેતા હિતેષભાઇ મહેતા (જૈન વાણીયા) જોડ મળવી ખરેખર મુશ્કેલ છેે. પોતે ઘરમાં નાનો હોવા છતાં નાનપણથી જ ઘરની જવાબદારીઓ પોતાના પર આવી પડતા, દૃઢ મનોબળ સાથે હંસતા મોંએ જીવનની નૌકાને આગળ ધપાવી રહ્યો છે અને કુદરત પણ તેની કસોટી ઉપર કસોટી કરવા બેઠી હોય તેમ ઘા પર ઘા ઝીંકાતી રહે છે અને હિતેષભાઇને બધુ હંસતા મુખે સહન કરતો રહે છે.
હિતેષભાઇના પિતાના લગ્ન હિરાબેન સાથે થયા હતા, દાંપત્યજીવનની ફલશ્રુતિરૂપે તેમને ત્યાં પ્રથમ પુત્રનો જન્મ થયો હતો, ત્યારબાદ પુત્રીનો જન્મ થયો હતો અને તેણીનું નામ ભારતી રાખવામાં આવ્યું હતું. પુત્રના જન્મ બાદ થોડા વર્ષોમાં જ તેનું અવસાન થયું હતું અને ભારતી બાદ તેમને ત્યાં પુત્ર હિતેષભાઇનો જન્મ થયો હતો. એક વખત બહેન ભારતી ખાટેથી રમતા રમતા પડી ગઇ અને તેની સારવાર કરવા તેણીને મુંબઇ લઇ જવી પડે તેમ હતી, પરંતુ પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે તે શકય ન બન્યું. ભારતીને સારવાર ન મળી અને તેના હાડકાનો વિકાસ અટકી ગયો, માથામાં ગંભીર ઇજાના કારણે ભારતીને વિકલાંગતા સાથે મંદબુદ્ધિની બીમારી પણ લાગુ પડી ગઇ.
આ આઘાતમાંથી પરિવાર બહાર પણ આવ્યો ન હોતો ત્યાં પરિવારની હુંફ અને વટવૃક્ષ સમાન પિતા લાભશંકરભાઇએ અચાનક અનંતની યાત્રાની વાટ પકડી લીધી. ઘરનું ગુજરાન ચલાવવાની તમામ જવાબદારી હિતેષભાઇ પર આવી પડી. અગરબતી અને ઇમિટેશન વેચી જેમ તેમ ગુજરાન ચલાવવા સાથે વ્યથિત મને દિવસો પસાર થવા લાગ્યા. આ સમયે ભારતીની દેખભાળ તેની માતા રાખતા. ર૦૦૭માં ટૂંકી બીમારી બાદ માતા હિરાબેનનું પણ અવસાન થયું. જેથી ભાઇ-બહેનના નાના પરિવારની તમામ જવાબદારી અને તેમાંયે પહાડ જેટલી મોટી જવાબદારી એ ભારતીની દેખભાળની ભાઇ હિતેષ પર આવી પડી. વિપતિ વેળાએ ભેગા મળેલા આ પરિવારના સગા-સંબંધીઓને ભારતીને બરોડા કે માંડવીના મંદબુદ્ધિના દર્દીઓના આશ્રમમાં મૂકી આપવા પોતાનો મત વ્યકત કર્યો, પરંતુ ભાઇ હિતેષના મનમાં એક યુદ્ધ ચાલતું હતું, વિચારોનું યુદ્ધ અને તેને ત્વરીત મનોમન નિર્ણય કરી લીધો કે જે બહેન સાથે બાળપણ વિતાવ્યું, આજદિન સુધી સુખ દુઃખમાં સાથે રહ્યા તે મારી પોતાની બહેનને મારે પારકાના આશરે કેમ છોડવી, બસ આ જીવન આજથી તેના માટે તેની સેવા માટે સમર્પિત કરવું છે. આજે તો દિવ્યાંગ સેવા ભારતીબેન છેલ્લા ત્રણ-ચાર વર્ષથી બસ દિવસ આખો પોતાની વ્હીલચેર પર બેઠા જોવા મળે છે તેણી પોતે હાલી-ચાલી શકતી નથી તેણીને જમાડવાની, ન કરાવવાની સહિતની તમામ જવાબદારીઓ ભાઇ હિતેષ એક બહેનની જેમ માતાની જેમ નિભાવી રહ્યા છે અને તે પણ હંસતા મોંએ, આ બન્ને ભાઇ-બહેન આ શેરીના રોડ પર આવેલ પોતાના મકાનના ઓટા પર બેઠા જોવા મળે અને સૌથી મોટી વાત એ હરપર હંસતા જ જોવા મળે, બન્નેમાંથી કાયરેય કોઇના ચહેરા પર ચિંતાના વાદળ ઘેરાતા નથી, તે બાબતનો આ વિસ્તાર આખો સાક્ષી છે. પોતાના જીવનમાં સાંસારિક સુખ, નોકરી-વ્યવસાયનો એક ઝાડકે હરકિનાર કરી માત્ર અને માત્ર બહેનની સેવા કરવાનો જીવનમંત્ર બનાવી લેનાર આ હિતેષભાઇ આજે પપ વર્ષની વયે પહોંચ્યા છે અને તે પોતાના મનની વાત કરતા જણાવે છે કે, મારા સગા-સંબંધીઓ દ્વારા બહેનને મંદબુદ્ધિ આશ્રમે મૂકી આવી મને લગ્ન કરાવી આપવા અનેક પ્રસ્તાવો આવ્યા.પરંતુ હું લગ્ન કરૃં અને આવનાર મારા પત્ની મારી બહેનની સેવા કરે કે ન કરે તે કેમ કહેવું અને જો તે ન કરે તો તેને દબાણ પણ કેમ કરી શકાય, સેવાભાવના તો અંતરથી જ જન્મતી હોય છે, કોઇ પાસે પરાણે સેવા કરાવવાની આશા ન રાખી શકાય.
આજે ર૧મી સદીના ભાઇઓને બહેન રાખડી બાંધે છે ત્યારે બદલામાં ભાઇ તેની રક્ષા કરવાનું તેના કપરા સમયમાં મદદરૂપ થવાનું વચન આપે છે, તો આવા ભાઇઓ બહેનની ખરે ટાણે રક્ષા કરજો, તેણીને મુશ્કેલીના સમયમાં મદદરૂપ થશો. કારણ કે દુનિયામાં ઇશ્વરે અનેક સબંધો બનાવ્યા, પરંતુ ભાઇ-બહેનના સબંધ પર મહોર મારી હાથ ધોઇ નાખ્યા છે.
વગળાની વાટે કોઇ બહેન પગપાળા જતી હોય, તેને ઠેબુ આવે, આંગળાનો નખ નિકળી જાય, લોહી છુટવા લાગે અને તોય પોતે કહે ‘ખમ્મા મારા વિરાને !’ આ છે બહેનનો પ્રેમ.

- text

- text