આજ બિરજ મેં, હોરી રે રસિયા.. : હવેલીઓ-મંદિરોમાં 40 દિવસો સુધી શ્રીકૃષ્ણના પ્રેમમાં રંગાતા વૈષ્ણવો

- text


શ્રીકૃષ્ણ મંદિરોમાં વસંતપંચમીથી ધુળેટી સુધી ઉજવાતો હોળીખેલ : વ્રજની ભાવનાથી ધુળેટીના દિવસે દોલોત્સવની ઉજવણી

પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં અબીલ, ગુલાલ, ચંદન, ચુઆ, કેસુડો વરસે છે : ધમાર અને રસિયાની ઝાંઝ, ડફ, મૃદંગ, પખવાજ સાથે રમઝટ જામે છે

મોરબી : મોરબી જિલ્લામાં અનેક હવેલીઓમાં તેમજ દેવભૂમિ દ્વારકાના જગતમંદિર સહિત ગુજરાતભરમાં, ઉત્તરપ્રદેશમાં આવેલા મથુરા અને વ્રજમંડળમાં, રાજસ્થાનના નાથદ્વારામાં, પુષ્ટિમાર્ગીય હવેલીઓ, મહાપ્રભુજી-ગુંસાઈજીની બેઠકો સહિત ઠેર-ઠેર વસંતપંચમીની 40 દિવસો સુધી શ્રીકૃષ્ણ પ્રેમમાં વૈષ્ણવો રંગાઈ છે. અબીલ, ગુલાલ, ચંદન, ચુઆ, કેસુડો વરસે છે. ધ્રુપદ, ધમાર, રસિયા ગવાય છે. ઝાંઝ, ડફ, મૃદંગ, પખવાજ, તુરી, થાળી વગેરે વાગે છે અને વૈષ્ણવો તન અને મનથી પ્રભુભક્તિમાં રંગાઇ જાય છે.

પુષ્ટિમાર્ગમાં વ્રજની ભાવનાથી વસંતપંચમીથી 40 દિવસ સુધી વસંતોત્સવ મનાવાય છે. હોરી ખેલ – વસંતોત્સવ એ દાસ્ય ભાવના સ્થાને સાખ્ય ભાવે પ્રભુની સેવાનો અનેરો અવસર છે. ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટેનો ઉત્સવ છે. તેથી, 4 યૂથના ગોપીજનો માટે 10-10 દિવસ એમ કુલ 40 દિવસ ગોપીજનોના મનોરથ પૂર્ણ કરવા માટે પ્રભુ હોરીખેલ ખેલે છે. જે કારણથી 40 દિવસ હોરી ખેલ મનાવાય છે અને 41મો દિવસ ડોલોત્સવ.

વ્રજ રીતિ અનુસાર આ 41 દિવસમાં, વસંત પંચમીથી 10 દિવસ વસંતના ખેલ નંદભવનમાં હોય છે અને આ 10 દિવસ શ્રી યમુનાજીની સેવાના છે. પછી હોરી દંડા રોપણથી  10 દિવસ ધમારના ખેલ પોળમાં હોય છે અને આ 10 દિવસ શ્રી ચંદ્રાવલીજીની સેવાના છે. ત્યારબાદ મહા વદ અગીયારસથી 10 દિવસ ફાગ ખેલ ગલીઓમાં હોય છે. અને આ 10 દિવસ શ્રીલલિતાજીની સેવાના છે. તેમજ ફાગણ સુદ છઠથી 10 દિવસ ફાગના ખેલ ગામની બહારના ચોકમાં હોય છે અને આ 10 દિવસ શ્રીરાધાજીની સેવાના હોય છે. અને 41 મો દિવસ ડોલોત્સવ, જેમાં પ્રભુ ડોલ (ઝૂલો) જુલે છે.

આ ચાલીસ દિવસ દરમિયાન પ્રભુને કેસૂડો, ચોવા, અબીર, ગુલાલ, ચંદન , ફૂલ ઇત્યાદિથી હોરી ખેલાવવામાં આવે છે.જેમાં કેસુડો એ સ્વામીનીજી શ્રી રાધા રાણીના ભાવથી આવે છે. અબીર એ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી આવે છે.
ગુલાલ એ શ્રી લલિતાજીના ભાવથી આવે છે. ચોવા એ શ્રી યમુનાજીના ભાવથી આવે છે. પ્રથમ 10 દિવસ એ શ્રી યમુનાજીના ભાવથી છે. ફૂલ એ વ્રજભક્તોના ભાવથી હોય છે. આ દિવસોમાં ભક્તો વસંત-ધમારના કીર્તન, રસભરી ગાળીઓ, રસિયા વગેરેનું ગાયન અને સંકીર્તન કરી પ્રભુની લીલાનો અનુભવ પ્રાપ્ત કરે છે.

વ્રજમાં ભિન્ન પ્રકારની હોળી રમાય છે. જેમ કે ફૂલોની હોરી, રંગોની હોળી, ગોબરની હોળી, કેસુડાં રંગના જળની હોરી, લઠ્ઠમાર હોરી, લડ્ડુમાર હોરી (જે મુખ્યત્વે બરસના માં રમાય છે) જેવા હોરી ખેલ થાય છે.


રાળ ઉત્સવ

શ્રી મહાપ્રભુજી સ્થાપિત પુષ્ટી સંપ્રદાયમાં શ્રીકૃષ્ણ સંબંધી અનેક મનોરથોનું આયોજન થતું હોય છે. ત્યારે દર વર્ષે ફાગણ માસમાં ડોલોત્સવ પણ યોજાતો હોય છે. પણ, આ ‘ડોલોત્સવ’ પૂર્વે હવેલીઓમાં ઉજવાય છે રાળ ઉત્સવ. એ ઉત્સવ કે જેમાં અગ્નિ વારંવાર ભડકાનું રૂપ ધારણ કરે છે. આ માત્ર ‘આગ’ નથી. આ તો છે ‘રાળ’. આ તો છે ગોપીઓના હૃદયમાં ઉઠતી ‘રાળ’ !. ગોપીઓને સતાવતી ‘વિરહ’ની રાળ ! હવેલીમાં ભગવાનને 40 દિવસ સુધી રંગબેરંગી રંગોથી હોળી ખેલવામાં આવે છે સાથે વલ્લભકુળ દ્વારા ભક્તોને પણ શ્રી કૃષ્ણના પ્રેમરૂપી ગુલાલ ઉડાડીને હોળીનો ઉત્સવ ઉજવાય છે.

- text


દોલોત્સવ

દોલ શબ્દનું અપભ્રંશ થઇ જતાં ડોલ શબ્દ બન્યો છે. જેમાં વૃક્ષોની ડાળી પર દોરડાથી બનાવેલા ઝૂલાઓ પર ફૂલપાનથી ગૂંથણી કરવામાં આવે છે. શ્રી વલ્લભકુળના બાલકો અને વૈષ્ણવો શ્રી ઠાકોરજીને આ ઝૂલાઓ પર ઝૂલાવે છે. વ્રજમાં ફૂલડોલનાં ઉત્સવ દરમિયાન મેળાઓ ભરાય છે. ચૈત્ર સુદ છઠ્ઠના દિવસે વિશ્રામઘાટ પર, ફાગણ વદ અગિયારસને દિવસે માનસરોવર અને રાધારાણીના મંદિરે મેળા હોય છે. પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં ફાગણ વદ એકમે આ ઉત્સવ ઉજવાય છે.


રસિયા

આજ બિરજ મેં હોરી રે રસિયા, હોરી રે રસિયા, બરજોરી રે રસિયા,
કોન ગાંવ કો કુંવર કન્હાઈ, કોન ગાંવ કી ગોરી રે રસિયા.. નંદગાંવ કો કુંવર કન્હાઈ, બરસાને કી રાધા ગોરી રે રસિયા..


***

ખેલે શ્યામા શ્યામ રી, આજ કૂંજન મેં હોરી,
નંદગામ સોં આયે સખા સબ, બરસાને કી વામ રી,
ગહવરવન ઔર ખોરસાંકરી, કુંજકુટી નિજ ધામ રી.


***

પીછે તે આયો નંદલાલ રી, મોંપે રંગ ડાર ગયો હૈ
રંગ ડાર ગયો, મોંપે રંગ ડાર ગયો હૈ,
ઈકલી ઘેર લઈ મોહે મગ મેં, ગ્વાલ બાલ કોઈ સખા ન સંગ મેં,
યાને મુખ પે મલ્યો હૈ ગુલાલ રી, મોંપે રંગ ડાર ગયો હૈ


***

શ્યામા શ્યામ સલોની સુરત કો સિંગાર બસંતી હૈ.
મોર મુકુટ કી લટક બસંતી, ચંદ્ર કલાકી ચટક બસંતી,
મુખ મુરલી કી મટક બસંતી,
સિર પે પેચ, શ્રવન કુંડલ છબિદાર બસંતી હૈ શ્યામા શ્યામ…
માથે ચંદન લહસ્યો બસંતી, પટ પીતાંબર કસ્યો બસંતી, મેરે મન મોહન બસ્યો બસંતી, ગુંજામાલ ગલ સૌહે ફૂલનદાર બસંતી હૈ શ્યામા શ્યામ…


***

રસિયા ખેલે રસિયા સંગ મારે હો રંગો કિ ફુહાર…….
ના ના ના ડારો રે મોપે રંગો કી ફુહાર………મોરે રસિયા
કાહે ના ડારે રંગો કી ફુહાર મોરી રસિયા..
દેખો રી આઇ હે બસંતબહાર ઓ રી રસિયા
હોરી હોરી હોરી ખેલો રે રંગ રસિયા…..ઉડાઓ રે આજ રંગ ગુલાલ કી બૌછાર મોરી રસિયા.


- text