ટંકારા : છતર ગામમાં શિક્ષિકા વિરુદ્ધનો પ્રશ્ન ન ઉકેલાયો તો શાળા પ્રવેશોત્સવનો બહિષ્કાર

- text


પ્રાથમિક શિક્ષણ કચેરીને તાળું મરાયું : કાલ સુધીમાં પ્રશ્ન ન ઉકેલાય તો શિક્ષણ વિભાગને તાળું : શાળા પ્રવેશોત્સવ મોકૂફ રહેવાના એંધાણ : વીદ્યાર્થીઓના ભાવી શિક્ષણ પર ખતરો

મોરબી જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઈ રાજકોટીયાએ શાળા પ્રવેશોત્સવ પૂર્વે છતર ગામની શિક્ષિકા વિરુદ્ધનાં પ્રશ્નનો નિકાલ કરવા અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિતમાં અરજી આપી જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં ૮થી ૨૨ જુન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરુ થવા જઈ રહ્યો છે ત્યારે ટંકારા તાલુકાનાં છતર ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા ચેતનાબેન વાછાણી વિરુદ્ધ ગામ લોકોને આક્રોશ છે અને છેલ્લાં છ સાત વર્ષથી આ અંગે રજૂઆત કરવા છતા આ પ્રશ્ન પર પડદો પાડી દેવામાં આવ્યો છે. અગાઉ પણ આ સંદર્ભે ૨ મહિના પહેલા ગામલોકોએ શાળાને તાળાબંધી કરી હતી ત્યારે પણ મૌખિક ભલામણ કરી ગામવાસીઓને સમજાવ્યા હતા. એ સમયે દસ દિવસમાં આ પ્રશ્નનાં નિકાલની બાહેંધરી પણ મૌખિકમાં તમારા તરફથી આપવામાં આવી હતી. તેમ છતા આ અંગે કોઈ વચન પાળવામાં આવ્યું કે કહ્યા અનુસાર પગલા લેવામાં આવ્યા નથી. આથી જિલ્લા પંચાયતનાં સભ્ય તરીકે ૨ દિવસમાં આ પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો સમય આપવામાં આવે છે. જો આ પ્રશ્નનો ઉકેલ દિવસ ૨માં લાવવામાં આવશે નહીં તો ટંકારા તાલુકામાં શાળા પ્રવેશોત્સોવ કાર્યક્રમમાં છતર તેમજ આસપાસના ગામ અને જનતા ઉપરાંત શાળામાં ભણતા બાળકોને હાજર રહેવા દેવામાં આવશે નહીં અને કાર્યક્રમનો વિરોધ કરવામાં આવશે આટલું જ નહીં પરંતુ શાળાને તાળાબંધી પણ કરવામાં આવશે એવું મોરબી જિલ્લા પંચાયતનાં સભ્ય મહેશ રાજકોટીયાએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજ રોજ છતર ગામવાસીઓએ આપેલી અરજીનાં અનુસંધાને પગલા ન લેવામાં આવતા પ્રાથમિક શિક્ષણ કચેરીને તાળું મરાયું હતું અને હજુ જો કાલ સુધીમાં આ પ્રશ્ન ન ઉકેલાય તો શિક્ષણ વિભાગને તાળું મારવાની ચીમકી જિલ્લા પંચાયતનાં સભ્ય મહેશ રાજકોટીયા તરફથી આપવામાં આવી છે. આ સમગ્ર મામલે શાળા પ્રવેશોત્સવ પણ મોકૂફ જ રહેશે તેવું વર્તાય રહ્યું છે. આથી ગામવાસીઓ, શિક્ષણાધિકારી અને શિક્ષકા વચ્ચેનાં જંગમાં ભોગ વિદ્યાર્થીઓને બનવાનો આવશે તે નક્કી છે.

- text

- text