મોરબી : પાલિકામાં વારંવાર થતા ફરિયાદી મોરચાના કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

- text


મોરબી : નગરપાલિકામાં લોકોના વારંવાર ફરીયાદ મોરચાને કારણે વાતાવરણ ડોહળાયું છે. છેલ્લા બે માસમાં લોકોનાં પાલિકામાં મોરચા વધી ગયાનાં કારણે લોકોમાં તંત્ર પ્રત્યેનાં ઉશ્કેરાટથી તોડફોડ થવાની ભીતી રહેતી હોવાથી પાલીકાને સુરક્ષા કવચ પુરૂ પાડીને પોલીસ બંદોબસ્ત મુકાયો છે.

- text

મોરબી શહેર ઔદ્યોગિક રીતે સમૃધ્ધ છે. અને હવે જિલ્લાનું વડુમથક બની રહ્યું છે. છતાં વિકાસમાં હજી પાછળ રહી ગયું છે. મોટાભાગના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો સળવળતો પ્રશ્ન છે. પાણી પ્રશ્ન, ઉભરાતી ગટરો, કચરાના ગંજ, રોડ પર જામેલા ધૂળનાં ગંજ સહિતનાં પ્રશ્નો પ્રજાજનોને ભારે સતાવે છે. છેલ્લાં ઘણાં સમયથી પાલિકા પ્રજાની આ સમસ્યા પ્રશ્નો મામલે અસામાન્ય બેદરકારી દાખવતી હોવાથી લોકોમાં તીવ્ર રોષ ફેલાયો છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પરીણામ શૂન્ય રહે છે. આથી લોકોની ધીરજ ખૂટી છે. અને પાલીકા કચેરીએ મોરચો માંડવાની ફરજ પડે છે. છેલ્લા બે માસમાં અનેક વિસ્તારોનાં લોકોએ અલગ અલગ પ્રશ્ને અંગે પાલિકા કચેરીમાં હંગામો મચાવ્યો હતો. અને હજી પણ લોકોની ફરીયાદ મોરચાનો સીલસીલો યથાવત રહ્યો છે. ત્યારે તંત્ર પ્રત્યેક લોકોમાં આક્રોશ વધુ હોવાને કારણે ઘણી વખત તોડ ફોડની શક્યતા રહે છે. તેથી પાલિકા કચેરીમાં સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પાલિકા બંદોબસ્ત મૂકાયો છે. જેમાં બે હથિયાર ધારી પોલીસમેનની પહેરો રાખી દેવાયો છે. ખરેખર તો પાલિકા તંત્રને લોકોનાં પ્રશ્ન નિયત સમયે હલ કરવાની જરૂર છે જેથી આવા બંદોબસ્તની જરૂર ન પડે.

- text