ફાગણના ફાગે રમાતી રંગપંચમી : દેવતાઓની ધૂળેટી એટલે રંગપંચમી

- text


રતિની પ્રાર્થના પછી દેવાધિદેવ શિવે કામદેવને પુનર્જીવિત કર્યા હોવાની માન્યતા

શ્રી રાધા રાણી અને શ્રી કૃષ્ણને અબીર અને ગુલાલ ચડાવવામાં આવે છે

મોરબી : આ વર્ષે રંગપંચમી 30 માર્ચના રોજ ઉજવાય છે.  રંગપંચમીનો તહેવાર હોળીના પાંચ દિવસ પછી ઉજવવામાં આવે છે. આ હોળીનું એક સ્વરૂપ છે. એવી માન્યતા છે કે આ દિવસે દેવતાઓ હવાના રૂપમાં પૃથ્વી પર આવે છે અને રંગો, ગુલાલ અને અબીરથી હોળી રમે છે. તેને દેવ પંચમી પણ કહેવામાં આવે છે.

રંગપંચમીનો તહેવાર હોળી સાથે સંબંધિત છે અને હોળીની જેમ જ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો રંગો અને ગુલાલ ઉડાડીને તેમની ખુશી મનાવે છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ આ દિવસે શ્રી રાધા રાણી અને શ્રી કૃષ્ણને અબીર અને ગુલાલ ચડાવવામાં આવે છે. આ ઉપરાંત, આ દિવસે શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે અને હોળીની જેમ દેવહોળીના દિવસે પણ લોકો એકબીજાને રંગ અને અબીર લગાવે છે.

રંગપંચમીનો તહેવાર ઉજવવા પાછળ એક ખાસ તર્ક છે. લોકો માને છે કે આ દિવસે વાતાવરણમાં રંગો ઉડાડવાથી વાતાવરણ સકારાત્મક બને છે. લોકોના ઓલ ઓવર વ્યક્તિત્વ પર તેની ખૂબ અસર પડે છે. તેમની વિચારવાની અને સમજવાની ક્ષમતા વધે છે. તેની સાથે લોકોને પુણ્ય પણ મળે છે.

રંગપંચમી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ભારતમાં અન્ય સ્થળોએ ઉજવાતો તહેવાર છે. રંગપંચમીને શ્રીપંચમી પણ કહે છે. ફાગણ વદ પાંચમના દિવસે આ તહેવાર ઉજવાય છે. ગુજરાતનાં પંચમહાલમાં રંગપંચમીનો મેળો ભરાય છે. રંગપંચમીનો તહેવાર મધ્યપ્રદેશના માલવા પ્રદેશમાં વધુ લોકપ્રિય છે. રાજસ્થાનમાં આ તહેવાર હોળીથી ફાગણ વદ સાતમ સુધી ઉજવાય છે. મહારાષ્ટ્રમાં હોળી પછી પાંચમા દિવસે રંગપંચમી ઉજવવામાં આવે છે.

- text


પૌરાણિક કથા

એક માન્યતા અનુસાર, મહાદેવ શિવે કામદેવને ભસ્મ કર્યો હતો. તેમની પત્ની રતિએ તેમને પ્રાર્થના કરી, જેના પછી દેવાધિદેવ શિવે કામદેવને પુનર્જીવિત કર્યા. આ આનંદમાં, દેવતાઓએ રંગોનો તહેવાર ઉજવ્યો, જે રંગપંચમી તરીકે ઓળખાય છે.


- text