Morbi: બગડેલી ઘરઘંટી આપવા બદલ મોરબીના ગ્રાહકને પૈસા પાછા આપવા કોર્ટનો આદેશ

મોરબીનાં રૂષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણચન્દ્ર હદવાણીએ રસોઇશોપ સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો

Morbi: મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ કમિશને મોરબી સ્થિત ઘરઘંટીનાં ડિલરને આદેશ આપ્યો છે કે, બગડી ગયેલી ઘરઘંટી આપવા બદલ ગ્રાહકને તે ઘરઘંટીની કિંમત 9 ટકા વ્યાજ સાથે પાછી આપવી અને ફરિયાદ ખર્ચ અને માનસિક ત્રાસ પેટે 4000 રૂપિયા આપવાનો પણ હુકમ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે, મોરબીનાં રૂષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણચંન્દ્ર હદવાણીએ રસોઇશોપ નામની દૂકાનેથી ઘરઘંટી ખરીદી હતી અને એ માટે તેમણે રૂ 11500 ચૂકવ્યા હતા. આ દૂકાનવાળાએ તેમને જણાવ્યું હતું કે, થોડા દિવસોમાં તેમને ઘરઘંટી કેમ ચલાવવી તેને ડેમો આપશે પણ વારંવાર ફોન કરવા છતાં કોઇ આવ્યું ન હતુ. ત્યારબાદ 2023નાં માર્ચ મહિનામાં ટેકનિશીયન તેમના ઘરે આવેલો અને ઘરઘંટી ચલાવી આપી હતી પણ બીજા દિવસે ફરી વખત તે બંધ પડી ગઇ હતી. આ પછી પ્રવિણચંદ્રએ વારંવાર દુકાનમાં ફોન કરી તેમની ફરિયાદ નોંધાવી હતી પણ કોઇ જવાબ મળતો ન હતો.
થોડા દિવસો પછી અંતે પ્રવિણચન્દ્ર હદવાણીએ મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ આયોગમાં વિદિવત દાવો માંડ્યો.

આ કેસ ચાલી જતા કોર્ટે હુકમ કર્યો છે કે, ગ્રાહકને માનસિક ત્રાસ થયેલો છે અને તેમની ઘંટીનાં પૈસા તેમને વ્યાજ સહિત પાછા મળવા જોઇએ અને ફરિયાદનો ખર્ચ પણ તેમને સામેવાળા તરફથી મળવો જોઇએ.