Morbi: લીલાપર પાસે મચ્છુ નદીમાં કેમિકલના થર જામ્યા, GPCBમાં રજૂઆત

- text


રજૂઆત બાદ ઢાંકપીછાડો કરવાના પ્રયાસો : જમીન પ્રદૂષિત કરતી કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી 

Morbi: મોરબી તાલુકાનાં લીલાપર ગામમાં સ્થાનિક કંપની દ્વારા મચ્છુ નદીમાં કેમિકલવાળુ પાણી છોડવામાં આવતા આજુબાજુમાં આવેલી જમીન પ્રદૂષિત થઈ રહી છે. કેમિકલવાળા પાણીને કારણે જમીનમાં કોઈ પાક ન થતા વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હોવાની રજૂઆત સાથે જમીનનાં માલિક પ્રવીણ ભુંભરિયા દ્વારા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB)ના પ્રાદેશિક અધિકારીને આ કંપની સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.

સ્થાનિકોએ જણાવ્યું કે, કંપનીએ હાલમાં નવુ બોયલર બેસાડતા તેમાં સળગાવાતો પ્લાસ્ટિક વેસ્ટ ઉડીને જમીનમાં પ્રસરી રહ્યો છે. તેમજ તેમાંથી નીકળતો ધુમાડો ઉગાડેલા પાકનો નાશ કરી રહ્યો છે. જેના કારણે વાડીના માલિકને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આ પ્રદૂષણને કારણે હાલ મચ્છુ નદીના કેમિકલના થર જામી ગયા છે. આ સમસ્યાનો વહેલી તકે સમાધાન લાવવા માટે અરજી કરવામાં આવી છે.

- text

જ્યારે રજૂઆત કર્તાએ આ સાથે જણાવ્યું હતું કે તેમની રજૂઆત બાદ હજુ કોઈ જવાબદાર અધિકારી સ્થળ તપાસ માટે આવ્યા નથી. અને રજૂઆત કરતાની સાથે પ્રદુષણ ફેલાવતી કંપનીઓ દ્વારા નદીમાં ફેલાયેલા પ્રદૂષણને પાણીના પ્રેશરથી દુર ધકેલવામાં પ્રયાસો શરૂ કરાયા છે. અને પ્રદુષણ વિભાગ તપાસમાં આવે તે પેહલા ઢાંક પીછાડો કરવાના ખુલ્લે આમ પ્રયાસો ચાલી રહ્યાનાં આરોપો પણ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે.

- text