આજે રાષ્ટ્રીય દરિયાઇ દિવસ : વાઘજી ઠાકોરના સમયમાં બંદર વિકસાવવા રૂ. નવ લાખનો ખર્ચ થયો હોવાથી નામ પડ્યું નવલખી

“5 એપ્રિલ, 1919ના રોજ એસએસ લોયલ્ટી જહાજ બ્રિટન જવા નીકળ્યું, તે ભારતનું પહેલું સ્વદેશી જહાજ મનાય છે
ભારતમાં નેશનલ મેરીટાઇમ ડેની વર્ષ 1964માં પહેલીવાર ઉજવણી કરાઇ

મોરબી : ભારતમાં દર વર્ષે 5 એપ્રિલના રોજ નેશનલ મેરીટાઇમ એટલે રાષ્ટ્રીય દરિયાઇ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતની ત્રણ બાજુની સરહદોએ દરિયો છે અને આ બાબતને ધ્યાનમાં રાખતા દરિયાઇ સુરક્ષા દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. આંતરાષ્ટ્રીય સ્તરે મેરિટાઈમ દિવસ 28 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. મોરબી જિલ્લામાં આવેલું નવલખી બંદર પણ ઘણું મહત્વ ધરાવે છે.

ભારતમાં નેશનલ મેરીટાઇમ ડેની વર્ષ 1964માં પહેલીવાર ઉજવણી કરવામાં આવી હતી. જો કે ભારતમાં સ્વદેશી જહાજ પરિવહનની વ્યવસ્થા હકીકતમાં 5 એપ્રિલ, 1919ના રોજ થઇ હતી, જ્યારે સિંધિયા સ્ટીમ નેવીગેશન કંપની લિમિટેડે પોતાનું પહેલું જહાજ એસએસ લોયલ્ટી દરિયામાં ઉતરાયું હતું, અને બ્રિટન જવા નીકળ્યું હતું. તે ભારતનું પહેલું સ્વદેશી જહાજ માનવામાં આવે છે.


રાષ્ટ્રીય દરિયાઈ દિવસનો ઉદ્દેશ

રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણીનો હેતુ ભારતના લોકોને ભારતીય શિપિંગ વિશે જાગૃત કરવાનો અને અર્થતંત્રમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવવાનો છે. વાણિજ્ય અને વૈશ્વિક અર્થતંત્રને વેગ આપવા અને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.


ભારતનો દરિયાઈ ઇતિહાસ

ભારતનો દરિયાઈ ઇતિહાસ ઈ.સ. પૂર્વ 3 હજાર વર્ષ વચ્ચે શરૂ થયો હોવાનું માનવામાં આવે છે, જ્યારે સિંધુ ખીણના રહેવાસીઓએ દરિયાઈ વેપાર શરૂ કર્યો હતો. સિંધુ ખીણના રહેવાસીઓએ પ્રથમ વખત મેસોપોટેમિયા સાથે દરિયાઈ વિનિમય શરૂ કર્યો હોવાનું કહેવાય છે.

આ સાથે જ એવું પણ માનવામાં આવે છે કે દક્ષિણ ભારતના રાજાઓ જાપાન અને ઈન્ડોનેશિયા સુધી વેપાર કરતા હતા. દરિયાઈ વેપારની દ્રષ્ટિએ ભારત વિશ્વનો 16મો સૌથી મોટો દેશ છે. દેશનો દરિયાઈ વેપાર લગભગ 12 મોટા બંદરો દ્વારા થાય છે અને દેશના કુલ દરિયા કિનારાની લંબાઈ 7517 કિ.મી. છે. તેમાંથી 1600 કિમીનો સૌથી લાંબો દરિયાકાંઠો ગુજરાત ધરાવે છે. અંગ્રેજો 1608માં સુરત બંદરેથી વેપારના હેતુથી ભારતમાં આવ્યા હતા.

ગુજરાત વ્યાપાર અને દેશની દરિયાઈ સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ રાજ્ય છે. દરિયામાં વાહન વ્યવહાર રોડ અને રેલવે કરતાં સસ્તો હોય છે આ સાથે જ આ દરિયાઈ વ્યવહારથી પર્યાવરણને ઓછું નુકસાન થાય છે. દરિયાઈ ક્ષેત્રનો વિકાસ પરિવહન અને પર્યટન માટે વ્યાપક ઇકોસિસ્ટમ વિકસાવવામાં પણ મદદરૂપ થાય છે.


મોરબી જિલ્લાનું નવલખી બંદર

નવલખી એ સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લામાં આવેલું મધ્યમ કક્ષાનું બંદર. તે કચ્છના અખાતના પૂર્વ કિનારે 22° 26´ ઉ. અ. અને 70° 20´ પૂ. રે. ઉપર આવેલું છે. નવલખી કંડલાથી 30 કિ.મી. અને મોરબીથી 43.3 કિ.મી. દૂર આવેલું છે. નવલખીની નાળ હંજસ્થળ ખાડી ઉપર આવી છે. આ નાળ એક કિ.મી. પહોળી અને લગભગ અઢી કિ.મી. લાંબી છે. અહીં છથી દસ મી. ઊંડું પાણી છે. નવલખીનું બારું વરસામેડ અને સૂઈ ખાડીઓના સંગમસ્થાને આવેલું છે. લંગરસ્થાન કિનારાથી અઢી કિમી. દૂર છે. આઝાદી પછી નવલખી ખાતે મીઠાના ઉદ્યોગનો વિકાસ થયો છે. પરિણામે હાલ અનાજ, ખાતર, ખાદ્યતેલ, કોલસો વગેરેની આયાત થાય છે જ્યારે મીઠું, ખોળ, તેલીબિયાં, ચિનાઈ માટીનાં વાસણોની નિકાસ થાય છે.

પહેલાં નવલખી બંદર નહોતું, પરંતુ વવાણિયા બંદર ધમધમતું હતું. તેની શરૂઆત ઠાકોર અલિયાજીએ કરાવડાવી હતી. ઇસ.૧૭૩૪માં રેવાજી પ્રથમે તેનો વિકાસ આરંભ્યો. નજીકમાં જ એક હંસસ્થલ ક્રિક છે. તેની રચના એવી હતી કે દરિયાની ભરતી ઓટની સીધી અસર ન થાય. આ સાનુકૂળતા અને દેશ-વિદેશ સાથેના વેપારને ધ્યાનમાં રાખીને ઠાકોર વાઘજીએ ત્યાં આ બંદર વિકસાવ્યું. એ સમયે તેની પાછળ નવ લાખ રૂ.નો ખર્ચ થયો. તેથી તે કહેવાયું નવલખી.

મોરબી રાજ્યનું વવાણિયાનું બંદર નકામું થતાં મોરબીના ઠાકોર વાઘજીએ 1909માં કચ્છના અખાતના બેટોનું પુરાણ કરીને તે સૌરાષ્ટ્રની તળભૂમિ સાથે જોડી દીધું હતું. ડીસા-કંડલા રેલવે બંધાઈ તે પૂર્વે નવલખી અને કંડલા વચ્ચે ઉતારુઓની હેરફેર માટે ફેરી સર્વિસ હતી.