મોરબી : પ્રિમોન્સુન કામગીરી : વોકળાની બહાર જ ગંદકીના ઢગલાના ખડકલા

- text


રવાપર રોડ, વાઘપરા, સામાકાંઠે, સો ઓરડી ભઠાવાડી શેરી સહિતના વોકળામાં ઢગલા મોઢે કચરાના ખડકલા

મોરબી : દર વર્ષે કાગળ પર રહેતી પ્રિમોન્સુન કામગીરી આ વખતે પાલિકાએ હાથ તો ધરી પરંતુ તંત્રએ વોકળા સફાઈની કામગીરીમાં વેઠ ઉતારી હોય તેવી સ્થિતિ જોવા મળી છે. કારણ કે વોકળાની બહાર જ ગંદકીનો ઢગલો ખડકી દેવામાં આવ્યો છે. જેને ઉપાડવાની કોઈ તસ્દી લેવામાં આવી નથી. પરિણામે પવનને કારણે આ કચરો વોકળામાં જવાથી સ્થિતિ કફોડી બનવાની ભીતી છે.
મોરબીમાં દર વર્ષે પ્રિમોન્સુન કામગીરી કાગળ પર અંકિત થઈને રહી જતી હતી. જેથી ચોમાસામાં લોકો માટે મુસીબતનો પહાડ ઊભો થઈ જતો હતો. અત્યારે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે ત્યારે દર વર્ષે કાગળ પર અંકિત થઇ જતી આ કામગીરી અંગે સવાલો અને ચોતરફથી ભિસ થવાથી પાલિકા તંત્રએ પ્રિમોન્સુન કામગીરી હાથ ધરી છે. જેમાં પાલિકા તંત્રનાં જેસીબીથી શહેરનાં વોકળાની સફાઈ કરવામાં આવી રહી છે. વર્ષોથી સફાઈના અભાવે ચોકપ રહેલા વોકળામાંથી ઢગલા મોઢે કચરો બાર કાઢવામાં આવ્યો છે અને મોટાંભાગનાં વોકળા વર્ષોથી ચોકપ છે. સાફ સફાઈ કર્યા બાદ કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ પરંતુ તંત્ર દ્વારા કચરાને વોકળાને  કાંઠે જ ખડકી દેવામાં આવ્યો છે. જેથી ત્યાંથી પસાર થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેમાં શહેરના રવાપર રોડ, વાઘપરા, સામાકાંઠે, સો ઓરડી ભઠાવાડી શેરીનો વોકળામાં ઢગલા મોઢે કચરો જોવા મળી રહ્યો છે. વોકળા સફાઈ કર્યાના ચાર દિવસ જેટલો સમય થયો છે પરંતુ હજુ કચરો દૂર કરવામાં આવ્યો નથી જેથી પવનને કારણે કચરો નાલામાં પડતો હોવાથી ફરી મૂળ સ્થિતિ થવાનાં એંધાણ વર્તાય છે.

- text