મોરબી : કિન્નરો દ્વારા નવરંગ માતાજીનો માંડવો સંપન્ન : અહેવાલ અને તસ્વીરો જોવા ક્લીક કરો

- text


દેશભરનાં કિન્નરો સહિત હિંદુ-મુસ્લીમ પરિવારો નવરંગ માંડવામાં ઉત્સાહ પૂર્વક સહભાગી બન્યા

મોરબી : મોરબીમાં બાળકોનાં સ્વાસ્થ અને સુખાકારી માટે કિન્નરો દ્વારા નવરંગ માતાજીનો માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરનાં કિન્નરોનો મેળાવડો જામ્યો હતો. નવરંગ માંડવાની વિવિધ ધાર્મિક ક્રિયાકાંડનો દેશભરનાં કિન્નરો સહિત મોટી સંખ્યામાં લોકોએ શ્રધ્ધાભેર ઉમંગથી ભાગ લીધો હતો.
મોરબીની નાની બજારમાં આવેલી ચૌહાણ શેરીમાં કિન્નરોનાં બહુચર માતાજીનાં મઢ દ્વારા માતાજીનાં નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હી, રાજસ્થાન, શ્રી વિજયનગર, જોધપુર, જયપુર, જામનગર. જામખંભાળિયા, પેટલાદ, નડિયાદ, સુરત, વડોદરા સહિતનાં શહેરોમાંથી કિન્નરોએ ઉમટી મહેમાન તરીકે હાજરી આપી હતી. નવરંગ માંડવામાં ભૂવા ધૂણવા, ડાક કાર્યક્રમ સહિતની ધાર્મિક પ્રવૃતિમાં કિન્નરોએ શ્રધ્ધાભેર ભાગ લીધો હતો. તેમજ માતાજીનાં ગીતો પર ઉમંગભેર નાચ્યાં હતાં. રેખાદે, પદમા દે નામનાં કિન્નરને પાલખી શેરીમાં રહેતા જાદવકુળનાં દિલીપભાઇ જાદવે દીકરી માની છે. તેથી માતાજીનાં માંડવા નિમિત્તે દિલીપભાઈએ તેમના મામેરાની વિધી કરી હતી. ત્યાર પછી દરબારગઢથી ખોડિયાર માતાજીનાં મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. નવરંગ માંડવાનાં આયોજન અંગે હિરાદે, દિવાળીદે, રેખાદે, દિવાળીદે નાયક, પુજાદે હિરાદે નાયક, રોશનીદે શીલાદે અને વિલાસદે હિરાદે નાયકે જ્ણાવ્યું હતું કે, નવરંગ માંડવામાં ચૌહાણ શેરીનાં દરેક લોકો શ્રધ્ધાભેર જોડાયા હતાં અને યથાશક્તિ પ્રમાણે ફાળો આપ્યો છે. બાળકોનું આરોગ્ય સારું રહે તેમજ સમગ્ર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તથા સંતાન સુખથી વંચિત પરિવારોને ત્યાં માતાજીની કૃપાથી પારણું બંધાય તેવો આ નવરંગ માંડવાનો ઉદ્દેશ હતો. જેમાં મુસ્લીમ પરિવારો પણ સહભાગી બન્યા હતાં. આ પ્રસંગે કિન્નરોએ જ્ણાવ્યું હતું કે, ચૌહાણ શેરીમાં ૫૫ જેટલા મકાનો છે. તેમાંથી ૨૦ જેટલાં મુસ્લીમ પરિવારો રહે છે, આ મુસ્લીમ પરિવારો નવરંગ માંડવામાં ઉત્સાહ પૂર્વક સહભાગી બન્યા હતાં. આ વિસ્તારમાં કોમી એકતા કાયમ જળવાઈ રહી છે તેનું આ જ્વલંત ઉદાહરણ છે.

- text