કેસૂડાંની કળીએ બેસી ફાગણીયો લહેરાયો : વસંતઋતુના આગમનની સાથે જ વનવગડામાં છવાઈ જતી કેસુડાના ફૂલોની ચાદર!

કેસુડાના કેસરી રંગના ફૂલો આપણા મનને શાંતિ આપે છે

કેસુડાના સાંસ્કૃતિક મહત્વ સાથે તેના ઔષધીય ગુણો પણ અનેક છે

મોરબી : કેસુડા! ભાગ્યે જ કોઇ હશે જે આ નામથી અજાણ હશે. સંસ્કૃતમાં કિંશુક તરીકે ઓળખાતું આ વૃક્ષ ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે. કેસુડો એ સમગ્ર ભારતવર્ષના વનવગડાનું અતિ સામાન્ય પણ તેમ છતા અતિ વિશિષ્ટ અંગ છે. ગરમીની શરૂઆત અને વસંતઋતુનું આગમન થતાની સાથે જ ચારે બાજુ પાનખર ઋતુની વચ્ચે જ્યાં સુકાયેલા વૃક્ષો વચ્ચે કેસુડાના વૃક્ષો પર પુષ્પો ખીલે છે. કેશરી રંગના ફૂલો આપણા મનને શાંતિ આપે છે. સાથે આ સમય દરમ્યાન વન વિસ્તારનું વાતવરણ સોળે કળાએ ખીલી ઉઠે છે. તેથી જ તો કેસુડાના સોંદર્યનું મોહક વર્ણન સાહિત્યો અને કાવ્યોમાં ખુબ જ કરવામાં આવ્યુ છે.


“ખીલ્યો પલાશ પુર બહારમાં રે લોલ,
સઘળી ખીલી છે વનવેલ;
ટહુકે શી આમ્રકુંજ કોકિલા રે લોલ,
ટહુકે મયુર અને ઢેલ !
બંધુ બેનીઓ ! ચાલો વસંતૠતુ માણવા.”
— સ્વ. નરહરિ ભટ્ટ
કેસૂડાંની કળીએ બેસી
ફાગણીયો લહેરાયો.
આવ્યો ફાગણિયો… રૂડો ફાગણિયો..
કેસૂડાંની…
રંગ ભરી પિચકારી ઊડે,
હૈયે હરખ ન માયો.
અબીલ-ગુલાલ ગગનમાં ઉડે…
વ્રજમાં રાસ રચાયો…
આવ્યો ફાગણિયો… રૂડો ફાગણિયો…
ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…
લાલ લાલ લાલ લાલ રંગ પેલા કેસુડાના… પર લહેરાયો
ઋતુઓનો રાજા પેલો ફાગણ આંગણ આવી અલબેલો લહેરાયો..

મહત્વ અને ઉપયોગ

૧) સાંસ્કૃતિક મહત્વ – આ વૃક્ષના પાંદડાંમાંથી પતરાળાં અને વાટકી બનાવવામાં આવે છે. રંગોનો તહેવાર “ધૂળેટી”માં તેના ફૂલોનાં રંગ વાપરવાની વર્ષો જુની પરંપરા છે. તેનાં ફૂલોને પાણીમાં નાખીને તેનાથી ધૂળેટી પણ રમવામાં આવે છે. તેનાં ફૂલના રંગ વડે “ગુલાલ” પણ બનાવવામાં આવે છે. ભારતમાં, આ વૃક્ષ વસંત ઋતુ સાથે સંકળાયેલું છે. દક્ષિણ ભારતમાં આ વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે.

૨) ઔષધીય ગુણો – આ એક મહત્વનું ઔષધિય વૃક્ષ છે અને તેના જુદા જુદા ભાગોનો ઉપયોગ પરંપરાગત દવા પદ્ધતિ જેમ કે આયુર્વેદ, સિદ્ધ અને યુનાનીમાં વિવિધ રોગોની સારવાર માટે થાય છે. કેસૂડાના ફૂલથી બાળકને સ્નાન કરાવવામાં આવે છે. નવજાત બાળક માટે શ્રેષ્ઠ ઔષધ છે. કેસૂડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી બાળકને સ્નાન કરાવવાથી ઓરી,અછબડા, લૂ અને ગરમીના રોગથી રક્ષણ મળે છે.

આકરા ઉનાળાના પ્રારંભે કેસુડાના ફૂલ રમ્ય અને સહ્ય બનાવે છે. સફેદ કેસુડા પણ થાય છે, જે ખૂબ જૂજ જોવા મળે છે. કેસુડાના ફૂલ પાણીમાં નાંખીને સ્નાન કરવાથી ઠંડક મળે છે અને ચામડી માટે પણ તે ઔષધ રૂપ બને છે. મધ્ય ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદના જંગલોમાં તેની બહુતાયત છે.

મોંઘા કેસરથી કરવામાં આવતા સ્નાનની અહલાદકતાની અનુભૂતિ કેસુડાના પાણી સાવ સસ્તામાં કરાવે છે. આદિવાસી સમુદાય હવે હોળીના તહેવારોના ટાણે શહેરી સડકો પર કેસુડાના ફૂલો વેચીને આછીપાતળી પૂરક આવક મેળવે છે.