મોરબીના ગુજસીટોક કેસના આરોપીઓની 1.80 કરોડની મિલ્કત અને 24 બેન્ક એકાઉન્ટ સીઝ

- text


ગૃહ વિભાગના હુકમને આધારે 4 આરોપીઓની 30 મિલ્કતો ટાંચમાં લઈ બેંકમાં રહેલા 12.50 લાખ ફ્રીજ કરાયા

મોરબી : મોરબી શહેરમાં ગુન્હેગારોને ઝેર કરવા પોલીસે મમુ દાઢી હત્યાકેસમાં સંડોવાયેલા 18 આરોપીઓ વિરુદ્ધ ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ એટલે કે ગુજસીટોક મુજબ ગુન્હો દાખલ કર્યો છે ત્યારે હજુ પણ આ ગુન્હામાં કેટલાક આરોપીઓ ફરાર હોય ગૃહ વિભાગ દ્વારા ગુજસીટોકના આરોપીઓએ ગુન્હાઓ આચરીને એકઠી કરેલી સંપત્તિ ટાંચમાં લેવા હુકમ કરતા મોરબી પોલીસે ચાર આરોપીઓની મોરબીમાં અલગ-અલગ જગ્યાએ આવેલ 1.80 કરોડની કિંમતની 30 મિલ્કતો ટાંચમાં લેવાની સાથે 24 બેન્ક એકાઉન્ટમાં રહેલા 12.50 લાખ ફ્રીજ કરવાની કાર્યવાહી કરી હતી.

મોરબીના નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાએ ગુજસીટોક કેસના આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવેલ ટાંચ, જપ્તીની કાર્યવાહી અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૩, ૩૪૧, ૪૨૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦બી, ૩૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧બી)એ, ૨૭ તથા જી.પી.એ. કલમ ૧૩૫ તથા ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ(G.C.T.O.C.) એકટ- ૨૦૧૫ ની કલમ-૩(૧), ૩(૨), ૩(૪) મુજબના ગુનામાં આરોપીઓએ મોરબી શહેર અને જીલ્લામાં ભેગા મળી સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી એકબીજાને મદદગારી કરી ગંભીર પ્રકારના શરીર સબંધી, મિલકત સબંધી ગંભીર પ્રકારના ગુનાઓ છેલ્લા દસ વર્ષથી આચરતા હતા આ ગુન્હાની પુર્વગામી તપાસનીશ અધીકારીઓ દ્વારા ઝીણવટભરી રીતે તપાસ કરી ગુનામાં સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધના પુરાવાઓના આધારે કુલ 18 પૈકી 15 આરોપીઓ અટક કરવામાં આવેલ હતા તેમજ હજુ પણ ત્રણ આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા ફરે છે .

- text

વધુમાં મોરબીમાં સંગઠીત ગુન્હા આચરતી ટોળકીના લીડર તથા ટોળીના સભ્યોએ તેમના તથા તેમની પત્ની, ભાઇ એમ નજીકના સગા વાલાઓના નામે ગુન્હા આચરી પ્રાપ્ત કરેલ મિલ્કત જપ્ત (ટાંચમાં) લેવા સારૂ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એકટ-૨૦૧૫ની કલમ ૧૮ મુજબ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી ગુજસીટોકના 18 આરોપીઓ તથા તેઓના પત્ની, ભાઇ નાઓના નામની મિલકત તથા બેંક એકાઉટ અંગે રેવન્યુ વિભાગ તથા બેંક સાથે સંકલન કરી મિલકત અંગેની માહીતી મેળવી એનાલીસીસ કરવા સી.એ. (ચાર્ટડ એકાઉટન્ટ) ની નિમણૂક કરી હતી અને સરકારી સી.એ. દ્વારા મિલકતનુ એનાલીસીસ કર્યા બાદ 18 પૈકી ચાર આરોપીઓની મિલકત જપ્ત (ટાંચ) તેમજ સંડોવાયેલ આરોપીઓના અલગ અલગ બેંકના એકાઉન્ટમાં રહેલ રોકડ રકમ જપ્ત કરવા દરખાસ્ત તૈયાર કરી સચિવ, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગરને મોકલી હતી.

ગૃહ વિભાગની દરખાસ્ત બાદ આરોપી (૧) ઈમરાન ઉર્ફે બોટલ હનીફભાઈ ચાનીયા (૨) રીયાઝ રજાકભાઈ ડોસાણી (૩) ઈરફાન અલ્લારખાભાઇ ચીચોદરા અને (૪) આરીફ ગુલમહમદભાઈ મીર રહે.બધા મોરબી વાળાઓએ પોતાના તથા પોતાની પત્ની તથા ભાઈના નામે વસાવેલ કુલ-30 સ્થાવર તથા જંગમ મિલ્કત જપ્ત (ટાંચ) કરવા તેમજ અલગ અલગ બેંકોમા રહેલ 24 બેંક એકાઉંટના રોકડા રૂપિયા આશરે 12.50 લાખ જેટલી રોકડ રકમ જપ્ત કરવા હુકમ કરતા મોરબી પોલીસે ટીમ બનાવી સ્થાવર તથા જંગમ મિલકત આશરે રૂ. 1.80 કરોડની અલગ -અલગ 30 મિલ્કતો ટાંચમાં લેવાની સાથે અલગ-અલગ 24 બેન્ક ખાતામાં પડેલા રૂપિયા 12.50 લાખ પણ ફ્રીજ કરાવી દીધા હતા.

આ કાર્યવાહી નાયબ પોલીસ અધિક્ષક મોરબી પી.એ.ઝાલા, સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા, પીએસઆઇ એ.વી.પાતળીયા,એ.એસ.આઇ. રાજદીપસિંહ ઝાલા, દીલીપભાઈ ચૌધરી, હેડ કોન્સ્ટેબલ ચકુભાઇ દેવશીભાઇ, કોન્સ્ટેબલ રાજુભાઇ રમેશચંદ્ર, પ્રદીપસિંહ બહાદુરસિંહ, પુનમબેન બેચરભાઇ, વહીદાબેન બસીરભાઇ, પુજાબેન વિનોદભાઇ તેમજ મોરબી નાયબ પોલીસ અધિક્ષકની કચેરી તથા મોરબી સીટી એ ડીવીઝન સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- text