મોરબીમા ઘૂઘરાની દુકાનમાં ઘુસી ત્રણ શખ્સોએ તોડફોડ કરી

- text


કોઈપણ જાતના કારણ વગર દુકાનના કાઉન્ટર, ખુરશી-ટેબલ, પાણીના જગની તોડ-ફોડ કરી

મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડમાં આવેલ ઘૂઘરાની દુકાનમાં ગઈકાલે મોડી સાંજે અસામાજિક તત્વોએ બઘડાટી બોલાવી મહિલા અને દુકાનમાં કામ કરતા માણસને જેમફાવે તેમ ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે મહિલાએ ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

બનાવની મળતી માહિતી અનુસાર મોરબીના વાઘપરા શેરી નં.૧૪ માં રહેતા અને નવા બસ સ્ટેન્ડમાં આર.કે.ઘૂઘરાની દુકાનનું સંચાલન કરતા મીરાબેન સનતભાઇ દુબલ ઉવ.૩૨ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી તૌફીક ઇબ્રાહીમભાઇ ચાનીયા રહે.પરષોત્તમ ચોક, કાનજી રાવળ તથા અન્ય અજાણ્યો એક એમ કુલ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે ગત મોડી સાંજે આશરે સાડા આઠ વાગ્યે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ નવા બસ સ્ટેન્ડમાં આવેલ આર.કે.ઘૂઘરાની દુકાને આવી કોઈ કારણ વગર મીરાબેનને અને દુકાનમાં કામ કરતા માણસને બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુમાં ત્રણેય આરોપીઓએ દુકાન બહાર પડેલ ટેબલ-ખુરશી તથા પાણી માટેના જગના ઘા કરી તોડી નાખ્યા હતા તથા દુકાનની અંદર રહેલ કાઉન્ટર ઉપાડી બહાર ઘા કરી તેને પણ તોડી નુકસાની કરી સ્થળ ઉપરથી ચાલ્યા ગયા હતા.

- text

બનાવ અંગે ભોગ બનનાર મીરાબેન દ્વારા મોરબી સીટી પોલીસ મથકમાં ભોગ બનનાર મહિલાએ ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઈપીસીની કલમ ૫૦૬, ૫૦૪, ૪૨૭, ૧૧૪ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text